છેક 2017-18થી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે, કશું નિરાકરણ આવ્યું નથી. મુંબઇ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર રાજ્ય બંનેમાં શાસક પક્ષના નેતાઓ આ ખેલ જોઇ રહ્યા છે. દરેકે મોઢામાં મગ ભરી લીધા છે, કોઇ જાહેરમાં કશું બોલવા તૈયાર નથી. વાત મેગા સ્ટાર અમિતાબ બચ્ચનની છે. વિલે પારલે મુંભઇના પોશ વિસ્તારોમાં મોખરે છે. ત્યાંના માર્ગો પહોળા કરવા માટે કેટલાક બંગલાની દિવાલો ટૂંકાવવીપડી છે.
રૂપેરી પરદા પર અસામાજિક તત્ત્વોને ફટકારતા વિજય દીનાનાથ અર્થાત્ અમિતાભ બચ્ચન મહાનગરપાલિકાએ આપેલી નોટિસને ઘોળીને પી ગયા છે. સડક પહોળી કરવા બચ્ચન બાબુ સહકાર આપવા તૈયાર નથી. ખુદ બચ્ચન બાબુ હાલના વડા પ્રધાનના દોસ્ત છે અને વડા પ્રધાનના સૂચનને સ્વીકારીને ગુજરાતના પ્રચારક મોડેલ છે. એમનાં પત્ની જયા બચ્ચન સંસદ સભ્ય છે. સોનાની લગડી જેવા જૂહુ વિસ્તારમાં અત્યારે બચ્ચન પાસે પાંચ ફાઇવ સ્ટાર બંગલા છે પરંતુ પ્રતીક્ષા નામના એક બંગલાની દિવાલ સમાજ માટે આપવા આ મેગાસ્ટાર તૈયાર નથી.
અભિનેત્રી કંગનાની ઇમારતને કોર્ટના આદેશની ઉપરવટ થઇને તોડી નાખનારી મહાનગરપાલિકા અત્યારે ભેદી મૌન સેવે છે. ધારે તો બળપૂર્વક તોડી પાડી શકે છે. પરંતુ રાની બિલાડાને ગળે ઘંટ બાંધવા જાય કોણ એ પ્રશ્ન છે. કોઇ જાગૃત નાગરિક કે સંસ્થાએ આ લોકોને યાદ કરાવવું જોઇએ કે સુપ્રીમ કોર્ટે સમાજના હિતમાં સરકાર ગમે ત્યારે ગમે તેની જમીન બળપૂર્વક લઇ શકે છે એવો ચુકાદો આપ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની બજારના વેપારીઓના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે આવી ટકોર કરી હતી એ સહજ.
આપણી માનસિકતા સમજવા જેવી છે. કેટલાક ચાહકો બચ્ચનના નામે મંદિર સ્થાપીને એની રોજ પૂજા કરે છે. દક્ષિણ ભારતમાં તો કોઇ સુપરસ્ટાર અભિનેતા કે અભિનેત્રીનું અવસાન થાય ત્યારે કેટલાક ઘેલા ફેન્સ પણ આપઘાત કરે છે. સામાજિક વિકાસકાર્યો ગયા તેલ પીવા.
આવું કંઇ પહેલીવાર બન્યું નથી. મુંબઇના અન્ય પોશ એરિયા પેડર રોડ પરના ટ્રાફિકના ભારણને ઓછો કરવા ત્યાં ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત હતી. તરત લતા મંગેશકર પરિવારે વાંધો લીધો. ફ્લાય ઓવર પરથી પસાર થનારા વાહનચાલકો અમારા ઘરમાં ડોકિયાં કરે એ નહીં ચાલે.વાસ્તવમાં ધસારાના સમયે ટ્રાફિક એટલો હોય છે કે તમારા ઘરમાં ડોકિયાં કરવાની કોઇને ફુરસદ હોતી નથી. દક્ષિણ મુંબઇનાં બજાર વિસ્તારોમાંથી દૂરના પરામાં જતાં ત્રણથી ચાર કલાક વેડફાય છે. એવા સમયે તમારા ઘરમાં કોઇ શા માટે ડોકિયાં કરે એ તો વિચારો. પરંતુ મંગેશકર પરિવારે તો દેશ છોડી જવાની આડકતરી ધમકી આપીને ફ્લાય ઓવરની દરખાસ્તને પડતી મૂકવાની ફરજ પાડી.
મારા પરિવારને અસુરક્ષિતતા લાગે છે એવું વિધાન વચ્ચે કરીને હોબાળો સર્જનારા શાહરુખ ખાનની વાત લ્યો. વાંદરા ઉપનગરના બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં અત્યંત મોંઘેરા બંગલા છે. ત્યાં સતત ટ્રાફિક રહે છે. છતાં શાહરુખ ખાને પોતાન વેનિટી વાન પાર્ક કરવા ફૂટપાથ પચાવી પાડી. રાહદારીઓને ટ્રાફિકથી ધમધમતા રોડ પર ચાલવાની ફરજ પાડી.
એક સમજુ નાગરિકે કોર્ટમાં ધા નાખી ત્યારે મહાનગરપાલિકા સફાળી જાગી અને શાહરુખના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું અને એને દંડ ફટકાર્યો. આવું અમિતાભ બચ્ચન સાથે પણ કરી શકાય. પરંતુ મહારાષ્ટ્રના એક પણ રાજકીય પક્ષ કે નેતા બચ્ચન પરિવારને નારાજ કરવા માગતા નથી. ટ્રાફિકનું જે થવાનું હોય તે થાય.
વાસ્તવમાં આપણા ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટાર્સ અને નેતાલોગ પોતાને તમામ કાયદાથી પર સમજે છે. આપણે સૌ હીરો વર્શીપમાં માનનારા અંધભક્તો છીએ. વિદેશોમાં આવું બનતું નથી. હોલિવૂડના ટોચના કલાકારો પણ કાયદાથી ડરીને ચાલે છે. ત્યાં સિગ્નલ તોડવા જેવા સાવ નજીવા ગુના માટે પણ કલાકારો દંડાય છે. આપણે ત્યાં ઊંધું છે. કલાકારો પોતાની લોકપ્રિયતાનો ગેરલાભ લઇને કાયમ છટકી જાય છે. આ એક વિચિત્ર લોકશાહી છે જ્યાં સેલેબ્રિટીઝ પોતને કાયદાની ઉપરવટ સમજે છે.
Comments
Post a Comment