એન્ગ્રી યંગ મેનના યુગમાં પણ મેલોડીને વળગી રહીને હિટ સંગીત પીરસ્યું !


ફિલ્મ સંગીત  અને ખાસ કરીને યાદગાર ગીતોની નોંધ રાખનારા મોટા ભાગના સમીક્ષકો દ્રઢપણે માને છે કે રાજેશ ખન્ના પછી મેલોડી (મધુર તર્જો)નો યુગ પૂરો થઇ ગયો. રાજુ ભારતન જેવા અભ્યાસીએ તો ખુદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મોઢે આ વાત કરેલી. પ્રકાશ મહેરાની અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ જંજિરથી ઢિશૂમ ઢિશૂમ ડ્રાઇવિંગ સીટ પર આવી ગયું અને સંગીત બેક સીટ પર બેસી ગયું એવી ટીકા સાવ ખોટી નથી. 

પરંતુ આ યુગમાં પણ સંગીતકાર તરીકે કલ્યાણજી આણંદજીએ પોતાની શૈલી જાળવી રાખી અને અમિતાભ અભિનિત ફિલ્મોમાં પણ મધુર સંગીત પીરસતા રહ્યા. ખુદ અમિતાભ બચ્ચને  એક માતબર અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એ હકીકતનો નિખાલસપણે સ્વીકાર કર્યો હતો.

અહીં ઔર એક આડવાત. અમિતાભ બચ્ચન સંઘર્ષ કરી રહ્યા હતા અને એેમની એક પછી એક ફિલ્મ ફ્લોપ નીવડી રહી હતી ત્યારે એ નિયમિત રૂપે કલ્યાણજી આણંદજીના મ્યુઝિક રૂમની મુલાકાત લેતા હતા. કલ્યાણજીભાઇ એની હતાશા નિવારવા રમૂજી જોક્સ કહેતા અને એનો ઉત્સાહ વધારતા કે તારામાં ભરપુર ટેલેન્ટ છે. તું એક દિવસ સફળતાના સૌથી ઊંચા શિખર પર બિરાજમાન થઇશ. હિંમત હારવાની જરૂર નથી. અમિતાભ કહે છે કે ખુદ કલ્યાણજી આણંદજી ટોચના ફિલ્મ સર્જકોને મારી ભલામણ કરતા કે એકવાર આને અજમાવી જુઓ.

આટલી પૂર્વભૂમિકા પછી આપણે કલ્યાણજી આણઁદજીએે અમિતાભ બચ્ચન માટે રચેલા સંગીતની વાત કરીએ. અત્રે અમિતાભ બચ્ચનને ગમેલાં ગીતોની ઝલક આપવાની યોજના છે. આમ પણ આપણે કોઇ ફિલ્મનાં બધાં ગીતોનો આસ્વાદ લેતા નથી.

અમિતાભ બચ્ચનને રાતોરાત એંગ્રી યંગ મેન બનાવનારી ફિલ્મ પ્રકાશ મહેરાની જંજિર હતી. આ ફિલ્મની ઓફર બીજા કેટલાક કલાકારોને થયેલી એ વાત જગજાહેર છે. સૌથી રસપ્રદ વાત એ હતી કે આ ફિલ્મમાં હીરોના ભાગે એક્કે ગીત નહોતું.

લિજેન્ડરી ફિલ્મ સર્જક વી શાંતારામના રાજકમલ કલામંદિરમાં આ ફિલ્મનાં ગીતોનું રેકોર્ડિંગ થયું હતું. પ્રકાશ મહેરા પોતે ગીતકાર અને સંગીતના મર્મી હોવાથી ગીતોના રેકોર્ડિંગમાં હાજર રહ્યા હતા. સૌથી વધુ આસ્વાદ્ય ગીત મન્ના ડેને ફાળે આવ્યું હતું. આ ગીત ફિલ્મમાં શેરખાનની ભૂમિકા કરનારા પ્રાણ પર ફિલ્માવાયું હતું.

