‘ભગવાન મહાવીર સ્વામીની 2500મી નિર્વાણ તિથિ અને ત્યાર પહેલાં તેમજ પછી અમે જ્યાં જ્યારે તક મળી ત્યારે ભક્તિગીતો સ્વરબદ્ધ કરતા હતા. તમે નહીં માનો, પણ ઘણીવાર એવું બનતું કે ફિલ્મ સામાજિક હોય કે મસાલા ફિલ્મ હોય, અમે એકાદ ભક્તિગીત મૂકવાની તક શોધી લેતા. વડીલો અને ગુરુજનોના આશીર્વાદથી એવાં મોટા ભાગનાં ગીતો હિટ નીવડ્યાં...’ સંગીતકાર આણંદજીભાઇએ એક મુલાકાતમાં કહ્યું.
તરત તેમણે દાખલો પણ આપ્યો. ‘છોટી બહુ ફિલ્મ આમ જુઓ તો સોશ્યલ સબ્જેક્ટ પર આધારિત હતી. જગપ્રસિદ્ધ બંગાળી લેખક (દેવદાસ ફેમ) શરદબાબુની વાર્તા બિન્દુર છેલે (બિન્દુનો છોકરો) પર આધારિત હતી. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમાં એક યોગ્ય પ્રસંગ જણાતા અમે ડાયરેક્ટર કે બી તિલકને સૂચવ્યું હતું કે નાયિકા પોતાની જેઠાણીના પુત્રને દીકરા જેવો પ્રેમ કરે છે તો આપણે એેક સરસ ભક્તિગીત મૂકીએ. ડાયરેક્ટર સંમત થયા અને એ ગીત હિટ નીવડ્યું. ‘હે રે કન્હૈયા, કિસ કો કહેગા તૂ મૈયા, એક ને તુઝ કો જનમ દિયા ઔર એક ને તુઝ કો પાલા...’ આ દીચ કિશોર કુમારે દિલથી જમાવ્યું હતું...’કલ્યાણજી આણંદજીના ધાર્મિક ગીતોની વાત ગયા શુક્રવારે શરૂ કરી ત્યારે થયું કે આ મુદ્દાની છણાવટ કર્યા પછી આગળ વધીએ. આણંદજીભાઇએ કરેલી વાતથી આ મુદ્દાને સમર્થન મળ્યું. તમને યાદ હશે, જ્હોની મેરા નામમાં પણ આ રીતે એક સરસ ભક્તિગીત આવી ગયું હતું. ચૂપ ચૂપ મીરાં રોયે દરદ ન જાને કોઇ... સોહાગ રાતમાં પણ એક સરસ ભક્તિગીત હતું. એના વિશે આપણે વાત કરી ગયા. ગંગા મૈયા મેં જબ તક યે પાની રહે, મેરે સજના તેરી જિંદગાની રહે...
હકીકતમાં આ બંને ભાઇઓએ નાના ફિલ્મ સર્જકોની ઓછા બજેટની ધાર્મિક ફિલ્મો પણ કરી. હર હર મહાદેવ અને હરિ દર્શન જેવી ફિલ્મો આ કેટેગરીમાં આવે. એમાં પણ સારાં ભક્તિગીતો સ્વરબદ્ધ કરવાની તક મળેલી.
એક ગીત તો રેર (દુર્લભ) કહેવાય એવું બન્યું હતું. તમને યાદ કરાવું. ફિલ્મ ઘર ઘર કી કહાનીમાં આ ગીત લતાજીએ ગાયું હતું. જય નંદલાલા જય જય ગોપાલા... આ ગીત રાગ ભટિયારમાં હતું. આ રાગમાં તમને આંગળીને વેઢે ગણાય એટલાં ફિલ્મ ગીતો માંડ મળે. મધ્યલય કહેરવામાં આ ભજન હતું. લતાજીએ જબરી જમાવટ કરી હતી.
ભટિયાર રાગની ખૂબી માણવા જેવી છે. મારવા થાટ અને મારવા રાગ મોટે ભાગે સંધિકાલીન (દિવસ પૂરો ન થયો હોય અને રાત્રિ આવું આવું કરતી હોય એવો સમય) ગણાય છે. પરંતુ કલ્યાણજી આણંદજીએ પાછલી પરોઢના ગીત માટે આ રાગ વાપર્યો હતો.
હર હર મહાદેવનાં ગીતો પ્રદીપજીએ રચ્યાં હતાં અને એ બધાં ગીતો માણવા જેવાં બન્યાં હતાં. મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર, કંચન ઉપરાંત આ ફિલ્મનું એક ગીત મશહૂર કવ્વાલ અઝીઝ નાઝાંએ ગાયું હતું. યાદ છે આ કવ્વાલ, જેની ઝૂમ બરાબર ઝૂમ શરાબી.... એ ખરા અ્થમાં ધૂમ મચાવી હતી. ભગવાન શિવ ભૂતો અને ભૈરવોને લઇને પાર્વતીને પરણવા નીકળ્યા છે એ વરઘોડાનું ગીત કલ્યાણજી આણંદજીએ એના કંઠે ગવડાવ્યું હતું. ઓ ડમરુવાલે બાબા ચલે બ્યાહ રચાને... ફિલ્મનાં બધાં ભક્તિગીતો ખાસ કરીને મહાશિવરાત્રિએ અને શ્રાવણ માસમાં શિવાલયો ગજાવતાં હતાં.એ જ રીતે ફિલ્મ હરિ દર્શનનાં ગીતો પણ યાદગાર હતાં. ખાસ કરીને પહેલીવાર મહેન્દ્ર કપૂરના અને બીજીવાર મહેન્દ્ર કપૂર તથા લતાના કંઠે રજૂ થયેલું જય જય નારાયણ નારાયણ હરિ હરિ... ઉપરાંત સુષ્મા શ્રેષ્ઠા, કમલ બારોટ અને હેમલતાના કંઠે ગવાયેલું ઇધર ભી ઇશ્વર ઉધર ભી ઇશ્વર... ગીતો સારી લોકપ્રિયતાને વર્યાં હતાં.
ટૂંકમાં, કહેવાનું તાત્પર્ય એ કે જ્યારે જ્યાં તક મળી ત્યાં આ કચ્છી બંધુઓએ સરસ ભક્તિગીતો પણ આપ્યાં. જ્હોની મેરા નામ, ઘર ઘર કી કહાની અને સોહાગ રાત જેવી ફિલ્મોનાં ગીતો તો આજેય જૂનાં ગીતોના ચાહકોને રીઝવતાં રહ્યાં છે.
Nice information
ReplyDelete