ગોપી ફિલ્મથી પહેલીવાર દિલીપ કુમાર અને કલ્યાણજી આણંદજી સાથે થયા

 


1970ના વર્ષમાં કલ્યાણજી આણંદજીના સંગીતથી સજેલી દસ ફિલ્મો રજૂ થઇ હતી. એ વાત આપણે કરી ગયા. આગલાં વરસોમાં છેક બાબુલ અને દિદાર જેવી ફિલ્મોમાં નૌશાદના હિટ સંગીતથી પ્રભાવિત રહેલા અભિનય સમ્રાટ દિલીપ કુમાર પહેલીવાર કલ્યાણજી આણંદજીની સાથે થયા. રાજ કપૂરની જેમ દિલીપ કુમાર પણ સંગીતના અભ્યાસી હતી. નૌશાદ ઉપરાંત શંકર જયકિસનના સંગીતનો પણ એમણે દાગ અને યહૂદી જેવી ફિલ્મોમાં અનુભવ કર્યો હતો. 

1964માં કન્નડ ભાષામાં બનેલી ચિન્નદા ગોમ્બી અને ત્યારબાદ તમિળ ભાષામાં બનેલી મુરાદન મુથ્થુ ફિલ્મની હિન્દી રિમેક 1970માં ગોપી નામે બની. રોના ધોના ટાઇપની ફિલ્મ હતી. રોકડી ચાર લાઇનની કથા હતી. ગ્રામ વિસ્તારમાં સંપીને રહેતા બે ભાઇમાંના એક પર ચોરીનો આરોપ આવતાં મોટોભાઇ નાનાને કાઢી મૂકે છે.  નાનો શહેરમાં જઇને સફળ થઇ આવે છે. સુખદ અંત રૂપે ફરી બધા ભેગા થાય છેએ. ભીમસિંઘ નિર્દેશિત આ ફિલ્મ દિલીપ કુમાર અને ઓમપ્રકાશના અભિનયથી દીપી ઊઠી હતી. 

ગીતો રાજેન્દ્ર કૃષ્ણે લખ્યાં હતાં અને સંગીત કલ્યાણજી આણંદજીનું હતું. આ ફિલ્મના સંગીતની એક વિશેષતા એ હતી કે એમાં સૌરાષ્ટ્રના લોકસંગીત-ભક્તિસંગીતનો પ્રયોગ કરાયો હતો. છંદ-દૂહા સાથે મંજિરા અને ઢોલકના તાલનો સમન્વય કરાયો હતો. જો કે દિલીપ કુમાર માટે મહેન્દ્ર કપૂરનો કંઠ આપણને બહુ પ્રતીતિજનક ન લાગે પરંતુ કદાચ નિર્માતાને રફી પરવડ્યા નહીં હોય અથવા નિર્માતાને જરૂર હોય ત્યારે રફીની ડેટ નહીં મળી હોય. જો કે મહેન્દ્ર કપૂરે ગીતને પૂરો ન્યાય આપ્યો છે એમાં કોઇ શંકા નથી.

એ ગીત એટલે રામચંદ્ર કહ ગયે સીયા સે ઐસા કલજુગ આયેગા, હંસ ચુગેગા દાના દુનકા, કૌઆ મોતી ખાયેગા... આ ગીત દિલીપ કુમાર પર ફિલ્માવાયું હતું અને ખાસ્સું લોકપ્રિય થયું હતું. દિલીપ કુમાર પર જ ફિલ્માવાયેલું ઔર એક હૃદયસ્પર્શી ગીત એટલે રાગ દરબારીમાં સુખ કે સબ સાથે દુઃખમેં ન કોઇ, મેરે રામ મેરે રામ, તેરા નામ એક સાચા દુજા ન કોઇ... શૈલેન્દ્રની યાદ તાજી કરાવે એવું ચિંતનપ્રેરક ગીત અહીં રાજેન્દ્ર કૃષ્ણે આપ્યું છે. સ્થળ સંકોચને કારણે આખું ગીત લઇ શકાય એમ નથી. બાકી એનો શબ્દે શબ્દ વિચારપ્રેરક છે. ગીતના શબ્દોને પૂરતું મહત્ત્વ મળી રહે એટલા માટે અહીં ઓરકેસ્ટ્રેશન એકદમ સૌમ્ય રાખ્યું છે એ સંગીતકારોની સૂઝબૂઝનો પુરાવો છે... 

એક ગીત દિલીપ કુમાર અને સાયરા બાનુની અગાઉની ફિલ્મોનાં અને પાત્રોનાં નામને સમાવી લેતું પેરોડી ટાઇપનું ગીત છે. અહીં મહેન્દ્ર કપૂર જોડે લતા મંગેશકર છે. એક પડોશન પીછે પડ ગઇ જંગલી જિસકા નામ, પ્યાર મુહબ્બત ક્યા સમજાયે ઇસ કો રામ ઔર શ્યામ... સાયરાની જંગલી, પડોશન, પ્યાર મુહબ્બત વગેરે ફિલ્મોનાં નામ ગીતમાં છે તો દિલીપ કુમારની રામ ઔર શ્યામ, મધુમતી વગેરે ફિલ્મોનાં નામો ગીતમાં આવરી લેવાયાં છે. તર્જ અને લય રમતિયાળ છે

એવુંજ એક રમતિયાળ ગીત ફરી એકવાર મહેન્દ્ર કપૂર અને લતાના કંઠમાં છે. દિલીપ કુમાર કેટલીકવાર અલ્લડ જુવાનિયા જેવાં દ્રશ્યો ભજવતા રહ્યા હતા. ગંગા જમના ફિલ્મથી એવા રોલની શરૂઆત થઇ. સગીનામાં પણ સાલા મૈં તો સાબ બન ગયા...જેવું ગીત હતું. અહીં દિલીપ કુમાર અને સાયરા પર ફિલ્માવાયેલું ગીત છે- જેન્ટલમેન જેન્ટલમેન, મૈં હું બાબુ જેન્ટલમેન, આ મિલા લે મુઝ સે નૈન...

એક ગીત લતાના કંઠમાં છે. દિલીપ કુમાર શાંત સરોવરમાં કાંકરીચાળો કરે છે. પછી બંસી છેડે છે. ત્યાં સાયરા આવે છે અને ગીત શરૂ કરે છે- અકેલે હી અકેલે, ચલા હૈ કહાં, કહેગા ક્યા કહેગા યે મૌસમ જવાં, ના જા ના જા, હો આજા આજા, ઓ રાહી અકેલે ...

ગ્રામ વિસ્તારનાં રમણીય દ્રશ્યો આંખ ઠારે એવી છબીકલા ગીત સંગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. આ ફિલ્મ મધ્યમ હિટ નીવડી હતી. પરંતુ એનું સંગીત હિટ નીવડ્યું અને ગાજ્યું હતું. આ ફિલ્મથી દિલીપ કુમાર અને કલ્યાણજી આણંદજી વચ્ચે ઘનિષ્ઠ મૈત્રી સંબંધ બંધાયો તો જે જીવનભર રહ્યો. 

Comments

  1. બહુજ સરસ લેખ. અભિનંદન અજિતભાઈ.

    ReplyDelete

Post a Comment