કુદરતની કેવી કમાલ છે. ઝીણકી અમથી કીડી પોતાના શરીરના કુલ વજન કરતાં ચાલીસ ગણું વજન ઉપાડી શકે છે. હાથી પોતાના કુલ વજન કરતાં અનેકગણું વજન ઊપાડી શકે છે. કેટલાંક દેશોમાં હજુ હમણાં સુધી વૃક્ષોના કાપેલા અતિ ભારે લાકડા ખસેડવા હાથીનો ઉપયોગ થતો હતો. વાત કરોળિયાની છે. કરોળિયાનું જાળું આપણને માથાના વાળ જેવું પાતળું દેખાય. પરંતુ વિજ્ઞાનીઓ કહે છે કે સ્ટેનલેસ સ્ટીલ કરતાં આ જાળું પાંચ ગણું વધુ મજબૂત હોય છે. આ જાળું બનાવતી વખતે કરોળિયો કેટલીય વાર ધરતી પર પછડાય છે પરંતુ પ્રયાસ છોડતો નથી. એટલે જ આપણે ત્યાં તો કહેવાય છે કરતાં જાળ કરોળિયો, સાત વાર પછડાય...
ગયા શુક્રવારે અખબારોમાં એક વિસ્મયજનક સમાચાર પ્રગટ થયા હતા. પવિત્ર પર્વતરાજ ગિરનારના જંગલમાંથી અલગ પ્રજાતિનો કરોળિયો મળી આવ્યો. દુનિયામાં આશરે પચાસ હજાર જાતિના કરોળિયા છે. (સાચો આંકડો, ઓગણપચાસ હજાર આઠસો અઠ્ઠાવન જાતિના કરોળિયા છે.)
લો, કરો વાત. આ તો થઇ માત્ર કરોળિયાની વાત. દુનિયામાં હજારો જાતિનાં પશુ-પંખી અને જીવજંતુ છે. વાંદા, ગરોળી અને માખી-મચ્છર જેવાં જીવો તો હજારો વરસથી ટકી રહ્યાં છે. એમની જિજીવિષા કેટલી પ્રબળ હશે એ વિચારવા જેવું છે. થોડી રમૂજી વાત એ છે કે આ નવી પ્રજાતિના કરોળિયાને આદ્ય ભક્ત-કવિ નરસિંહ મહેતાનું નામ આપ્યું છે. એ કેદાર રાગ ગાઇને ભગવાનને તેડાવી શકે કે કેમ એ જાણવા મળ્યું નથી.
મૂળ મુદ્દો એ છે કે સમગ્ર જીવસૃષ્ટિમાં અનેક જીવો એવા છે જે સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણાતા માણસને બુદ્ધુ સાબિત કરે. માણસ જેવો અહંકારી જીવ બીજો કોઇ નથી. નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે... ચોપગા પ્રાણીઓમાં પણ માણસ જેવી બુ્દ્ધિ અને સમજદારી હોય છે. માણસની તુલનાએ ભલે ઓછી હશે. પરંતુ છે એ હકીકત ચોક્કસ છે. તમે નિયમિત અખબારો વાંચતાં હો તો આ ઘટના જરૂર વાંચી હશે. બેંગલોરના એક ડોક્ટર પોતાની સાથે પાળેલા બે આલ્સેશિયન કૂતરાને લઇને કારમાં જઇ રહ્યા હતા. હાઇવે પર કારને અકસ્માત નડ્યો, કાર લગભગ પંદર ફૂટ ઊંડા ખાડામાં પડી અને ડોક્ટર મરણ પામ્યા.બંને કૂતરાઓ સારો એવો શ્રમ કરીને હાઇવે પર આવ્યા અને આવતાં જતાં વાહનોને રોકવાના પ્રયાસ કરવા માંડ્યા. જ્યાં શેરીમાં રઝળતા કૂતરાથો લોકો ડરતા હોય તો આલ્સેશિયન માટે કોણ કાર ઊભી રાખે ? આખરે બંને કૂતરાઓએ આપસમાં સંતલસ કરી. માદા કૂતરીએ ધસમસતી આવતી એક કાર હેઠળ ઝંપલાવી દીધું. એટલે કાર માલિકે કાર થોભાવી અને બહાર આવ્યો. ત્યારે નર કૂતરાએ પેલો માણસ ગભરાય નહીં એ રીતે એનું પેન્ટ પકડીને એને ડોક્ટરનો દેહ પડ્યો હતો એ ખાડા તરફ લઇ આવ્યો. કાર માલિક સમજી ગયો અને તરત પોલીસને મોબાઇલ ફોનથી જાણ કરી. પોલીસે આવીને ડોક્ટરના ખિસ્સામાં પડેલા મોબાઇલ દ્વારા એમના પરિવારને જાણ કરી.
તમે કદાચ જાણતા હશો કે કોયલ પોતાના ઇંડાં કાગડાના માળામાં મૂકી આવે છે. એ ઇંડાં કાગડી સેવે છે. આવી હકીકતો વાંચીએ ત્યારે એમ થાય કે પશુપંખી બુદ્ધિ વિનાના છે એવું કહેનારા અજ્ઞાની છે. ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકરના એક કાવ્યની પંક્તિઓ છે- ‘વિશાળે જગવિસ્તારે નથી એકજ માનવી, પશુ છે, પંખી છે, વૃક્ષોની છે વનસ્પતિ... એકાદ શબ્દ આઘોપાછો હોઇ શકે છે.
Comments
Post a Comment