અરબી શૈલીથી ભૈરવી રાગિણીમાં આ ગીત સ્વરબદ્ધ થયું હતું. યારી હૈ ઇમાન મેરા યાર મેરી જિંદગી... કલ્યાણજી આણઁદજીના માનીતા સાજિંદા કિશોર દેસાઇએ આ ગીતમાં અરબી વાદ્ય રબાબની છટા ઉમેરાય એ રીતે સરોદ વગાડ્યું હતું. સૌથી વધુ રસપ્રદ વાત તો એ કે ચૌદ માત્રાના દીપચંદી તાલને અહીં અલગ પ્રકારે વજન આપીને અરબી ગીત ગવાતું હોય એવો પ્રયોગ કરાયો હતો. તાલની એ કમાલ આણંદજીભાઇની હતી. મોટાભાગનાં હિટ ગીતોમાં તાલ વિભાગ આણંદજીએ સંભાળ્યો હતો.

અમિતાભને ગમેલું આ ફિલ્મનું અન્ય એક ગીત એટલે દિવાને હૈં દિવાનોં કો ન ઘર ચાહિયે, ના દર ચાહિયે, મુહબ્બત ભરી એક નજર ચાહિયે, નજર ચાહિયે... આ ગીતમાં પણ જે મસ્તી છે એ દરેક પ્રેમી યુગલને સ્પર્શી જાય એવી બની હતી. 

પરદા પર જયા બચ્ચનના ફાળે બે ગીતો આવેલાં. એમાંનું પહેલું ગીત એટલે આશા ભોંસલેન કંઠે રજૂ થયેલું ચાકુ છૂરિયાં તેજ કરા લો... આ એક અલગ પ્રકારનું ગીત હતું. સાઇકલ પર સરાણ ગોઠવીને શેરીઓમાં નીકળતા છરી-ચાકુની ધાર કાઢનારા જેવો રોલ જયાને ફાળે આવ્યો હતો. આવાં ગીતોને સરળ બંદિશમાં બાંઘવાનું કામ આસાન નથી. ટીકા કરનારા એ હકીકત ભૂલી જતા હોય છે કે  ગીતની સિચ્યુએશન અને ગીતનો પ્રકાર કયો છે. આવાં ગીતો બહુ ઓછાં બને છે. કેટલેક અંશે આવાં ગીતો શબ્દાળુ બની જવાનો ભય હોય છે.  આ ગીતમાં પણ એવા શબ્દો છે, જેમ કે  મૈં તો રખ્ખું ઐસી ધાર કિ ચક્કુ  બન જાયે તલવાર, કિ દેખો રખવા કે એકબાર, ના પીછે પછતાના સરકાર, યે જમાના હૈ તેજી કા જમાના, ચક્કુ છૂરિયાં તેજ કરા લો....

ઇન્સપેક્ટર વિજય તેજાના ષડ્યંત્રથી સસ્પેન્ડ થાય છે ત્યારે નાયિકા (જયા) ફાળે આવેલું ગીત પણ માણવા જેવું છે. આ ગીત લતાના કંઠમાં છે- બના કે ક્યું બિગાડા રે નસીબા, ઉપરવાલે ઉપરવાલે, બના કે ક્યું બિગાડા રે... આ ગીતમાં અનાયાસે ઘુંટાયેલા દર્દનો અહેસાસ થાય છે.

આ ફિલ્મે ગોલ્ડન જ્યુબિલી ઊજવેલી અર્થાત્ પચાસ સપ્તાહ સુધી ચાલી હતી. ગોલ્ડન જ્યુબિલીની ઊજવણી વખતે પ્રકાશ મહેરાએ પત્રકારો સાથે વાત કરતાં કહેલું કે જંજિરની ગોલ્ડન જ્યુબિલીમાં સંગીતના ફાળો પણ નોંધનીય રહ્યો છે. સંગીતકારોને આથી વધુ બીજું જોઇએ શું ? 

Comments

  1. Yes I agree 101%. Dedication to Music.

    ReplyDelete
  2. VERY NICE INFORMATION ABOUT THE MUSIC. IT IS SWEET MEMORY K.A MUSIC DIRECTOR...

    ReplyDelete

Post a Comment