લોકસાહિત્યના ડાયરામાં ક્યારેક સનાતન સત્ય રજૂ કરતા દોહા-છંદ રજૂ કરાતા હોય છે. એવા એક છંદનો સાર કંઇક આ પ્રકારનો છે- સૌથી વધુ કાતિલ ઝેર ક્યાં છે ? (સમુદ્ર મંથન વખતે ઝેર નીકળેલું એ અર્થમાં) રત્નાકર સાગરમાં ? નાગના ડંખમાં ? હડકાયા શ્વાનમાં ? અફીણના ડોડવામાં ? વીંછીના ડંખમાં ? ના ભાઇ ના, છેલ્લી પંક્તિમાં કહ્યું છે કહે ગરીબદાસ સાંભળજો ધ્યાનથી, ઝાઝામાં ઝાઝું ઝેર માણસની જીભમાં....
ચોંકી ગયાને ? બસ ત્યારે. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી બુદ્ધિવાન, સૌથી ચાલાક, સૌથી સમર્થ ગણાતા માણસની જીભ સૌથી કાતિલ ઝેરથી ભરેલી છે એવું કહેનાર કવિને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા. 2021ની સાલનો આ છેલ્લો મંગળવાર છે. છેલ્લાં બે ત્રણ સપ્તાહનાં છાપાં ધ્યાનથી વાંચ્યાં હોય તો તમે પણ આ લોકકવિ સાથે સંમત થઇ જવાના.
સંસ્કૃતમાં કહે છે, યથા રાજા તથા પ્રજા. જેવો રાજા એવી રૈયત. દક્ષિણના એક કોંગ્રેસી ધારાસભ્યની જીભ લપસી તો એવી લપસી કે શાસક અને શાસિતો બંને નારાજ થયા. આ ભાઇ કહે કે તમે બળાત્કારને ટાળી ન શકતા હો તો પડ્યા પડ્યા સેક્સનો આનંદ માણો. વૈચારિક વિકૃતિનો આવો બીજો દાખલો ક્યાં મળે ?
તો સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે ભવિષ્યવાણી ઉચ્ચારી કે કોઇ પણ વ્યક્તિ મૃત્યુ ટાણે કાશી આવે છે. વડા પ્રધાન કાશી વિશ્વનાથ મંદિર કોરિ઼ડોરના ઉદ્ઘાટન માટે ગયા ત્યારે અખિલેશને આ બ્રહ્મજ્ઞાન લાધ્યું. પછી ફેરવી તોળ્યું કે મેં તો રાજ્ય સરકાર માટે આ વિધાન કર્યું હતું.પીઢ અભિનેત્રી જયા બચ્ચને વળી નવો ડાયલોગ માર્યો કે હું સરકારને શાપ આપું છું કે તમારા બૂરા દિવસો આવશે. લ્યો કરો વાત. ગુજરાતી ભાષામાં બહુ સરસ લોકોક્તિ છે કે સતી શાપ દે નહીં ને શંખણીના લાગે નહીં. શાપ દેવા માટે પણ યોગ્યતા કેળવવી પડે એ હકીકત જયાને કોણ સમજાવે ? પાંચેક વર્ષ પહેલાં પણ જયાએ બાફ્યું હતું કે બોફર્સ કાંડ અંગે મિસ્ટર બચ્ચન બધું જાણે છે. એ બોલશે તો તમને ભારે પડશે....
રાજકારણથી દાઝેલા અને અનુભવથી ઠરેલ થયેલા અમિતાભ બચ્ચને તરત કહ્યું કે વો (સોનિયા ગાંધી અને કોંગ્રેસ) તો રાજા હૈ.... અર્થાત્ મારે કંઇ બોલવું નથી અને જાનનું જોખમ વધારવું નથી..
વાસ્તવિકતા એ છે પ્રિય વાચકરાજ્જા કે ભારતીય રાજકારણ હવે છેક નીચલી પાયરીએ ગયું છે. લગભગ દરેક પક્ષના નેતા અને તેમના સમર્થક પત્રકારો જે ભાષા બોલે છે એ અંધારી આલમના દાદાઓને સારા કહેવડાવે એવી છે.
મનમાં આવે એ ભરડી નાખવું અને જબ્બર વિરોધ થાય ત્યારે ગલ્લાંતલ્લાં કરવા એ આજના કહેવાતા લોકપ્રતિનિધિઓની વિશેષતા છે. મૂકેશનાં ગીતો ગાનાર નેતા મૂકેશ જેવા સજ્જન હોય એવા ભ્રમમાં રહેવું નહીં. સંગીતરસિકોએ કૌભાંડી નેતાઓને મૂકેશ જેવા સજ્જન ગાયકનાં ગીતો ગાતાં અટકાવવા જોઇએ..
ચૂંટણી વ્યૂહના માસ્ટર માઇન્ડ ગણાતા પ્રશાંત કિશોર પણ હવે ગુલાંટ મારતા થઇ ગયા છે. પહેલાં મમતા બેનરજીના વાદે એણે કહેલું કે રાહુલ ગાંધી વડા પ્રધાનપદ માટે યોગ્ય નથી. એ મોદીની બરાબરી કરી શકે એમ નથી. ચોમેરથી દબાણ આવ્યું ત્યારે મારી પલટી કે રાહુલ ગાંધી પણ વડા પ્રધાન બની શકે છે.
આ બધા તો સમજ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ વળી નવી તર્જ છેડી કે ગમે તે કારણે ધર્માંતર કરનારા હિન્દુઓની ઘરવાપસીનો સમય પાકી ચૂક્યો છે. કાશ, આવું સો વરસ પહેલાં શક્ય બન્યું હોત. પાનેલીના લોહાણા વેપારી (અને મુહમ્મદ અલી ઝીણાના પિતા) ઝીણાભાઇ ઠક્કરે કરાચીતી પાછાં ફરીને વૈષ્ણવ આચાર્યને પૂછેલું કે ધર્માંતર કરવામાં મારી ભૂલ થઇ ગઇ. હું પાછો વૈષ્ણવ બની શકું કે ? વલ્લભબાળ તરીકે ઓળખાતા ગોસ્વામીજીએ હા પાડી હોત તો ઇતિહાસ જુદો લખાયો હોત. .
ખરેખર તો આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે એમ કહેવાની જરૂર હતી કે જેમની ઇચ્છા સ્વધર્મમાં પાછાં ફરવાની હોય એ લોકોનું સ્વાગત છે.
પરંતુ આરંભે કહ્યું એમ કોની જીભ ક્યારે લપસી પડે છે એની ભવિષ્યવાણી કરી શકાતી નથી. વાતાવરણ વધુ ને વધુ ઉગ્ર થઇ રહ્યું છે. શાંતિ અને ભાઇચારો ડહોળાઇ રહ્યાં છે. ગયું વર્ષ કોરોના માટે બદનામ થયેલું. 2021નું વર્ષ બેફામ વાણીવિલાસ માટે પંકાવું જોઇએ એમ નથી લાગતું ?
Comments
Post a Comment