ઉપકાર પછી મનોજની બીજી મોટી ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમનું સંગીત હિટ થયું

 


ઉપકાર ફિલ્મમાં પોતે ભજવેલું ભારત નામનું પાત્ર અને ફિલ્મ બંને હિટ નીવડતાં મનોજ કુમારને દેશભક્ત તરીકે દેખાવાનો પાનો ચડ્યો અને 1970માં પૂરબ ઔર પશ્ચિમ ફિલ્મ બનાવી. વાર્તા તો ચાર લાઇનની હતી. એક સ્વાતંત્ર્ય સૈનિક (પ્રાણ)નો પુત્ર ભારત ઉચ્ચ અભ્યાસ માટે લંડન જાય છે. ત્યાં વસતા ભારતીયોની જીવનશૈલી જોઇને ચોંકી ઊઠે છે અને ત્યાંના ભારતીયોની રહેણીકરણીને પોતાના આદર્શો અને સિદ્ધાંતો દ્વારા પ્રભાવિત કરે છે. એવી કથા ખુદ મનોજ કુમાર અને એની પત્ની શશી ગોસ્વામીએ લખી હતી. એને મસાલેદાર બનાવવા સ્વચ્છંદી પાશ્ચાત્ય જીવન જીવતી સ્વાતંત્ર્ય સૈનિકના દોસ્ત (મદન પુરી)ની પુત્રી પ્રીતિ ભારતના પ્રેમમાં પડે એવો પ્રણય એંગલ ઉમેર્યો હતો.

ઇન્દિવર, પ્રેમ ઘવન અને સંતોષ આનંદનાં ગીતો હતાં. ઉપરાંત મનોજના આગ્રહથી કેટલીક પારંપરિક રચનાઓ ફિલ્મમાં ઉમેરવામાં આવી હતી. મનમોહન દેસાઇની બ્લફ માસ્ટરમાં ગોવિંદા આલા... રચના લીધી હતી એમ અહીં અત્યંત જાણીતી આરતી ઓમ્ જય જગદીશ હરે, રઘુપતિ રાઘવ રાજારામ તથા હરે રામ હરે કૃ્ષ્ણા...  ધુન લીધી છે. 

એક આખું ગીત ભારતના પ્રચાર માટે લખાયું હોય એ રીતે ભારત દેશનો જયજયકાર કરે છે. ઇન્દિવરની રચના મહેન્દ્ર કપૂરના કંઠે રજૂ થઇ છે-‘જબ ઝીરો દિયા મેરે ભારતને, દુનિયા કો તબ ગિનતી આયી, તારોં કી ભાષા ભારતને, દુનિયા કો પહલે સીખલાયી...’ અહીં મનોજ કુમારને ગમે એવાં તર્જ-લય સંગીતકારોએ આપ્યાં છે.

એવુંજ એક પ્રચારાત્મક ગીત ઇન્દિવરે લગ્ન પ્રસંગ માટે આપ્યું છે. એને પણ મહેન્દ્ર કપૂરનો કંઠ સાંપડ્યો છે. ઉપકારની સફળતા પછી મનોજ કુમાર મોટે ભાગે મહેન્દ્ર કપૂરના કંઠનો હઠાગ્રહ સેવતો. શબ્દો છે-‘ દૂલ્હન ચલી, ઓ પહન ચલી, તીન રંગ કી ચોલી, બાહોં મેં લહરાયે ગંગા જમુના દેખ કે દુનિયા બોલી, દૂલ્હન ચલી...’

એક ગીત નર્સરીમાં બાળકોને શીખવાતાં ટૂચકા જેવાં ગીતોથી ઉપડે છે અને એમાં સારી એવી રમૂજ છે. મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના સ્વરમાં રજૂ થતા આ ગીતનો ઉપાડ નર્સરી ગીત જેવો છે ‘ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટાર હાઉ આય વન્ડર વ્હોટ યુ આર.. ’ ખરેખર તો આ  હીરો હીરોઇન વચ્ચે મૈં મૈં તૂ તૂ જેવી રમતિયાળ ખેંચતાણ છે. એટલે વચ્ચે હીરો કહે છે  કે યુ મેમ પશ્ચિમ કી, તે મૈં પૂરબ કા જટ દેવી...’

આ ફિલ્મનું સૌથી શ્રેષ્ઠ ગીત મૂકેશને ફાળે ગયું છે. કલ્યાણજી આણંદજીના માનીતા ચારુકેશી રાગમાં અને છ માત્રાના દાદરા તાલમાં આ ગીતની ડિસ્ક પ્લેટિનમ ડિસ્ક નીવડી હતી. મૂકેશના ચાહકો માટે આ ગીત ઘણી રીતે યાદગાર બન્યું છે. ‘કોઇ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઇ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે, મેરા ઘર ખુલા હૈ ખુલા હી રહેગા, તુમ્હારે લિયે...’

ઇન્ડિયન આઇડોલમાં સંગીતકાર પ્યારેલાલ પધાર્યા હતા ત્યારે આપણે દીન-દરિદ્ર અવસ્થામાં જે ગીતકારને જોયેલા એ સંતોષ આનંદની એક અત્યંત ભાવવાહી રચના અહીં લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને મનહર ઉધાસના કંઠમાં જમાવટ કરે છે. આમ તો આ પણ ઘણે અંશે પ્રચારાત્મક રચના છે. પરંતુ ગીતકારે સરસ રીતે સંવેદન પ્રગટ કર્યું છે અને તર્જ તથા લય પણ હૃ઼દયસ્પર્શી બન્યાં છે. ‘કહીં ન ઐસી સુબહ દેખી, જૈસે બાલક કી મુસ્કાન, લાખ દૂર કહીં મંદિર મુરલી કી હલકી સી તાન, ગુરબાની ગુરદ્વારે મેં તો મસ્જિદ સે ઊઠતી અઝાન, આત્મા ઔર પરમાત્મા મિલે જહાં, વહીં હૈ વો સ્થાન, પુરવા સુહાની આયી રે પુરવા...’ 

સાયરા બાનુ, મનોજ અને વિનોદ ખન્ના ગંગા તટે એક સૂર્યોદય નિહાળે છે એવા દ્રશ્યથી ગીત ઉપડે છે.

બધી રીતે હિટ નીવડેલી આ ફિલ્મે પણ સુવર્ણ જયંતી ઊજવી હતી. કલ્યાણજી આણંદજીના સંગીતે ફિલ્મને હિટ બનાવવામાં માતબર ફાળો આપ્યો હતો એમ કહી શકાય. આમ છતાં પાછળથી મનોજ કુમારે માર્કેટ પ્રાઇઝના મુદ્દે જીદ કરીને અન્ય સંગીતકારોની સેવા લેવા માંડી હતી. હીરોની માર્કેટ પ્રાઇઝ વધે એમ સંગીતકારોની પણ વધે એ હકીકત અહીં જાણ્યે અજાણ્યે ભૂલી જવામાં આવેલી. આ  જ છે ફિલ્મ સૃષ્ટિની રીત !


Comments