ગુજરાતી ભાષાની કેટલીક ચિરંજીવ સાહિત્યકૃતિમાં સરસ્વતીચંદ્ર બૃહદ્ નવલકથા મોખરાનું સ્થાન ભોગવે છે. સાક્ષર યુગમાં લખાયેલી અને ચાર ખંડોમાં વિસ્તરેલી આ નવલકથા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ગઇ સદીના આરંભે લખી હતી. એ પછી તો ઓછામાં ઓછી પાંચ છ પેઢીના વાચકો આવી ગયા. સરસ્વતીચંદ્રનું આકર્ષણ હજુ ઓસર્યું નથી.
1968માં સરસ્વતીચંદ્ર હિન્દી ફિલ્મ બની. ગરવા ગુજરાતી ગોવિંદ સરૈયા એેના ડાયરેક્ટર હતા અને એવાજ સવાયા ગુજરાતી કલ્યાણજી આણંદજીનું એમાં સંગીત હતું. અભિનયની આગવી પ્રૌઢિ (મેચ્યોરિટી ) ધરાવતી અભિનેત્રી નૂતને કુમુદનું પાત્ર ભજવ્યું હતું અને સરસ્વતીચંદ્ર તરીકે મનીષ નામનો અભિનેતા ચમક્યો હતો. હિન્દી ફિલ્મોના કેટલાક જાણીતા કલાકારો રમેશ દેવ, સીમા દેવ, સુલોચના લાટકર, બી એમ વ્યાસ વગેરે પણ આ ફિલ્મમાં ચમક્યાં હતાં. આ લખનારના નમ્ર મતે આ ફિલ્મે ઘણું કરીને સંગીતના જોરે રજત જયંતી ઊજવી હતી. આઠ ગીતો હતાં. આઠેઆઠ ઇન્દિવરે રચ્યાં હતાં.
આ ફિલ્મનાં સંગીતની વિશેષતા એ હતી કે એમાં ગુજરાતી લોકસંગીતની સાથોસાથ શાસ્ત્રીય સંગીતનો ખૂબીપૂર્વક ઉપયોગ કરાયો હતો જેથી આમ આદમી પણ આ સંગીતને માણી શકે.
કલ્યાણજી આણંદજીએ શાસ્ત્રીય સંગીતને ખરા અર્થમાં ‘સુપાચ્ય’ બનાવીને રજૂ કર્યું. તદ્દન સરળ અને લોકભોગ્ય રીતે શાસ્ત્રીય સંગીત રસિકો સમક્ષ આવ્યું.
સાવ સાદો દાખલો જોઇએ તો રાગ યમન કલ્યાણમાં મૂકેશના કંઠે રજૂ થયેલું ગીત ચંદન સા બદન, ચંચલ ચિતવન, ધીરે સે તેરા યે મુસ્કાના.... શબ્દોની સાથે રાગના સ્વરો કેવા સ્વાભાવિક રીતે વહી જાય છે એ તમે જુઓ. મધ્ય લયના કહેરવામાં ઓરકેસ્ટ્રેશન પણ શબ્દો પર હાવી ન થઇ જાય એની પૂરી તકેદારી સંગીતકારોએ રાખી છે.બીજી બાજુ રાગ ચારુકેશીમાં રજૂ થયેલું ગીત લતા અને મૂકેશ બંનેએ ગાયું છે. છ માત્રાના દાદરા તાલમાં આ ગીત છોડ દે સારી દુનિયા કિસી કી લિયે યહ મુનાસિફ નહીં આદમી કે લિયે...હૃદયસ્પર્શી બન્યું છે. રાગનો ભાર જરાય મહેસૂસ થતો નથી એ આ તર્જની વિશેષતા છે. આ ગીતમાં પણ ઓરકેસ્ટ્રા એકદમ સોબર છે. વાદ્યો અત્યંત સૌમ્ય રીતે પોતપાતાના ભાગે આવેલા સૂરો છેડે છે.
ઔર એક રાગ આધારિત ગીત પણ આ ફિલ્મને યાદગાર બનાવે છે. એ ગીત એટલે મૂકેશે ગાયેલું હમને અપના સબ કુછ ખોયા, પ્યાર તેરા પાને કો, છોડ દિયા ક્યૂં પ્યાર ને તેરે દર દર ભટકને કો...આ ગીત રાગ કાફી ( ગ અને ની કોમળ)માં સ્વરબદ્ધ થયું છે અને આઠ માત્રા ઠીક ઠીક ફાસ્ટ કહેવાય એવા કહેરવા તાલમાં છે.
લતા અને મૂકેશ બંનેના કંઠમાં રજૂ થતા ગીત ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં ફૂલ નહીં મેરા દિલ હૈ... માં પણ શબ્દો અને સ્વરો એકમેકમાં ઓળઘોળ થઇ ગયા અનુભવાય છે.
ગુજરાતી લોકસંગીતમાં અનેરી ભાત પાડતું ગીત એટલે લતાએ ગાયેલું મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, પિયા કા ઘર પ્યારા લગે... અદ્દલ ગુજરાતી રાસ-ગરબાની શૈલીમાં આ ગીતને શરણાઇ અને ઢોલ દ્વારા જમાવવામાં સંગીતકારોને ધારી સફળતા મળી છે. રાસ-રસિયાઓ ગીતની સાથોસાથ પગથી તાલ આપતા થઇ જાય એવાં તર્જ લય બન્યાં છે.
એક સરસ મુજરો મુબારક બેગમના કંઠમાં અહીં છે. પ્રમાદધન (રમેશ દેવ ) કોઠા પર જાય છે ત્યારે તવાયફ (મધુમતી ) નૃત્ય કરતાં ગાય છે - વાદા હમ સે કિયા દિલ કિસી કો દિયા... મધુમતીના ઠુમકાને સુપેરે રજૂ કરે એવા ફાસ્ટ કહેરવા તાલમાં મુજરો જમાવટ કરે છે.
એક ગીત મહેન્દ્ર કપૂરના ફાળે આવ્યું છે જે ટાઇટલ (કલાકારો અને કસબીઓનાં નામ સાથે) રજૂ થાય છે. સૌ સાલ પહલે કી બાત હૈ, ભારત કે એક પરિવાર મેં .. આ ગીત નાંદી પ્રકારનું છે. ફિલ્મની કથાના પ્રસ્તાવના રૂપે મૂકાયું હોય એવું લાગે છે, કથાનો સાર બે ચાર પંક્તિમાં રજૂ થતો હોય એવી છાપ પાડે છે.
આ ફિલ્મ હિટ થવામાં સંગીતનો માતબર ફાળો ગણવો જોઇએ કારણ કે સરસ્વતીચંદ્ર નવલકથા દેશની સંખ્યાબંધ ભાષા બોલતા વિવિધ કોમ જાતિના લોકો માટે બહુ જાણીતી નહોતી એમ કહી શકાય.
વાહ! અતિસુંદર લેખ.
ReplyDelete