હિન્દુ, જૈન, શીખ, ઇસાઇ, જરથોસ્તી... કોઇ પણ ધર્મના સંતો કે દેવ-દેવીઓની છબી નિહાળો ત્યારે તેમના વદનની આસપાસ એક તેજવર્તુળ અચૂક નજરે પડે. અધ્યાત્મના ઉપાસકો આ તેજવર્તુળને આભા કે ઓરા કે પ્રાણમય શરીર તરીકે ઓળખે છે. આવી આભા માત્ર દેવ દેવી કે સંતો પૂરતી મર્યાદિત હોતી નથી. દરેક વ્યક્તિમાં આવી આભા હોય છે.
સ્કૂલમાં ભણતા બાળકોને સાત રંગો યાદ રાખવા માટે શિક્ષકો એક નાનકડું સૂત્ર આપે છે- ‘જાનીવાલીપીનારા’ (જાંબુડી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો). પરંતુ મોટા ભાગના (યસ, બધાં નહીં, મોટા ભાગના) શિક્ષકો જાણતા નથી કે આ સૂત્ર જરા જુદી રીતે અધ્યાત્મ વિદ્યા સાથે પણ સંકળાયેલું છે. અધ્યાત્મના ઉપાસકો કહે છે કે આપણા દરેકના શરીરમાં સાત ચક્રો આવેલાં છે. એ સાત ચક્રો સાથે આ સાત રંગો સંકળાયેલાં છે. વિષય ઘણો વ્યાપક હોવાથી સાત ચક્રોની ચર્ચા લંબાવી નથી.
સાચ્ચા સાધુસંતોના સંપર્કમાં આવનાર વ્યક્તિને એક પ્રકારની માનસિક શાંતિ અને નિરાંતનો અનુભવ થતો હોય છે. એના કારણમાં પણ આભા રહેલી છે. સંતોની ઊર્જા એટલી બધી હોય છે કે એ માત્ર આશીર્વાદની મુદ્રામાં હાથ ધરે તો પણ વ્યક્તિની તકલીફો દૂર થઇ જાય છે. આપણે વીરપુરના જલારામ બાપા કે શિરડીના સાંઇબાબાની એવી ઘણી છબી જોઇ છે જેમાં એમનો હાથ આશીર્વાદની મુદ્રામાં હોય. વ્યક્તિની આભા જેટલી પાવરફૂલ એટલી એ વ્યક્તિ પણ સમર્થ હોવાની.
ધ્યાન, પોઝિટિવ વિચારો, સારા સાહિત્યનું વાંચન, સાત્ત્વિક આહાર અને નિર્વ્યસનીપણાથી કોઇ પણ વ્યક્તિ પોતાની આભાને વધુ શક્તિશાળી બનાવી શકે. એકવાર આભા સશક્ત થાય પછી જીવનના દરેક ક્ષેત્રમાં એનો પ્રભાવ વધે છે. વ્યક્તિ અંગત તેમજ વ્યાવસાયિક જીવનમાં ધારી સફળતા પણ મેળવી શકે છે.
મૂળ વાત ઓરા કે આભાની છે. મેડિકલ સાયન્સમાં થયેલા લેટેસ્ટ સંશોધન મુજબ આભા દ્વારા આવનારા રોગનો અણસાર છ મહિના પહેલાં આવી શકે છે. કિર્લીયન ફોટોગ્રાફી તરીકે ઓળખાતી ટેક્નિકલ પ્રક્રિયા દ્વારા કોઇ પણ વ્યક્તિ પોતાની આસપાસની આભાનો ફોટોગ્રાફ લઇ શકે છે. એના દ્વારા જાણી શકાય કે નજીકના ભવિષ્યમાં કઇ બીમારી આવી શકે છે.અધ્યાત્મના અભ્યાસીઓ કહે છે કે દરેક વ્યક્તની આસપાસ ચારથી આઠ ઇંચ સુધી આભા પ્રસરેલી હોય છે.
મસ્તકના તાળવામાં (બ્રહ્મરંધ્રમાં) આવેલા સહસ્રાર ચક્રનો રંગ જાંબુડી છે. તો છેક નીચે જનન અવયવો પાસે આવેલા મૂલાધાર ચક્રનો રંગ રાતો છે. દરેક આભા સાથે ગૂઢાર્થ જોડાયેલો હોય છે. દાખલા તરીકે સંતો કે દેવ દેવીઓની આભા ઘણું કરીને ચળકતા વાદળી રંગની હોય છે. પીળા રંગની આભા ધરાવતા લોકો સામા પાસે ધાર્યું કરાવનારા (ડોમિનેટીંગ ) હોય છે. નારંગી રંગની આભા ધરાવનારા સંવેદનશીલ હોય છે.
કિર્લીયન ફોટોગ્રાફી દ્વારા લંબગોળ આકાર ધરાવતી આભામાં તિરાડ પડેલી હોય કે આભા ખંડિત જેવી હોય ત્યારે આવનારી બીમારી કે આરોગ્ય વિષયક સમસ્યાનો અણસાર મળે છે. તાજેતરમાં એક દક્ષિણ ભારતીય (તમિળભાષી) યુવતીના સંપર્કમાં આવવાનું થયું. કુદરતે એને એક અનોખી ભેટ આપી છે. સમજણી થઇ ત્યારથી સામી વ્યક્તિની આભા પારખી કાઢવાની દિવ્ય દ્રષ્ટિ એને કુદરતે આપેલી છે.
પોતાને મળે એ વ્યક્તિની આભા રંગે-રૂપે કેવી છે એ આ બાલિકા પહેલી નજરે ઓળખી કાઢીને કહી શકે છે. આ શક્તિ એક અનેરું વરદાન છે. બહુ ઓછા લોકોમાં આવી શક્તિ જોવા મળતી હોય છે. આ શક્તિના વિધાયક (પોઝિટિવ ) ઉપયોગ દ્વારા એ સમાજને ખૂબ ઉપયોગી નીવડી શકે. જો કે હાલ એ પોતે અભ્યાસ કરી રહી હોવાથી પ્રચાર-પ્રસિદ્ધિથી દૂર રહે એવી એનાં માતાપિતાની દ્રઢ ઇચ્છા છે. માટે આ વાંચીને વધુ પૂછપરછ નહીં કરવાની વિનંતી છે
Thank you very much Ajitbhai for the informative article on Aura.
ReplyDelete