અવકાશયાત્રીઓને લગતી કોઇ વિડિયો ક્લીપ તમે જોઇ છે ? તમારો જવાબ હામાં હોય તો તમને ખ્યાલ હશે કે બાહ્ય અવકાશમાં ગુરુત્ત્વાકર્ષણનું બળ હોતું નથી. ત્યાં શૂન્યાવકાશ હોય છે એટલે અવકાશયાત્રીઓને તેમની બેઠક સાથે બાંધી રાખવા પડે. એમ ન થાય તો અવકાશવીરો સૂક્કા પાંદડાની જેમ ફરફર્યા કરે. યાનની આ દિવાલથી પેલી દિવાલ સાથે અથડાયા કરે. આજે જે કલાકારની વાત કરવી છે એ બરાબર આવી સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો હતો. ખરેખર તો આ એક યૌગિક સિદ્ધિ છે.
એક વાત યાદ રાખજો કે બાબા રામદેવ કે બીજા યોગ શિક્ષકો કરાવે છે એ એક પ્રકારનો વ્યાયામ છે, પાતંજલ યોગસૂત્રમાં જે યોગની વાત કરી છે એ તદ્દન જુદો વિષય છે. હવે આ વિદેશી ડાન્સરની વાત વાંચો. એનું નામ વાસ્લાવ નીન્જીન્સ્કી. આપણે એને નીન્જી કહીશું. પોલિશ માતાપિતાનું સંતાન એવો નીન્જી સામ્રાજ્યવાદી રશિયામાં ગઇ સદીના આરંભે થઇ ગયો. એ ટોચનો બેલે (નૃત્યનાટિકા ) ડાન્સર હતો. પોતાની કલામાં એટલી હદે એ લીન થઇ જતો કે ક્યારેક એ જમીનથી ચાર પાંચ ફૂટ અદ્ધર થઇ જતો.
અહીં એક વાત સમજવા જેવી છે. તમે હાઇ જમ્પ કરતા એથ્લેટ્સને જોયા હશે. એ જેટલા ફોર્સથી હાઇ જમ્પ કરે એટલાજ ફોર્સથી ધરતી તરફ ખેંચાય છે. એનું કારણ પૃથ્વીનું ગુરુત્ત્વાકર્ષણ બળ છે. નીન્જીની બાબતમાં ઊલટું બનતું. એ ઝાડ પરથી પડતા સૂક્કા પાંદડાની જેમ સ્ટેજ પર ઊતરતો. એને આ રીતે જોનારા દર્શકોનો શ્વાસ અદ્ધર થઇ જતો. એકવાર એની ડાન્સર પત્નીએ એને કહ્યું કે તમે જાણો છો કે તમે બેલેમાં લીન થઇ જાઓ ત્યારે શું થાય છે ? તમે ભારતીય યોગીઓની જેમ હવામાં અદ્ધર થઇ જાઓ છો.નીન્જી હસી પડ્યો. એ કહે કે મને પૂરેપૂરી જાણ છે, કારણ કે એ સમયે હું શરીરમાં હોતો નથી. શરીરની બહાર નીકળીને હું નૃત્ય કરી રહેલી મારી જાતને નિહાળતો હોઉઁ છું... ક્યા બાત હૈ. આપણા સાધુ સંતો ઘણીવાર આવા પ્રયોગો કરતા. આદિ શંકરાચાર્યે સંસાર સુખનું રહસ્ય સમજવા પરકાયા પ્રવેશ કર્યો હતો એ તમને યાદ હશે. નીન્જી પોતાના શરીરની બહાર નીકળીને પોતાના ડાન્સને નિહાળતો અને માણતો.
કેટલાક કલાકારો આપણે વિજ્ઞાનની ભાષામાં સમજાવી ન શકીએ એવી કરામતો સિદ્ધ કરતા હોય છે. તમે માઇકલ જેક્સનના ડાન્સ જોયા હોય તો એ સ્ટેજ પર ધરતીથી 45 ડિગ્રી પર ઝુકી જતો હતો છતાં કદી ગબડી પડ્યો નહોતો. આવું આપણા માટે શક્ય બને ખરું ? આવોજ સવાલ તમારી જેમ આ લેખકને પણ થયો હતો. એ વિશે એક બે અભ્યાસીઓને પૂછ્યું હતું. એક અભ્યાસીએ માહિતી આપી કે પાતંજલ યોગસૂત્રના એક રૂપાંતરમાં મેં આવી વાત વાંચી છે. જે વ્યક્તિ પોતાનું અનાહત ચક્ર સિદ્ધ કરી લે એ આ રીતે ગુરુત્ત્વાકર્ષણના બળને અતિક્રમીને હવામાં અદ્ધર થઇ શકે. ઓશો રજનીશે પણ આવોજ અભિપ્રાય પોતાના એક પ્રવચનમાં વ્યક્ત કર્યો હતો. ભારતીય યોગશાસ્ત્ર મુજબ અનાહત ચક્ર આપણા હૃદય નજીક આવેલું છે. શરીરમાં કુલ સાત ચક્રો છે.સહેલાઇથી માની નહીં શકાય પરંતુ આપણા ઘણા સંગીતકારોએ આવી એક કરતાં વધુ સિદ્ધિ મેળવી હતી. ખાસ કરીને ઉસ્તાદ ઇનાયત ખાન અને પંડિત રવિશંકર તેમજ અલી અકબર ખાનના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાને વિરલ સિદ્ધિ સંગીતની સાધના દ્વારા મેળવી હતી. ઇનાયત ખાન વિશે તો વિદેશોમાં પુસ્તકો પણ લખાયાં છે. એ ઓલિયાએ અધ્યાત્મ ક્ષેત્રે ચમત્કારી સિદ્ધિ મેળવી હતી અને છેલ્લે છેલ્લે પીર તરીકે પૂજાયા હતા.
આ દુનિયામાં અનેક વિસ્મયજનક ઘટનાઓ બને છે. આપણું જ્ઞાન અત્યંત મર્યાદિત હોય છે. આપણે જે તે ક્ષેત્રના નિષ્ણાત હોઇ શકીએ પરંતુ એ ક્ષેત્રની બહાર પણ એક સૃષ્ટિ છે એ યાદ રાખવું ઘટે.
સુંદર લેખ અને
ReplyDelete