આ વાત માત્ર નરેન્દ્ર મોદી પૂરતી મર્યાદિત નથી. બીજા કેટલાક રાજકારણીઓ પણ બહારથી વધુ પડતા કઠોર દેખાતા. પરંતુ એમની ભીતર કોઇ જુદો માનવી વસતો હોય એવું લાગતું. અનાવિલ સમાજના ટોચના નેતા અને પાછળથી દેશના વડા પ્રધાન બનેલા મોરારજી દેસાઇની વાત લ્યો. એમની જાહેર છાપ એવી હતી કે અજાણ્યાને એ તોછડા અને ઉદ્ધત લાગે. કેટલાક તંત્રીઓ મોરારજીભાઇને ‘કડછા’ કહેતા પરંતુ બહુ ઓછા પત્રકારોએ એ હકીકતની નોંધ લીધી હતી કે મોરારજીભાઇ સંગીતપ્રેમી હતા એટલુંજ નહીં એ દિલરુબા નામનું વાજિંત્ર સરસ રીતે વગાડી શકતા. જો કે નરેન્દ્ર મોદીની જેમ જાહેરમાં કદી એમણે પોતાનો સંગીત પ્રેમ દાખવ્યો નહોતો.
રાજકારણ અને ખાસ તો સત્તાકારણ ચોવીસ કલાકનો વ્યવસાય છે એવું એક અભ્યાસી સમીક્ષકે લખ્યું છે. રાજકારણમાં પડેલો માણસ ઘણીવાર સંગીત જેવી કલા માટે નિયમિત સમય ફાળવી શકતો નથી. સંગીતની કલા એેવી છે કે નિયમિત રિયાઝ ન થાય તો એ વિદ્યા ફળે નહીં. રાજનેતા માટે આવો સમય ફાળવવાનું કાયમ શક્ય હોતું નથી. મોરારજીભાઇ પોતાના અંગત જીવનમાં કોઇને માથું મારવા દેતાં નહોતા એટલે એ દિલરુબા પર રિયાઝ ક્યારે કરતા એની જાણ અત્યંત નિકટના કુટુંબીજનો સિવાય કોઇને ન થઇ.ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે જે વિસ્તારની મુલાકાતે જતાં ત્યાં સ્થાનિક ડાન્સર્સ સાથે તાલ મિલાવતા. ઇંદિરાજી પોતે કોઇ વાજિંત્ર વગાડી શકતા નહોતાં પરંતુ તેમનામાં જન્મજાત તાલસૂઝ હતી એવું પત્રકાર શિરોમણી ખુશવંત સિંઘે એકવાર લખેલું. ઇંદિરાજી સ્થાનિક લોકનૃત્ય કરતાં અને એ દરમિયાન એમના પગનો ઠેકો (તાલ) એકદમ પાક્કો રહેતો.
શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના પરિવારમાં તો સંગીત વારસાગત હતું એમ કહીએ તો ચાલે. એમના પિતા પ્રબોધનકાર ઠાકરે સિતાર વગાડી જાણતા હતા. બાળાસાહેબે સિતાર વગાડવાની તાલીમ તો ન લીધી પરંતુ એ ઇલેક્ટ્રોનિક કી બોર્ડ સરસ રીતે વગાડતા. શાસ્ત્રીય તેમજ ફિલ્મ સંગીતકારો સાથે એમનો સારો ઘરોબો હતો. બાળાસાહેબના ભાઇ અને રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરે ઉત્તમ કક્ષાના વોયલિનવાદક હતા. તેમણે વરસો લગી જુદા જુદા ફિલ્મ સંગીતકારો સાથે વોયલિન વગાડ્યું હતું, એટલું જ નહીં, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન જેવા જોડે સંગત કરેલી અને ઉસ્તાદજી એમના વોયલિનવાદનથી પ્રસન્ન થયા હતા. ઠાકરે પરિવારના હાલના વારસદારોમાં સંગીત કેટલી હદે ઊતર્યું છે એની જાણ નથી.
આ બધાંની સાથે આપણા અવકાશવિજ્ઞાની રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ ઉત્તમ કક્ષાના વીણાવાદક હતા. મોટા ભાગના ભારતીય વાદ્યોની તુલનાએ વીણાવાદન સૌથી અઘરું ગણાય. એને માટે લાંબો સમય તપસ્યા કરવા ઉપરાંત બાવડામાં પૂરતી શક્તિ હોવી જરૂરી છે. વીણાવાદન બહુ મુશ્કેલ કામ છે. પરંતુ જેમણે અબ્દુલ કલામને વીણા વગાડતાં જોયાં-સાંભળ્યાં હોય એમને ખ્યાલ હશે, ડોક્ટર કલામ ભલભલા સંગીતકારોને અદેખાઇ આવે એવી કુશળતાથી વીણા વગાડતા. એ કહેતાં કે દરેક બાળકને સંગીતની તાલીમ આપવી જોઇએ. સંગીતની તાલીમ બાળકને ઉત્તમ માનવી બનાવે છે અને ગણિત તથા વિજ્ઞાન જેવા વિષયોમાં જરૂરી એકાગ્રતા કેળવવામાં સંગીત ઉપયોગી નીવડે છે.દક્ષિણ ભારતના રાજનેતાઓ ફિલ્મ સૃષ્ટિ સાથે સંકળાયેલા હતા એ હકીકત જગજાહેર છે. એમ જી રામચંદ્રન, જયલલિતા, કર્ણાટકના એન ટી રામરાવ વગેરે નેતાઓ અભિનય કરતાં કરતાં રાજકારણમાં પ્રવેશ્યા હતા અને સફળ પણ નીવડ્યા હતા રાજનેતાઓના લલિત કલા પ્રત્યેના પ્રેમની આ તો એક નાનકડી ઝલક થઇ.
Nice &informative
ReplyDelete