અમેરિકા કે યૂરોપના દેશોમાં ઘુસવાના પ્રયાસ જીવલેણ સાબિત થતા રહ્યા છે.... !

પહેલો પ્રસંગ લગભગ 1945-46ની આસપાસનો છે. ખુદ કાઇદે આઝમ મુહમ્મદ અલી ઝીણા મુંબઇના સાંતાક્રુઝ ઉપનગરમાં બડે શયદા નામના ગુજરાતી શાયરને મનાવવા ગયા હતા. શયદાસાહબ, તમે અમારી સાથે પાકિસ્તાન ચાલો. તમને જોઇતી તમામ સુખ-સગવડો  આપીશું. શયદાએ જમીન પરથી ચપટીક ધૂળ લઇને ઝીણાને કહ્યું શુક્રિયા કાઇદે આઝમ, પણ ત્યાં મને મારા વતનની ધૂળ ક્યાંથી મળશે ?

બીજો પ્રસંગ બરાબર દસ અગિયાર વર્ષ પછીનો છે. શહનાઇનવાઝ ઉસ્તાદ બિસ્મીલ્લા ખાનને અમેરિકાએ પોતાને ત્યાં વસવાની ઓફર કરી હતી. બિસ્મીલ્લા ખાને એવું કહ્યાના અહેવાલ હતા કે માફ કરજો, પરંતુ અહીં મને મારી માતા સમાન ગંગાનો તટ ક્યાં મળે ? હું રોજ સવારે ગંગા તટે શહનાઇના મંગળ સ્વરો વહેતા કરું છું...

આ બંને મહાનુભાવોએ સામેથી આવેલી ઓફર સ્વીકારી લીધી હોત તો તેમને કેવાં સુખસાહ્યબી મળ્યાં હોત એ આપણે જાણતા નથી.

તાજેતરમાં એક પટેલ પરિવાર કેનેડાની સરહદે હાડકાં થીજાવતી ઠંડીમાં બે નાનકડાં ભૂલકાં સાથે મરણ પામ્યો એવા આઘાતજનક સમાચાર પ્રગટ થયા. એજ રીતે અવારનવાર મેક્સિકોની સરહદ તરફથી માલ-સામાન ભરવાની ટ્રકમાં કે સ્ટીમરમાં જાનવર કરતાંય ખરાબ સ્થિતિમાં પૂરાઇને અમેરિકામાં ઘુસવા જતાં સંખ્યાબંધ લોકો માર્યા જાય છે. કેટલાકને વાડ કૂદવાના પ્રયાસ દરમિયાન  બોર્ડર પોલીસના ઠાર કરી દે છે.

અમેરિકા કે બીજા કોઇ પણ દેશમાં આ રીતે ઘુસવામાં સફળ થયેલા કેટલા લોકો ખરેખર સુખી થયા છે એ વિશે એક અભ્યાસ થવો ઘટે. ગેરકાયદે વસાહતી હોવાથી એક તો પોલીસ અને કાયદાથી ડરતાં રહેવું પડે. બીજી બાજુ જે નાનીમોટી નોકરી મળે એમાં ઘાણીના બળદની પેઠે મજૂરી કરવી પડે. નોકરી આપનારને પોતે એક જોખમ લઇ રહ્યો છે એની પાક્કી જાણ હોય છે એટલે એ ગરજવાનનો પૂરેપૂરો ગેરલાભ લે છે. 

જે તે દેશમાં ગેરકાયદે ઘુસ્યા પછી ત્યાં કાયમ રહેવાની પરમિટ કે નાગરિકત્વ મેળવવા માટે પણ છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય એટલી લમણાંફોડ કરવી પડે એ જુદી. વરસોથી જ્યાં ત્યાં વસતા લોકોને પૂછો કે તમારી સુખની વ્યાખ્યા શી હતી, એ ફળી છે ખરી ? સગાંસંબંધી-દોસ્તો-સ્નેહીઓથી વિખૂટા પડીને વિદેશમાં વસી ગયેલા લોકોનો ઝુરાપો કેવો હોય છે એ તો જેના પર વીતે એ જાણે.

ભારતમાં પુરુષાર્થની યોગ્ય કદર થતી નથી એ કબૂલ, અહીં કરવેરા વધુ છે એ પણ કબૂલ, અહીં સરકારી કાર્યાલયોમાં ભયંકર ભ્રષ્ટાચાર છે એ પણ કબૂલ અને તો પણ દિવસરાત મહેનત કરીને માણસ બે પાંદડે થઇ શકે છે એના સંખ્યાબંધ ઉદાહરણો મળે. સૌથી મોટાં ઉદાહરણ ધીરુભાઇ અંબાણી અને નિરમાના કરસનભાઇ પટેલના છે. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલની ટીમના પ્યારેલાલ શર્મા પણ આપણી સામે છે. તેર ચૌદ વર્ષની ઉંમરે ઝુબીન મહેતાની જેમ વિશેમાં ઓરકેસ્ટ્રા કન્ડક્ટર તરીકે તક મેળવવા પ્યારેલાલ દેશ છોડી જવાના હતા. લક્ષ્મીકાંતે સમજાવ્યા કે આપણામાં પ્રતિભા છે, મહેનત કરવાની તૈયારી છે. તમે ન જાવ. અહીંજ આપણને ઉત્તમ તક મળશે. પ્યારેલાલને કેવી તક મળી અને એ કેટલી હદે કામિયાબ થયા એ ગઇ કાલનો ઇતિહાસ છે. 

આ મુદ્દો ઉખેળવા પાછળનો એકમાત્ર હેતુ એ કે તમારી સુખની વ્યાખ્યા પહેલાં તો સ્પષ્ટ કરો. રાતોરાત શ્રીમંત તો અમેરિકામાં પણ નથી થવાતું. રાતોરાત સુખસાહ્યબી દુનિયાના કોઇ દેશમાં મળતી નથી. વિદેશી મિષ્ટાન્ન કરતાં દેશનો સૂકો રોટલો વધુ મીઠો હોય છે એવું કોઇએ કહ્યું છે. વાત વિચારવા જેવી છે. હૈડ હૈડ થઇને પરદેશમાં જીવવા કરતાં ઘરઆંગણે થોડી વધુ મહેનત કરીને બે પાંદડે થવામાં કશું ખોટું નથી.

હવે તો કેટલાક દેશો ભારતીય યુવાનોની પ્રતિભા પારખીને સામેથી તક આપે છે. પૈસે ટકે સુધી હોય એેવા લોકો પરદેશમાં અમુક ટકા મૂડીરોકાણ કરીને કાયમી નિવાસની પરમિટ મેળવી લે છે. ત્યાં ગયા પછી ખરેખર સુખ-શાંતિ કેટલી હદે મળ્યાં એ તો હૈયા પર હાથ રાખીને સાચ્ચું બોલે તો આપણને ખબર પડે. ઊર્દૂ શાયર કવિ ઇકબાલે એક જમાનામાં કશ્મીર માટે કહેલું એ યાદગાર વાક્ય રિપિટ કરીએ તો જન્નત હમીનસ્તો હમીનસ્તો હમીનસ્તો... (સ્વર્ગ ક્યાંય હોય તો અહીં છે, અહીં છે, અહીં છે....)


Comments