પ્રકાશ મહેરાની જંજિરથી રાતોરાત એંગ્રી યંગ મેન બની ગયેલા અમિતાભ બચ્ચનની જંજિર પછી સમજૌતા અને કોરા કાગજ જેવી રજત જયંતી ફિલ્મોમાં એવરગ્રીન સંગીત પીરસાઇ રહ્યું હતું ત્યારની વાત છે. સમજૌતા અને કોરા કાગજ બંને ફિલ્મો 1974માં રજૂ થયેલી. આ ફિલ્મોની વાત આ ટચૂકડા બ્રેક પછી કરવાની છે. સાચું પૂછો તો આ બ્રેક પણ નથી. સંગીતકાર તરીકેની કારકિર્દી દરમિયાન કલ્યાણજી આણંદજીને મળેલી વિરલ તક હતી. એમની કારકિર્દીમાં એેક નવી યશકલગી ઉમેરાઇ.
સતત વ્યસ્ત રહેતા કલ્યાણજી આણંદજી પાસે 1974ના પૂર્વાર્ધમાં કેટલાક જૈન શ્રેષ્ઠિએા મળવા આવ્યા. તેમણે આ બંધુઓને એક નવા પ્રોજેક્ટની વાત કરી. એમ કહો કે એક નવા કાર્યની ક્ષિતિજો ઊઘાડી આપી. ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એની 2500મી જયંતી 1974ના ઓક્ટોબરમાં ઊજવાવાની હતી. જૈન આગેવાનોએ કલ્યાણજી આણંદજીને વિનંતી કરી કે થોડાંક જૈન સ્તવનો તૈયાર કરી આપો. ફિલ્મ સંગીતના સતત કામના ભાર વચ્ચે પણ આ બંને ભાઇઓએ સ્વધર્મની સેવા કરવાની તક ઝડપી લીધી. થોડાંક સરસ જૈન સ્તવનો સ્વરબદ્ધ કર્યા અને જૈન સમાજને અર્પણ કર્યાં. આપણે એમાંના એક ભક્તિગીતની વાત જરૂર કરવી જોઇએ.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું..ના સર્જક પૂજ્ય ચિત્રભાનુ મહારાજ સાથે કલ્યાણજીભાઇ
--------------------------
એ ભક્તિગીત કોઇ એક ધર્મ કે સંપ્રદાયની વાત કરતું નથી. કાચી વયે સંન્યાસ લીધા પછી પુખ્ત વયે ફરી સંસારમાં પ્રવેશ કરનારા આદરણીય સંત ચિત્રભાનુ રચિત એ ગીત દુનિયાભરના લોકોને રીઝવવામાં નિમિત્ત બન્યું. કરોડો લોકોના માનીતા ગાયક મૂકેશના કંઠે રજૂ થયેલું એ ગીત એટલે ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે...’ આ ભજનને મૂકેશે ભાવપૂર્ણ રજૂઆત દ્વારા અમર કરી દીધું. સકલ વિશ્વના શુભની ભાવના ધરાવતા આ ગીતને કલ્યાણજી આણંદજીએ સદા સુહાગિન રાગ ભૈરવીમાં સ્વરબદ્ધ કર્યું. આઠ માત્રાના અત્યંત સૌમ્ય લયના કહેરવામાં આ ભક્તિગીત ખરા અર્થમાં યાદગાર બની રહ્યું. તમને સંગીતમાં રસ હોય તો આ ભજનના મુખડા અને અંતરાની દરેક બીજી લીટીમાં સંગીતકારોએ જે રીતે તીવ્ર મધ્યમનો ઉપયોગ કર્યો છે એ ધ્યાનથી સાંભળો. આફ્રિન થઇ જશો.
ઓશો રજનીશના કોરેગાંવ આશ્રમમાં પણ કલ્યાણજી આણંદજીએ એક કરતાં વધુ વખત ભક્તિગીતોના કાર્યક્રમ કોઇ વળતરની અપેક્ષા વિના રજૂ કર્યાં. સાથોસાથ સ્વામીનારાયણ સંપ્રદાયના પૂજ્ય મુક્તજીવન સ્વામી સંચાલિત બાળ કેન્દ્રો માટે મધુર ભક્તિગીતો તૈયાર કર્યાં. અમદાવાદમાં પૂજ્ય મુક્તજીવન બાપાનું મંદિર મણીનગરમાં કુમકુમ મંદિર તરીકે જગવિખ્યાત છે તો મુંબઇમાં લતા મંગેશકરના ઘરની બરાબર સામે અને મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણમાં આ સંસ્થાનું મંદિર છે. આ ક્ષેત્રે પણ આણંદજીભાઇએ કલ્યાણજીની ચિરવિદાય પછી પણ સરસ ભક્તિગીતો આપ્યાં.
સમગ્ર બોલિવૂડના સંગીતકારોની તવારીખમાં આવો આ પહેલો અને કદાચ છેલ્લો દાખલો છે. કારકિર્દીના અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કે સ્વધર્મની અને સ્વામીનારાયણ ધર્મની સેવા કરવાની તક મળી ત્યારે કલ્યાણજી આણંદજીએ ઝડપી લીધી. ફિલ્મ સંગીતના ઇતિહાસમાં અન્ય કોઇ સંગીતકારે ફિલ્મ સંગીત., સામાજિક કાર્યો અને ધર્મસંગીતનો આવો ત્રિવેણી સંગમ કર્યો હોવાનું ધ્યાનમાં નથી.
Comments
Post a Comment