ત્રણે કપૂર ભાઇઓ (રાજ, શમ્મી અને શશી) તેમજ દિલીપ કુમાર માટે સંગીત પીરસ્યા પછી નિર્માતા ગુલશન રાયની ફિલ્મ જ્હોની મેરા નામમાં કલ્યાણજી આણંદજીએ દેવ આનંદ માટે સંગીત પીરસ્યું તો કેવું પીરસ્યું, ધમાલ બોલાવી દીધી. ગીતો ગાજ્યાં અને ગૂંજ્યાં. આ ફિલ્મનું સંગીત માત્ર ત્રણ ગાયકો વચ્ચે વહેંચાઇ ગયું- લતા, આશા અને કિશોર કુમાર.
આ ફિલ્મ રજૂ થઇ ત્યારે રાજેશ ખન્નાને રાતોરાત સુપર સ્ટાર બનાવનારી ફિલ્મ આરાધનાનું સંગીત હજુ ગૂંજી રહ્યું હતું. યોગાનુયોગ એવો હતો કે 1970માં જ રાજેશ ખન્નાને હીરો તરીકે ચમકાવતી બીજી બે ફિલ્મો સફર અને સચ્ચા જૂઠામાં પણ કલ્યાણજી આણંદજીનું સંગીત હતું અને સુપરહિટ નીવડ્યું હતું.
જ્હોની મેરા નામ મસાલા ફિલ્મ હતી. બાળપણમાં વિખૂટા પડી જતા બે ભાઇઓ, અંધારી આલમના દાદા, અન્યાયનો ભોગ બનેલી હીરોઇન, ટ્રીપલ રોલમાં કોમેડિયન, એક્શન.... આમ બધો મસાલો હતો. દેવ આનંદ સીઆઇડી ઓફિસરના રોલમાં હતો.
ફિલ્મના સંગીતની વાત કરીએ ત્યારે ગુજરાતી થાળી જેવી વિવિધતા હતી- કુટુંબ પ્રેમનું એક ગીત હતું, એક અત્યંત હૃદયસ્પર્શી ભજન હતું અને દેવ આનંદના વ્યક્તિત્વને દીપાવે એવાં રોમાન્ટિક ગીતો હતાં. દેવ આનંદ સાથે હેમા માલિની હતી. દરેક ગીતનો આસ્વાદ લેવાનું શક્ય નથી. અહીં બે ચાર ગીતોની વાત કરીએ.
વિલનની કેદમાં રહેલા પિતાને ઉદ્દેશીને રેખા (હેમા માલિની) એક હૃદયંગમ ગીત છેડે છે. અંજાનના શબ્દો છે- ઓ બાબુલ પ્યારે, ઓ રોયે પાયલ કી છમછમ, ઓ સિસકે સાંસોં કી સરગમ, ઓ નિશ દિન તુઝે પુકારે મન, ઓ બાબુલ પ્યારે... આ ગીતની વિશેષતા એ છે કે શબ્દોનો મહિમા યથાવત્ રહે એ માટે ઓરકેસ્ટ્રેશન અત્યંત સોબર રાખ્યું છે. હેમાએ પરદા પર ગીતને દિલોજાનથી અભિનિત કર્યું અને લતાએ ગીતના શબ્દોને ભાવપૂર્ણ રીતે રજૂ કરીને યાદગાર બનાવ્યું. તર્જ અને લય બંને દીપી ઊઠ્યાં છે.
એવુંજ હૃદયસ્પર્શી લતાના કંઠે ગવાયેલું ભજન છે. ચૂપ ચૂપ મીરાં રોયે, દરદ ન જાને કોઇ... ગીતનો ઉપાડ અને પરાકાષ્ઠા કોરસથી શરૂ થાય છે. ઉપાડ અને ગીત ખેમટા તાલમાં જબરી જમાવટ કરે છે. પરાકાષ્ઠામાં લેવાતી ધૂન ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો... ફિલ્મ રજૂ થઇ ગયા પછી પણ વરસો સુધી લોકપ્રિય રહી. આ ધૂન ઠીક ઠીક ફાસ્ટ કહેરવામાં હતી. એમાં પણ કોરસ સમતોલ હતું. પરદા પર તેમજ બહાર આ ભજન ખૂબ ઊપડ્યું હતું.
બાકી રહ્યાં રોમાન્ટિક ગીતો. એ કિશોર કુમાર ઉષા ખન્ના અને આશા ભોંસલે વચ્ચે વહેંચાઇ ગયાં છે. કિશોર કુમાર અને કલ્યાણજી આણંદજી વચ્ચે જે આત્મીયતા હતી એ વિશે અગાઉ લખી ગયો છું એેટલે રિપિટ કરતો નથી. ઇન્દિવરની રચના પલભર કે લિયે કોઇ હમેં પ્યાર કર લે. જૂઠા હી સહી જૂઠા હી સહી, જૂઠા હી સહી... આ ગીત દેવ આનંદના પાત્રના વ્યક્તિત્વને અનુરૂપ બન્યું હતું એવું ખુદ દેવ આનંદે એક અંગ્રેજી ફિલ્મ સામયિકને કહ્યું હતું.
એજ રીતે ઇન્દિવરની ઔર એક રચના નફરત કરનેવાલોં કે સિનેમેં પ્યાર ભર દૂં, અરે મૈં વો પરવાના હું જો પથ્થર કો મોમ કર દું... આ બંને રોમાન્ટિક ગીતો દેવ (સોહન) આનંદ રેખા (હેમા)ને રીઝવવા ગાય છે એવું ફિલ્માંકન હતું.
આનંદ બક્ષીની એક રચના આશાના કંઠમાં છે. પરદા પર પદ્મા ખન્ના પર ફિલ્માવાયું છે. શબ્દો થોડા છીછરા કહેવાય એવા છે- હુશ્ન કે લાખોં રંગ કૌન સા રંગ દેખોગે, આગ હૈ યહ બદન, કૌન સા અંગ દેખોગે... કેબ્રે ટાઇપનાં તર્જ-લય છે. પરદા પર કથાને થોડો પૂશ આપે એ રીતે આ ગીત મૂકાયું હોય એવું લાગે.
પ્રિયપાત્રો વચ્ચે રીસામણાં મનામણાં જેવી એક રચના રાજેન્દ્ર કૃષ્ણની છે. સ્વાભાવિક રીતેજ બંને મુખ્ય કલાકારો પર ફિલ્માવાઇ છે. ઓ મેરે રાજા ખફા ન હોના, દેર સે આયી, દૂર સે આયી, મજબૂરી થી ફિર ભી મૈંને વાદા તો નિભાયા... જવાબમાં નાયક કહે છે ઓ મેરી રાની, સમજ ગયા મૈં વહી પુરાના તેરા બહાના, દેર સે આના ઔર યહ કહના, વાદા તો નિભાયા...
જ્હોની મેરા નામ હિટ નીવડી હતી અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે ધૂમ મચાવી હતી. 1970માં રજૂ થયેલી અને આવકની દ્રષ્ટિએ પંકાયેલી પહેલી દસ ફિલ્મોમાં આ ફિલ્મનો સાતમો ક્રમ હતો.
Comments
Post a Comment