મહાનુભાવોની અંતિમ ક્ષણો મોટે ભાગે રહસ્યથી ઢંકાયેલી કેમ રહે છે, વારુ ?



સૌથી વધુ સુરક્ષિત ગણાતા, અલ્ટ્રામોડર્ન ટેક્નોલોજીથી સજ્જ હેલિકોપ્ટરમાં બિરાજેલા ભારતીય લશ્કરની ત્રણે પાંખના વડા જનરલ બિપિન રાવત અને બીજા ફૌજી અધિકારીઓના અકાળ અવસાને ઘણાને ચોંકાવી દીધા હશે. સદા વિવાદો સર્જવા થનગનતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ તો સર્વજ્ઞાનીની અદાથી કહી નાખ્યું કે ચીને લેસર ગનથી હેલિકોપ્ટરને ઊડાવી દીધું.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ... એટલે કે જન્મ્યા એટલા જાવાના એમ કહ્યું છે. સમગ્ર જીવસૃષ્ટિમાં એક માત્ર મૃત્યુ અફર છે. એ વાત સ્વીકારીએ તો પણ એક સવાલ તો ઊભો રહે છે- મહાનુભાવોના મૃત્યુની આસપાસ રહસ્યનું આવરણ કેમ આવી જાય છે ? જનરલ રાવતના હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ જે કહે તે, અહીં વાત અંતિમ ક્ષણોના રહસ્યની છે.

વાતનો આરંભ ક્યાંથી કરીશું ? નેતાજી સુભાષચંદ્ર બોઝથી કે પછી બળવંતરાય મહેતાથી ? આવા મહાનુભાવોનો આંકડો પણ સારો એવો છે. શ્યામા પ્રસાદ મુખરજી, તાશ્કંદ ગયેલા, કદમાં વામન પરંતુ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા લાલબહાદૂર શાસ્ત્રી, દીનદયાલ ઉપાધ્યાય, લલિત નારાયણ મિશ્રા, નગરવાલા ખૂન કેસની તપાસ કરી રહેલા પેલા પોલીસ અધિકારી (નામ હૈયેથી હોઠે નથી આવતું )..... 

બોલિવૂડની વાત કરીએ તો અભિનેત્રી પરવીન બાબી, અભિનેત્રી ઊર્મિલા ભટ્ટ, અભિનેત્રી પ્રિયા રાજવંશ, સુશાંત સિંઘ રાજપૂત અને તાજેતરમાં અકાળ અવસાન પામેલો ટીવી સ્ટાર સૌરભ શુક્લા... અનુમાન અને અટકળો ઘણાં થાય છે. પરંતુ મૃત્યુની આસપાસ ઘૂમતા રહસ્યનો તાગ મળતો નથી.

સૌથી વધુ આઘાત વડા પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીજીની વિદાયનો થાય. પાકિસ્તાનના લશ્કરી પ્રમુખ અયુબખાન સાથે ચર્ચા કરવા રશિયાના તાશ્કંદ ગયા ત્યારે શાસ્ત્રીજી બધી રીતે તંદુરસ્ત અને સાજાસારા હતા. પાછો આવ્યો એમનો પાર્થિવ દેહ. શું થયું, કેવી રીતે થયું. કેમ થયું, એની વિગતો આજ સુધી ભારતની પ્રજાને મળી નથી. શાસ્ત્રીજી પછીની કોઇ કોંગ્રેસી સરકારે એ રહસ્ય બહાર લાવવાના પ્રયાસ કદી કર્યા નહીં.

સમસ્તિપુર (બિહાર)માં એક સભાસ્થાને મંચ પર થયેલા બોમ્બ ધડાકામાં કોંગ્રેસના ત્યારના ખજાનચી લલિત નારાયણ મિશ્રાના ફૂરચે ફૂરચા ઊડી ગયા એની પાછળ કોનું ષડ઼્યંત્ર હતું એનું રહસ્ય પણ આજ સુધી અકબંધ રહ્યું છે. આ માણસ તો ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની નિકટનો હતો. એના મૃત્યુ માટે શંકાની સોય પણ ઇંદિરા ગાંધી સામે તકાઇ હતી એ સૂચક છે.

યોગાનુયોગે નગરવાલા કેસમાં પણ ઇંદિરાજીનું નામ ખરડાયું હતું. કોઇએ ઇંદિરાજીના કહેવાતા અવાજમાં ફોન કરીને એક રાષ્ટ્રીયકૃત બેંકમાંથી નાણાં મંગાવ્યા. એ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીનું પણ રહસ્યમય સંજોગોમાં અવસાન થયું. સત્ય બહાર ન આવે એવી કોની ઇચ્છા હતી ? રામ જાણે.

એમ તો રોજ સેંકડો લોકો મરણ પામે છે. મરનારના કુટુંબીજનો સિવાય કોઇને એવા અન્ય દિવંગતોમાં રસ હોતો નથી. કેટલાક લોકો રોજ સવારે છાપું હાથમાં આવે ત્યારે સૌ પ્રથમ અવસાન નોંધ અને બેસણાંની જાહેર ખબરો જોઇ લે છે કે આપણા કોઇ સ્વજન ગયા નથી ને ? એ બધાંની વાત જુદી છે. મહાનુભાવોની વાત જુદી છે.

એમાંય પાકિસ્તાનને કચકચાવીને સર્જિકલ સ્ટ્રાઇકની થપ્પડ ઝીંકી દેનારા જનરલ બિપિન રાવત જેવા જવાંમર્દ અધિકારી આ રીતે આપણી વચ્ચેથી ચાલ્યા જાય એ સામાન્ય માણસને ગળે ઊતરતું નથી. ફિલ્ડ માર્શલ સામ માણેકશા પછી આ પહેલો ફૌજી એવો હતો જેણે પાકિસ્તાનનો ઊંઘતું ઝડપી લીધું હતું. વડા પ્રધાન કનેથી સર્જિકલ સ્ટ્રાઇક કરવાની સંમતિ મેળવી અને પાકિસ્તાનના ખેરખાંઓ ચોંકી ઊઠે એ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી બતાવી.

અત્રે એ નોંધવા જેવું છે કે તાજેતરમાં એક ભૂતપૂર્વ કોંગ્રેસી પ્રધાને લખેલા પુસ્તકમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘની ઝાટકણી કાઢી હતી. 26 નવેંબર 2008-09માં દરિયા માર્ગે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા પછી મનમોહન સિંઘની સરકાર મંજિરાં વગાડતી બેસી રહી હતી. પુસ્તકના લેખકે જરાય શબ્દો ચોર્યા વિના લખ્યું છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવાની આ શ્રેષ્ઠ તક હતી. છતાં મનમોહન સિંઘની સરકારે કોઇ પગલું લીધું નહીં. કોઇ કહેતાં કોઇ કોંગ્રેસી નેતા કને આ આક્ષેપનો તર્કબદ્ધ (લોજિકલ ) જવાબ નથી.

જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર સાથે કોઇ ચેડાં થયાં હોય અથવા કોઇ પાડોશીએ ટેક્નિકલ અટકચાળું કર્યું હોય એવું તપાસમાં બહાર આવે તો કેન્દ્ર સરકારે જવાબદારને સર્જિકલ સ્ટ્રાઇક જેવોજ જડબાતોડ જવાબ આપવો જોઇએ. શું ક્હો છો ?


Comments

Post a Comment