રોના ધોના ટાઇપની ફિલ્મ સુહાગ રાતનાં યાદગાર ગીતોની એક ઝલક

 


1968માં સરસ્વતીચંદ્રની હારોહાર બીજી કેટલીક ફિલ્મો રજૂ થઇ હતી જેમાં એક હતી સુહાગ રાત. રોના ધોના ટાઇપની કથા ધરાવતી આ ફિલ્મની કથા એચ એ રાહીએ લખી હતી અને નિર્માતા નિર્દેશક આર ભટ્ટાચાર્યે આ ફિલ્મ બનાવી હતી. ઇન્દિવરનાં ગીતો અને કલ્યાણજી આણંદજીનું સંગીત હતું.

જમ્પીંગ જેકના હુલામણા નામે જાણીતા જિતેન્દ્ર અને લિવિંગ લેજન્ડ ફિલ્મ સર્જક વી શાંતારીમની -અભિનેત્રી પુત્રી રાજશ્રીએ એમાં મુખ્ય રોલ કર્યા હતા. રાજશ્રી પાસે સૌંદર્ય સિવાય કશું નહોતું એમ કહીએ તો ચાલે. અભિનયમાં એ સાધારણ હતી. પાછળથી એક વિદેશી સાથે લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થઇ હતી.

કથામાં સારા એેવા ચડાવ-ઉતાર હતા. બે પ્રેમીજનોનાં લગ્ન નક્કી થાય ત્યાં યુદ્ધ જાહેર થતાં લશ્કરી અધિકારી એવો કથાનાયક સીમાડે લડવા જાય. એના અવસાનની વાતો આવે. બીજી બાજુ શત્રુસેનાએ વર્ષાવેલા બોમ્બમારામાં નાયિકાનું ઘર ધરાશાયી થઇ જાય. એ અન્યત્ર રહેવા જાય. ગંભીર રીતે ઇજા પામેલો કથાનાયક અપંગ થઇને પાછો આવે ત્યારે નાયિકા નહીં મળતાં હતાશ થઇ જાય...વગેરે વગેરે...

ઇન્દિવરે લખેલાં આ ફિલ્મનાં છ ગીતો કિશોર કુમાર, મન્ના ડે, મૂકેશ અને લતા વચ્ચે વહેંચાયેલાં છે. આજે યોગાનુયોગે મુહમ્મદ રફીનો જન્મદિવસ છે પરંતુ જિતેન્દ્ર અભિનિત આ ફિલ્મમાં રફીનું એક્કે ગીત નથી. બાકી જિતુના મોટા ભાગનાં હિટ ગીતો રફીએ આપ્યાં છે.

ફિલ્મમાં વચ્ચે વચ્ચે રાહત આપવા આવતા કોમેડિયન મહેમૂદ પર ફિલ્માવાયેલાં ગીતથી વાતનો આરંભ કરીએ. છ માત્રાના લચકદાર ખેમટામાં ભૈરવીમાં સ્વરબદ્ધ કરાયેલા ગીતને મન્ના ડેનો કંઠ મળ્યો છે. મેરે દિલ સે દિલ કો જોડ દો, યા તો જાન મેરી જાન અબ છોડ દો.. મુખડું છે. અંતરામાં થોડી રમૂજ પણ છે.. 

મૂકેશના ચાહકોને સાચવી રાખવાનું મન થાય એવું સરસ ગીત અહીં મળ્યું છે. નાયિકાનાં બીજાં લગ્ન નક્કી થાય છે ત્યારે અપંગ નાયક એને શુભેચ્છા આપતાં ગાય છે- ખુશ રહો હર ખુશી હો તુમ્હારે લિયે, છોડ દો આંસુંઓં કો હમારે લિયે... આગલા ગીત કરતાં અહીં ભૈરવી વધુ આસ્વાદ્ય રૂપે રજૂ થાય છે. મધ્ય લયના કહેરવામાં ગીત હૃદયસ્પર્શી બન્યું છે.

એવુંજ એક હૈયા સોંસરવું ઊતરી જાય એવું ગીત પણ છે. લતાના કંઠે રજૂ થતું આ ગીત એટલે હૈયા હો હૈયૈ, ગંગા મૈયા મેં જબ તક યે પાની રહે મેરે સજના તેરી જિંદગાની રહે.... નાયિકા વૈધવ્યના પ્રતીક સમી સફેદ સાડી પહેરીને ફરે છે ત્યારે પરદા પર ગંગાતટે કેટલીક મહિલાઓ કડવા ચોથના વ્રતની ઊજવણી કરતાં કરતાં ગાય છે. આ ગીતમાં નાયિકા દ્વારા નાયકને મૌન રહીને અપાતી શુભેચ્છામાં અંતરનો અવાજ સાંભળી શકાય એવી સચોટ તર્જ બની છે. વચ્ચે વચ્ચે પાણીના વહેણનો ખળખળાટ ઉમેરીને ગીતને વધુ અસરદાર બનાવવામાં સંગીતકારોને સફળતા મળી છે.  

નાયિકાનાં બીજાં લગ્નની પહેલી રાત્રે એનો પતિ એક તવાયફના કોઠામાં જાય છે જ્યાં એની હત્યા થઇ જાય છે. કોઠાનો મુજરો મધુમતી અને લક્ષ્મી છાયા પર ફિલ્માવાયો છે. લતા અને આશાના કંઠે આ મુજરો રજૂ થયો છે. કોઇ મુજ સા હસીં દો જહાં મેં સનમ તુ દિખા દે સનમ તો સર કો ઝુકા દું વહીં... થી ઉપડતો મુજરો પરદા પર માણવા જેવો છે. 

અપંગ નાયક લાકડીના સહારે ઠક ઠક કરતો ચાલે છે અને બીજીવારના લગ્નની પહેલી રાત્રે વિધવા થતી નાયિકા ગમગીન ચહેરે ફરે છે ત્યારે એક ભાવવાહી ગીત ઇન્દિવરે આપ્યું છે જે કિશોર કુમારના કંઠે રજૂ થયું છે. ધરતી કી તરહ હર દુઃખ સહ લે, સૂરજ કી તરહ તૂ જલતી જા, સિંદૂર કી લાજ નિભાને કો, ચૂપચાપ તૂ આગ પે જલતી જા... આ ગીત પણ ગંગા મૈયા મેં જબ તક યે પાની રહે જેવું હૃદયંગમ બન્યું છે. કિશોર કુમારે અત્યંત સંયમભેર સ્વરો લગાવીને ગીતમાં પ્રાણ પૂર્યાં છે.

બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઠીક ઠીક ધંધો કર્યો હતો. ફિલ્મ સર્જકે રોકેલાં નાણાં એને પૂરેપૂરાં પાછાં મળી ગયાં હતાં. એ સમય જિતેન્દ્રનો હતો અને એની ફિલ્મો ચાલતી હતી. અહીં પણ સંગીતે ફિલ્મને વધુ સહ્ય બનાવી હતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી.


Comments