રામાનંદ સાગરની ફિલ્મ ગીતના સંગીતે જબરદસ્ત કામિયાબી મેળવી


1960ના દાયકાના આરંભે વિજય ભટ્ટે રાજેન્દ્ર કુમારને લઇને ફિલ્મ ગૂંજ ઊઠી શહનાઇ બનાવી હતી. ફિલ્મ હિટ નીવડી. એમાં રાજેન્દ્રને શહનાઇવાદક બતાવ્યો હતો. રામાનંદ સાગરે 1970માં ગીત નામે એક ફિલ્મ બનાવી એમાં રાજેન્દ્રને બાંસુરીવાદક બતાવ્યો. આ ફિલ્મની કથામાં થો..ડી..ક અસર જબ જબ ફૂલ ખિલેની હતી. જબ જબ ફૂલ..માં નાયિકા કશ્મીર જાય છે અને નાવિકના પ્રેમમાં પડે છે.ગીતમાં એક સ્ટેજ સિંગર (માલા સિંહા) વેકેશન ગાળવા કુલુ જાય છે જ્યાં એક બાંસુરીવાદક ભરવાડના પ્રેમમાં પડે છે. 

સ્ટેજ સિંગર નાયિકા જે કંપનીમાં કામ કરે છે એના માલિકની નજર નાયિકા પર છે એટલે એ કાવતરાં કરે છે જેથી નાયિકા બાંસુરીવાદકને પરણે નહીં. નાયકને ગુંડાઓ દ્વારા મારપીટ કરાવે છે. થોડો સમય નાયક વાચા ગુમાવે છે. નાયિકાના પિતાની હત્યાનો આરોપ નાયક પર મૂકાય છે. આવા ચડાવ ઉતાર વચ્ચેસુખદ અંત સાથે વાર્તા પૂરી થાય છે. આ ફિલ્મમાં આનંદ બક્ષી, પ્રેમ ધવન અને હસરત જયપુરીનાં ગીતો હતાં. કલ્યાણજી આણંદજીના આ ફિલ્મનાં ગીતોએ ધૂમ મચાવી હતી. ખાસ કરીને ફિલ્મના ટાઇટલ ગીતે બિનાકા ગીતમાલામાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. એ ગીતથી વાતનો આરંભ કરીએ.

પહેલીવાર માત્ર મુહમ્મદ રફીના કંઠે અને બીજીવાર લતા અને મુહમ્મદ રફીના કંઠે ગવાયેલા આ ગીતના શબ્દો આનંદ બક્ષીના હતા. રાગ મિશ્ર પહાડી પર આધારિત આ ગીતનું મુખડું હતું- ‘આજા તુઝ કો પુકારે મેરે ગીત રે, મેરે મિતવા મેરે મીત રે... ’ બંદિશ સાથે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની બાંસુરી અને આણંદજીભાઇએ તૈયાર કરેલો લય જબરી જમાવટ કરે છે. એક કરતાં વધુ વખત સાંભળીએ તોય ધરવ ન થાય એવાં તર્જ-લય છે.

આપણા અમર અવિનાશ વ્યાસનું એક યાદગાર ગીત છે- મારી વેરણ થાતી રાત જગાડે મુને અમથી અમથી રે, મોરલી મને નથી ગમતી... કંઇક એવાજ ભાવનું એક ગીત અહીં ગીતકાર સંગીતકાર પ્રેમ ધવને આપ્યું છે. સુમન કલ્યાણપુરે દિલથી ગીતની જમાવટ કરી છે. મુખડું છે-‘ક્યા હૈ ઇસ બાંસુરિયા મેં, જો મુઝ મેં નહીં સાંવરિયા, કભી હોટોં સે મુઝે ભી લગાલે, બનાઇકે બાંસુરિયા...’ સ્ટેજ પ્રોગ્રામમાં બાળ કનૈયો બાંસુરી બજાવે છે અને ગોપીઓ સાથે નાયિકા (માલા સિંહા) ડાન્સ કરતાં કરતાં ગાય એવું દ્રશ્ય છે.  આ ગીત પહેલીવાર ટાઇટલ્સ સાથે રજૂ થયું છે. આમ તો ગીત બે વાર રજૂ થાય છે. બંને વખત પરદા પર સરસ જમાવટ કરી હતી.

એક અત્યંત ભાવવાહી ભજન આ ફિલ્મમાં પહેલીવાર મહેન્દ્ર કપૂર અને બીજીવાર લતાના કંઠમાં છે. ફિલ્મ સંગીતમાં બહુ ઓછા સાંભળવા મળતા રાગ નટભૈરવમાં આ ગીત સ્વરબદ્ધ થયું છે. તેરે નૈના ક્યૂં ભર આયે, વો હૈ સબ કા રખવાલા, તૂ કાહે ઘબરાયે... (આ રાગમાં પૂર્વાંગમાં નટ અને ઉત્તરાંગમાં ભૈરવના સ્વરો આવે. પૂરતા રિયાઝ પછી આ રાગ ગાઇ શકાય.) ખૂબ હૃદયસ્પર્શી રચના છે. મહેન્દ્ર કરતાં લતાના કંઠમાં સાંભળવાનો વિશેષ આનંદ છે.

એક સરસ ગીત હસરત જયપૂરીની રચના છે અને  આશા ભોંસલેના કંઠમાં રજૂ થયું છે. બંને પ્રેમીઓ વચ્ચે થયેલી ગેરસમજના પગલે આ ગીત પરદા પર આવે છે- ‘જો દિલ મેં બસાઇ થી, તસવીર મીટા દેના, આંખોં મેં બસાયા થા, નજરોં સે ગીરા દેના...’  સ્ટેજ પર રાજદરબારનો સીન છે. નાયિકા રાજવી સમક્ષ નૃત્ય કરે છે ત્યારે ગીત રજૂ થાય છે, નાયક ઓડિયન્સમાં બેસીને આંસુ સારે છે.

છેલ્લું ગીત એક રોમાન્ટિક ગીત છે જે મહેન્દ્ર કપૂર અને લતાના કંઠમાં છે. શબ્દો હસરત જયપુરીના છે. નાયક અને નાયિકા કુલુના નયનમનોહર વાતાવરણમાં ગ્રામજનો જેવા પોષાકમાં ગીત ગાય છે એવું ફિલ્માંકન છે. મુખડું છે ‘જિસ કે સપને હમેં રોજ આતે રહે, દિલ લુભાતે રહે, યે બતા દો બતા દો, કહીં તુમ વો હી તો નહીં...’

રામાનંદ સાગરની આ ફિલ્મ હિટ નીવડી હતી. ગીતો ગૂંજ્યાં હતાં અને ફિલ્મે રજત જયંતી ઊજવી હતી. ફિલ્મની સર્વાંગી સફળતામાં સંગીતનો પણ મોટો ફાળો હતો.


Comments