સચ્ચા જૂઠાના સંગીતે ધમધમાટી બોલાવી દીધી, રજત જયંતી ઊજવી


 છલિયાથી શરૂ થયેલી ફિલ્મ સર્જક મનમોહન દેસાઇ અને સંગીતકાર કલ્યાણજી આણંદજીની દોસ્તી દિવસે દિવસે ગાઢ થતી ગઇ. બોલિવૂડુના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાની સફર ફિલ્મે રજત જયંતી ઊજવી એ સમયગાળામાં મહમોહન દેસાઇએ રાજેશ ખન્નાને ડબલ રોલમાં ચમકાવતી ફિલ્મ સચ્ચા જૂઠા બનાવી. આ ફિલ્મે પણ રજત જયંતી ઊજવી. અત્રે એ યાદ કરીએ કે રાજેશ ખન્નાને હીરો તરીકે ચમકાવતી પહેલવહેલી ફિલ્મ રાઝનું સંગીત પણ કલ્યાણજી આણંદજીનું હતું. 

સચ્ચા જૂઠા એક મસાલા ફિલ્મ હતી. રાજેશ ખન્નાની કારકિર્દી ટોચ પર હતી. ફિલ્મમાં એક સિવાયનાં બધાં ગીત ઇન્દિવરનાં હતાં. એક ગીત સિવાય લગભગ બધાં ગીતો કિશોર કુમારને ફાળે ગયાં અને કિશોરનાં બધાં ગીતોએ ધૂમ મચાવી હતી. 

રોમાન્ટિક ગીત ઉપરાંત કિશેાર કુમારના ભાગે એક સુંદર પારિવારિક ગીત આવ્યું હતું. આ ગીત માટે સંગીતકારોએ લગ્ન પ્રસંગે વરઘોડામાં આવતા બેન્ડ-વાજાવાળાનો સરસ ઉપયોગ ફિલ્મના બેકકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કર્યો હતો. 

જો કે આમ કરવા માટે ફિલ્મનું એક પાત્ર નિમિત્ત બન્યું હતું. ભોલા નામે એક ગ્રામવાસી વનમેન ઓરકેસ્ટ્રા જેવો છે. બેન્ડનાં બધાં વાદ્યો વગાડી શકે છે. રણજિત નામના એક મહાચોરનો ચહેરો-મહોરો ભોલા જેવો હોવાથી રણજિત ભોલાને ઘણા પૈસાની લાલચ આપીને પોતાના સ્થાને ગોઠવી દે છે. 

ભોલા પોલીસ પંજામાં સપડાય છે ત્યારે કેવી રીતે ભોલા નિર્દોષ સાબિત થાય છે એ પરદા પર જોવા જેવું છે. આ ફિલ્મનો નાયક ડબલ રોલમાં હોવા છતાં બાળપણમાં વિખૂટા પડેલા ભાઇ ભાઇ જેવી અગાઉની ફિલ્મોમાં આવી ગયેલી કથા જેવી નથી.

ભોલા પોતાની અપંગ બહેનના લગ્નની કલ્પના કરીને એક ગીત છેડે છે એ કિશોર કુમારે ગાયેલું પારિવારિક ગીત. સર્વદા સુખદાયિની ભૈરવી રાગિણી પર આધારિત આ ગીત એટલે ‘મેરી પ્યારી બહનિયા, બનેગી દૂલ્હનિયા, સજ કે આયેંગે દૂલ્હેરાજા, ભૈયા રાજા બજાયેગા બાજા...’. સંગીતકારોએ અદ્ભુત રીતે બેન્ડ-વાજાનો ઉપયોગ કર્યો છે. આ ગીત બે વાર રજૂ થાય છે. બીજીવાર કરુણ સ્વરોમાં છે. બંને વખત કિશોર કુમારના કંઠમાં છે.

ફિલ્મનું ટાઇટલ ગીત કહી શકાય એવું ગીત પણ કિશોરે જમાવ્યું છે. છ માત્રાના ખેમટા તાલમાં નિબદ્ધ આ ગીત એટલે ‘દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરોંને લાખોં કો લૂટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...’ મજા જુઓ કે આ ગીતમાં પણ ભૈરવીનો આધાર લીધો છે. છતાં આગલું ગીત અને આ ગીત બંને કેવાં અલગ વર્તાય છે. આ છે સંગીતકારની ખૂબી !

એક ગીત નાયક નાયિકા વચ્ચે સંવાદ રૂપે છે. આ ગીતને મુહમ્મદ રફી અને લતાનો કંઠ સાંપડ્યો છે.  યૂં હી તુમ મુઝ સે બાત કરતી હો યા કોઇ પ્યાર કા ઇરાદા હૈ... જવાબમાં નાયિકા કહે છે- અદાયેં દિલ કી જાનતા હી નહીં, મેરા હમદમ ભી કિતના સાદા હૈ...  આ રોમાન્ટિક ગીત પણ ખેમટા તાલમાં છે, રમતિયાળ તર્જ છે.

એક ક્લબ સોંગ આશા ભોંસલેના કંઠમાં છે. ડાન્સના શોખીનોને કમર લચકાવવાનું મન થાય એવાં તર્જ લય ધરાવતું આ ગીત એટલે દુનિયામેં સબ કો પ્યાર કી જરૂરત હૈ, દિલ દે દિલ લે યહી મુહબ્બત હૈ... .

કિશોર કુમાર અને લતાના કંઠે રજૂ થતું એક ગીત કમર જલાલાબાદીની રચના છે. ઓ ઓ કહ દો કહ દો હાં તુમ જો કહ દો, પ્યાર કી હર તમન્ના જવાં કર લેં... આ ગીતનાં તર્જ લય પણ સમકાલીન યુવા પેઢીને ગમે એવાં બન્યાં હતાં.

ફિલ્મ સંગીતના ઇતિહાસકારો માને છે કે  ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ 1970માં પૂરો થયો. રાજેશ ખન્ના પછી મેલોડી અને અર્થપૂર્ણ ગીતો ઓછાં થઇ ગયાં. લયપ્રધાન ગીતોનો યુગ શરૂ થયો.  

આપણે પણ અહીં એક નાનકડો બ્રેક લઇએ. થોડું વિષયાંતર કરીશું. જો કે વિષયાંતર પણ કલ્યાણજી આણંદજીની સંગીતયાત્રાને લગતું  છે. ત્યારબાદ કલ્યાણજી આણંદજીનાં બીજી ઇનિંગના


સંગીતની વાત કરીશું.


Comments