1968માં સરસ્વતીચંદ્ર ઉપરાંત બીજી ત્રણ ફિલ્મોમાં કલ્યાણજી આણંદજીનું સંગીત હતું. એમાં એક ફિલ્મ નિતાંત કોમેડી ફિલ્મ હતી. જો કે એનું મૂળ સાઉથમાં સુપરહિટ નીવડેલી એક ફિલ્મ ‘વામા વિજયમ્’માં હતું. આ ફિલ્મને હિન્દીમાં તીન બહુરાનિયાં નામે એસ એસ બાલન અને એસ એસ વાસને રજૂ કરી હતી. એટલે એમાં સાઉથની ફિલ્મની ત્રણે મુખ્ય હીરોઇન લીધી હતી. જો કે એ ત્રણેને ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં કોઇ મોટી તક મળી નહીં.
બોલિવૂડના જે કલાકારો આ ફિલ્મમાં ચમક્યા એ હતા પૃથ્વીરાજ કપૂર, રમેશ દેવ, આગા, ધુમાળ, રાજેન્દ્રનાથ, કન્હૈયાલાલ, લલિતા પવાર, શશીકલા વગેરે. આખીય ફિલ્મ કોમેડી હતી અને હિટ નીવડી હતી. આનંદ બક્ષીનાં ગીતોને કલ્યાણજી આણંદજીએ ફિલ્મના કોમેડી દ્રશ્યોને અનુરૂપ સંગીત પીરસીને સજાવ્યાં હતાં. છ ગીતો હતાં એને પોણો ડઝન ગાયકોનો કંઠ સાંપડ્યો હતો.
આશા ભોંસલેએ ગાયેલું ગીત કન્હૈયા, મેરી તરફ જરા દેખ કન્હૈયા, રાધા સે બન ગયી રીટા કન્હૈયા... પરદા પર માણવા જેવું હતું. પોતાની જૂનવાણી પત્ની આધુનિક પોષાક અને હેરસ્ટાઇલમાં આવીને કન્હૈયા (રાજેન્દ્રનાથ)ને પોતાની સામે જોવાનું કહે છે એવા રમતિયાળ શબ્દોને ફાસ્ટ કહેરવામાં અને શબ્દો જેવીજ રમતિયાળ તર્જમાં બહેલાવાયા છે.
આશાએ જ ગાયેલું ઔર એક ગીત દિલ્લી કે બાજાર કી બલમા સૈર કરા દે.. ત્રણે બહુરાની એક ડાન્સ શોમાં આવી છે અને સ્ટેજ પર મધુમતીના ડાન્સ સાથે એક છોકરી પુરુષ વેશમાં સાથ આપે છે એવું આ ગીત રીસામણાં મનામણાં ટાઇપનું છે. તર્જ એકવાર સાંભળીને ભૂલી જવાય એવી છે.
ત્રણે બહુરાનિયાં એકમેક સાથે કેવી હળી મળીને રહે છે એવું દેખાડવા એક ગીત ડાયરેક્ટરે મક્યું છે. સસરાજી ગાય-ભેંસને ચારો નીરે છે ત્યારે ત્રણે વહુઓ બગીચામાં પ્લાન્ટસને પાણી પાય છે, કપડાં ધુએ છે વગેરે કામ કરતાં કરતાં ગાય છે. આ ગીતમાં લતા, આશા અને ઉષા મંગેશકર એ ત્રણ બહેનોનો કંઠ ગૂંજે છે. અત્યંત હળવી તર્જમાં લય ખૂબ મજાનો છે. આમ તો પંજાબી ભાંગડા ટાઇપનો કહેરવો છે પરંતુ એની લચક સંગીત રસિકોને પગથી ઠેકો આફવા પ્રેરે એવી છે.સતત વધી રહેલી મોંઘવારીમાં મધ્યમ વર્ગની ગૃહિણીઓની કેવી સ્થિતિ થતી હોય છે એને રમૂજી રીતી રજૂ કરતું ગીત મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે અને કમલ બારોટના કંઠે રજૂ થયું છે. આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા, ભૈયા ના પૂછો ના પૂછો હાલ, નતીજા ઠન ઠન ગોપાલ.. ફિલ્મ રજૂ થઇ એ સમયગાળામાં આ ગીતે રીતસર ધમાલ મચાવી દીધી હતી.
શાસક કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઇ હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગૂંગી ગૂડિયા તરીકે ઓળખાતાં ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવ્યા હતા. પરિસ્થિતિ ડામાડોળ હતી ત્યારે આ ગીતે ખરી ધમાલ મચાવી દીધી હતી.
જો કે આ ફિલ્મનું સૌથી વધુ ગાજેલું ગીત એટલે કિશોર કુમાર અને આશા ભોંસલેએ ગાયેલું ગીત આ સપનોં કી રાની, આ આ આ સપનોં કી રાની... રાજેન્દરનાથ અને શશીકલા પર ફિલ્માવાયેલા આ ગીતને કિશોર કુમારે પોતાની આગવી ગાયન શૈલીથી જબરું જમાવ્યું છે. આજે પણ કિશોર કુમારનાં ગીતોના સ્ટેજ પ્રોગ્રામમાં આ ગીત રસિકોને આકર્ષ છે.
ગીત રજૂ થવા પહેલાંનું દ્રશ્ય પણ પરદા પર માણવા જેવું છે. પ્રદર્શનમાં લગાડેલા ચિત્રને જોઇને રાજેન્દ્રનાથને કલ્પના આવે છે અને એ કલ્પના દિવાસ્વપ્નમાં ફેરવાઇ જતાં આ ગીત ઉપડે છે. બામ ચીક બામ ચીક બામ ચીક જેવા નિરર્થક ઉદ્ગારોને બંને ગાયકોએ જીવંત કરી દીધા છે.
આખે આખી કોમેડી ફિલ્મમાં આનંદ બક્ષીએ પ્રસંગો-દ્રશ્યોને અનુરૂપ ગીતો રચ્યાં છે અને કલ્યાણજી આણંદજીએ એવીજ રમતિયાળ હલકી-ફૂલકી તર્જો બનાવીને ફિલ્મને સહ્ય બનાવવામાં માતબર ફાળો આપ્યો હતો. કુદરતી રીતે હ્યુમરમાં રસ ધરાવતા કલ્યાણજી આણંદજીએ આ ફિલ્મના સંગીત દ્વારા સાઉથના સર્જકોની કોમેડી ફિલ્મને સરસ ન્યાય આપ્યો.
Comments
Post a Comment