2022ના પહેલા મંગળવારે આજે એક અવનવી હોસ્પિટલનો પરિચય કરાવવો છે. કોરોના અને ઓમિક્રોન દુનિયાભરમાં હાહાકાર ફેલાવી રહ્યાં છે એટલે માણસની સારવાર કરતી હોસ્પિટલોની આપણને નવાઇ નથી. એજ રીતે પશુ-પંખીની સારવાર કરતી હોસ્પિટલની વાતો પણ આપણે વાંચી-જોઇ-સાંભળી છે. પરંતુ વૃક્ષો અને છોડવાઓની હોસ્પિટલ વિશે બહુ ઓછી જાણકારી આપણી પાસે છે. જી હા, દેશની પહેલવહેલી આવી હોસ્પિટલની વાત આજે કરવી છે.
એ પહેલાં ઔર એક જાણવા જેવી વાત. સરકારી કાર્યાલયોમાં કામ કરતા બધા બાબુલોગ યંત્રવત્ કામ કરતા હોતા નથી. કોઇ અધિકારીને સતત પ્રકૃતિ અને સમાજની ચિંતા હોય છે. પંજાબના એવા એક મહેસૂલ અધિકારીનો આ નવોન્મેષ છે. એમનાં બાળકોની સ્કૂલ અનિશ્ચિત સમય માટે બંધ થઇ ગઇ.
એનાં કારણોની તપાસ કરતાં એક કારણ એવું પણ મળ્યું કે હવામાં પ્રદૂષણ વધુ હોવાથી બાળકોનાં આરોગ્યને માઠી અસર થતી હતી. એક કારણ એવું પણ ખરું કે પંજાબ, હરિયાણા, ચંડીગઢ વગેરે સ્થળે ખેતરોમાં પરાળ બાળવાનું કામ પાક લણણીના સમયગાળામાં થતું હોય છે. એ પણ પ્રદૂષણ વધારે છે.
આ સરકારી અધિકારી રોહિત મહેરા અને એનાં પત્ની ગીતાંજલિએ બાળકોની મદદથી માનવસર્જિત એક જંગલ બનાવવાનો નિર્ણય કર્યો એમાંથી આ હોસ્પિટલ જન્મી. જુદી જુદી નર્સરીના સંચાલકોને મળીને આ દંપતીએ કુંડા વિશે વાત કરવા માંડી. ધંધાદારી નર્સરીઓએ પ્લાસ્ટિકના કૂંડા વાપરવાની સલાહ આપી. પરંતુ પ્લાસ્ટિકના બસો પાંચસો કૂંડા તો ખર્ચાળ નીવડે.
એટલે એક નવો વિચાર અજમાવ્યો. શરૂઆત અલગ રીતે કરી. પાર્ટી કે લગ્નો હોય એવા સ્થળે જતા અને પીવાના પાણીની વપરાઇ ગયેલી બોટલો એકઠી કરવા માંડી. કેટલાક લોકોએ આ દંપતીની મજાક કરવા માંડી કે આ તો કચરો વીણવા માંડ્યા. બીજી બાજુ જાણીતી હોટલોના સંચાલકોને મળીને વિનંતી કરી કે પાણી અને સોફ્ટ ડ્રીન્કની વપરાઇ ગયેલી પ્લાસ્ટિકની બોટલ્સ અમને આપો. હોટલોએ હા પાડી. એમનો તો કચરો મફતમાં દૂર થતો હતો.
એવી બોટલો ભેગી કરીને પહેલાં જાતમહેનતથી સાફ કરી. પછી બોટલોનાં ઉપરના સાંકડા મુખને કાપીને બોટલો એકબીજી પર ગોઠવીને ટટાર ઊભી રહે એવાં પિરામીડો બનાવ્યાં. કારણ કે બગીચા બનાવવા માટે જમીન નહોતી એટલે ઊભા (વર્ટિકલ) બગીચા બનાવવાની ચોજના ઘડી. બોટલોના પિરામીડોમાં માટી અને માનવ તેમજ ગાય-ભેંસ જેવાં દૂધાળા ઢોરનાં મળમૂત્રનું ખાતર નાખીને વિવિધ છોડ ઊગાડવાના શરૂ કર્યા. ખૂબ ધીરજ અને સંપૂર્ણ સાતત્ય જાળવીને બાગાયતી શરૂ કરી.
સાથોસાથ વૃક્ષો અને છોડવાને તંદુરસ્ત રાખે એવા પ્રયોગો અને ઔષધોનો અભ્યાસ શરૂ કર્યો. નિષ્ણાતોનાં સૂચનો મેળવ્યાં. બાગાયતી વિશેનાં દેશવિદેશનાં પુસ્તકો લાયબ્રેરીમાંથી મેળવીને એનો અભ્યાસ કર્યો.વાત એટલી રસપ્રદ બની રહી કે મહેરા દંપતીનાં બાળકો ઉપરાંત એ વિસ્તારના બીજાં બાળકોને પણ આ પ્રોજેક્ટમાં રસ પડ્યો. એટલે સર્જાયો એક ચમત્કાર. એક તરફ માનવસર્જિત જંગલની સ્થાપના શરૂ થઇ અને બીજી તરફ વૃક્ષો-છોડવાની હોસ્પિટલ બનવા માંડી.
આ નવલા પ્રયોગની વાત સ્થાનિક અખબારોમાં પ્રગટ થતાં વધુ લોકો આગળ આવ્યા અને આ પ્રયોગ એક સામાજિક ક્રાન્તિ જેવો બની રહ્યો. આઠથી પંદર વર્ષનાં બાળકો પોતાને હવે ગ્રીન વોરિયર્સ (હરિયાળા યોદ્ધા) તરીકે ઓળખાવે છે. સ્કૂલો બંધ હોવાથી બાળકોને તો આ એક નવી પ્રવૃત્તિ મળી.
પોતપોતાના વિસ્તારનાં વૃક્ષોને નિયમિત પાણી પાવું, સડકની વચ્ચે મ્યુનિસિપાલિટીએ રોપેલા છોડવાની દેખરેખ રાખવી વગેરે કાર્યોમાં બાળકો હોંશે હોંશે સામેલ થવા લાગ્યા. એક એવો વિસ્તાર સ્થપાયો જ્યાં અમૃતસરના બીજા વિસ્તારો કરતાં ગરમી ઓછી પડવા માંડી. પ્રદૂષણ ઘટવા માંડ્યું. વાતાવરણ ખુશનુમા હરિયાણું થઇ ગયું. એક અહેવાલ મુજબ હવે હરિયાણા અને ચંડીગઢમાં પણ આવા પ્રયોગો શરૂ થયા છે. ગુજરાતમાં પણ વૃક્ષપ્રેમીઓ આવું કંઇક કરી શકે તો રંગ રહી જાય.
અમૃતસર અત્યાર પહેલાં શીખોના સર્વોચ્ચ યાત્રાધામ સુવર્ણ મંદિર માટે જાણીતું હતું. આવી રહેલા સમયમાં એ વૃક્ષો અને છોડવા માટેની દેશની પહેલવહેલી હોસ્પિટલ માટે પણ જાણીતું થશે. પર્યટકો માટે આ એક જોવા જેવું સ્થળ પણ બની રહે તો નવાઇ નહીં.
Comments
Post a Comment