ધ ગ્રેટેસ્ટ શોમેન ઓન ધી અર્થ ગણાયેલો રાજ કપૂર વિઝનરી હતો ખરો ? ગીતકાર પ્રદીપજી જેવા કેટલાક કવિઓ-ગીતકારો વિઝનરી હતા એ જગજાહેર છે. પ્રદીપજીએ છેક 1950ના દાયકામાં લખેલું, ‘કહની હૈ ઇક બાત હમેં ઇસ દેશ કે પહરેદારોં સે સમ્હલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે...’ આજે આપણે જોઇએ છીએ ગદ્દારો જિહાદી આતંકવાદીઓને પનાહ આપે છે અને લગભગ રોજ બેચાર આર્મી કે સિક્યોરિટી જવાનો શહીદ થાય છે.
ઊગતી પેઢીને સંબોધીને પ્રદીપજીએ કહેલું, ‘હમ લાયે હૈં તુફાન સે કસ્તી નિકાલકે ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે...’ આજે રાજકારણીઓ જે ભાષા બોલે છે એવી ભાષાઓ તો અંધારી આલમના ટપોરીઓ પણ નથી બોલતા.
આ કેટેગરીમાં રાજ કપૂરને કેમ યાદ કર્યો ? રાજ કપૂરે 1970-’80ના દાયકામાં પોતાની ફિલ્મમાં એક ગીત આપેલું- ‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ, પાપીયોં કે પાપ ધોતે ધોતે...’ પાપ-પુણ્યની વાત જવા દઇએ. ગંગા દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં મોખરે છે એ હકીકત હવે તો જગજાહેર થઇ ચૂકી છે.
આ વાત યાદ આવવા પાછળ એક ઘટના નિમિત્ત બની ગઇ. કાશી વિશ્વનાથ મંદિર અને એની કોરિડોરના લોકાર્પણ વખતે વડા પ્રધાને અત્યંત દૂષિત ગણાયેલી ગંગામાં એક નહીં, ત્રણ ડૂબકી મારી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગંગામાં ડૂબકી મારવાથી દૂર રહ્યા એ મુદ્દાને વિપક્ષોએ ચગાવ્યો પરંતુ લોકોએ એ તરફ ધ્યાન આપ્યું નહી.એક વાત યાદ કરવા જેવી છે. 1050ના દાયકામાં અમેરિકા અને યૂરોપના વિજ્ઞાનીઓ તથા જળ નિષ્ણાતોએ ગંગાના પાણીનો નમૂનો લઇને એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પૃથક્કરણ કરેલું. ભારતીય લોકો ગંગાને પતિત પાવની કેમ કહે છે એ વાતનું એ લોકોને આકર્ષણ હતું.
વિદેશી લેબોરેટરીમાં એ પૃથક્કરણનું તારણ એવું નીકળ્યું કે ગંગાના પાણીમાં દુનિયાના તમામ બેક્ટિરિયા અને વાઇરસ આપોઆપ મરી જાય છે. બહારથી કોઇ જીવજંતુ નાખવામાં આવે તો એ પણ આંખના પલકારામાં નષ્ટ થઇ જાય છે. આ કસોટી થઇ ત્યારે પણ ગંગામાં કેટલાક મૃતદેહો તરતા હતા છતાં ગંગાનું પાણી એકસો ટકા શુદ્ધ પુરવાર થયું હતું.
પરંતુ કહેવાતા ઔદ્યોગિક વિકાસે ગંગાને મૈલી કરી નાખી. રાસાયણિક વેસ્ટ અને બીજા કચરાએ ગંગાને આજે સૌથી જોખમી પાણી ધરાવતી કરી નાખી. કહેવાતા નેતાજીઓએ ગંગા પતિત પાવની બની રહે એની પરવા કરી નહીં.
અને આ વાત માત્ર ગંગા પૂરતી નથી. દેશની મોટા ભાગની લોકમાતાઓ આજે ગંધાતી ગટર જેવી બની રહી છે. વૈષ્ણવો હોંશે હોંશે ગાય છે જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા... પરંતુ આજની જમુનામાં સ્નાન કરવાની વાત કરો તો શામળો તરત નાસી જાય એટલી હદે જમુના દૂષિત થઇ ચૂકી છે. વિકાસના નામે આપણે પ્રાણવાયુ અને પીવાના પાણીની પણ કેવી દશા કરી છે એ વિચારવું જોઇએ. વિકાસ વિકૃતિમાં પરિણમ્યો હોય એવાં આ લક્ષણો છે.
ગુજરાત પૂરતી વાત કરીએ તો તમે તમારા વિસ્તારની લોકમાતાને જો જો. અમદાવાદની સાબરમતી રાસાયણિક કચરાને કારણે અત્યંત દૂષિત થઇ ચૂકી છે છતાં એના પાણીમાં શાકભાજી ઊગાડાય છે અને એ પ્રદૂષિત શાકભાજી ખાઇને લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બને છે એવા અહેવાલો તાજેતરમાં પ્રગટ થયા હતા.
એક તરફ ગુજરાતમાં એવા વિસ્તારો છે જ્યાં એક ઘડા જેટલા પાણી માટે માતા-બહેનો પાંચ પાંચ ગાઉ ચાલીને જાય છે જ્યારે બીજી બાજુ આ લોકમાતાઓ ગંધાતા ઉકરડાઓને સારા કહેવડાવે એવી દૂષિત થઇ ચૂકી છે. વિકાસના નામે આ પરિસ્થિતિ સર્જાઇ હોય તો આવો વિકાસ શા કામનો એ વિચારવા જેવું છે. આપણે સમયસર નહીં જાગીએ તો આવનારી પેઢીઓ આપણને કદી માફ નહીં કરે.
Comments
Post a Comment