રજત જયંતી ઊજવનારી ફિલ્મ સફરનાં ગીત સંગીતે રસિકોને મુગ્ધ કર્યા

 

1970 પહેલાં રાજેશ ખન્ના બોલિવૂડનો પહેલો સુપર સ્ટાર બની ગયો હતો. ફિલ્મ આનંદમાં એને અંતે મરણ પામતો દેખાડાયો ત્યારબાદ અન્ય કેટલાક ફિલ્મ સર્જકોને પણ એવો અંત ગમી ગયો. 1956માં આસિત સેને બનાવેલી બંગાળી ફિલ્મ ચલચલાનું હિન્દી રૂપાંતર 1970માં સફર નામે બનાવી. રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, ફિરોઝ ખાન અને આઇ એસ જોહરને ચમકાવતી આ ફિલ્મે પણ રજત જયંતી ઊજવી. એનાં ગીતો હિટ થયાં. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે ધરખમ કમાણી કરી.

આ ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ પંડિત ઓમકારનાથ ઠાકુરે લોકપ્રિય કરેલો રાગ માલગૂંજી અજમાવ્યો. ખમાજ, બાગેશ્રી અને રાગેશ્રી એમ ત્રણ રાગના મિશ્રણથી બનતો આ રાગ કેટલીકવાર બાગેશ્રી હોવાનો ભ્રમ સર્જે છે. વાસ્તવમાં માલગૂંજીમાં લેવાતો શુદ્ધ ગંધાર (ગ સ્વર) સ્પષ્ટ કરે છે કે આ બાગેશ્રી નથી.

સૌ પ્રથમ માલગૂંજીના ગીતની જ વાત કરીએ. ગંભીર-કરુણ ગીતોને પોતાની વિશિષ્ટ ગાયન શૈલીથી યાદગાર બનાવનારા કિશોર કુમારે અહીં પોતાની એ ખૂબી દર્શાવી છે. કલ્યાણજી આણંદજીએ ઇન્દિવરના શબ્દોને અત્યંત ભાવવાહી તર્જમાં બાંધ્યા છે. તમને આટલું વાંચીને જરૂર યાદ આવી ગયું હશે. યસ, આ વાત જીવન સે ભરી તેરી આંખેં, મજબૂર કરે જીને કે લિયે...ની છે. ઓડિયોમાં સાંભળો તો પણ ગમગીન થઇ જવાય એવી તર્જ છે.

એવું જ હૃદય સ્પર્શી ગીત ફરી એકવાર કિશોર કુમારને ફાળે ગયું છે. મૂકેશની જેમ કિશોર કુમાર પણ કલ્યાણજી આણંદજીનો લાડકો ગાયક બની ગયો હતો. એનાં તમામ અટકચાળાં-તોફાન આ બંને કચ્છી ભાઇઓ ચલાવી લેતા હતા એટલે કિશોરને પણ કલ્યાણજી આણંદજી સાથે વધુ ફાવતું હતું.

અહીં કિશોરના કંઠે ઔર એક ગમગીન ગીત રજૂ કર્યું છે. જિંદગી કા સફર હૈ યહ કૈસા સફર, કોઇ સમજા નહીં, કોઇ જાના નહીં... રાગ યમન કલ્યાણ પર આધારિત આ ગીત અને જીવન સે ભરી તેરી આંખેં... બંને ગીતમાં અત્યંત  મધ્ય લયનો સૌમ્ય કહેરવો તાલ છે. એ ગીતને વધુ દર્દીલાં બનાવે છે. કોઇ પ્રકારની શાસ્ત્રીય તાલીમ વિના કિશોર કુમારે જે ગીતો ગાયાં છે એ કોઇ પણ તાલીમયુક્ત ગાયકને પણ અદેખાઇ જન્માવે એવાં છે. 

ઉપકારના કસ્મે વાદે પ્યાર વફા સબ... ગીતની જેમ અહીં પણ ઇન્દિવર અને કલ્યાણજી આણંદજીએ એક સરસ ચિંતનસભર ગીત આપ્યું છે. પતિએ આત્મહત્યા કરી છે અને પ્રિયતમ જીવલેણ કેન્સરનો ભોગ બન્યો છે. ત્યારે હતાશ થઇ રહેલી નાયિકાને સરસ સંદેશ મળે છે. મન્ના ડેના કંઠમાં રજૂ થતા આ ગીતના પ્રેરક શબ્દો છે- ઓહોહો નદીયા ચલે, ચલે રે ધારા, ચન્દા ચલે ચલે રે તારા, તુઝ કો ચલના હોગા, તુઝ કો ચલના હોગા...

નાયિકાના મનની મૂંઝવણને રજૂ કરતું ગીત લતાના કંઠમાં છે- હમ થે જિન કે સહારે, વો હુએ ના હમારે, ડૂબી જબ દિલ કી નૈયા, સામને થે કિનારે... ઇન્દિવરે કેવા અદ્ભુત શબ્દો આપ્યા છે. એ શબ્દોને પોતાની તર્જ દ્વારા સંગીતકારોએ જીવંત કર્યા છે. આ ગીતનો લચકદાર કહેરવો પણ ગીતને વધુ કર્ણપ્રિય બનાવે છે.

કલ્યાણજી આણંદજીનું સંગીત હોય અને મૂકેશ ન હોય એવું જવલ્લેજ બને. અહીં ફિરોઝ ખાન પર ફિલ્માવાયેલું એક ગીત મૂકેશના કંઠમાં છે. નાયિકાને ઉલટભેર પ્રેમ કરતો ફિરોઝ ખાન (મૂકેશના કંઠમાં) ગાય છે જો તુમ કો હો પસંદ વો હી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો, રાત કહેંગે... સર્વદા સુખદાયિની ભૈરવીમાં યાદગાર તર્જ બની છે. 

સફરનાં બધાં ગીતો હિટ નીવડ્યાં અને ફિલ્મમાં કેન્સરનો ભોગ બનેલો નાયક અવિનાશ (રાજેશ ખન્ના) અંતે મરણ પામે છે. પતિ અને પ્રિયતમ બંને વિહોણી બનેલી નાયિકાની મનોસ્થિતિ કેવી કરુણ હશે એેની માત્ર કલ્પના કરવાની છે.  ફિલ્મ હિટ નીવડી અને એનાં ગીતો પણ હિટ નીવડ્યાં. વિઘ્નસંતોષીઓ ભલેને વિષવમન કરતા રહે, સમય કલ્યાણજી આણંદજીની સાથે હતો.


Comments