સંજય લીલા ભણસાલીએ પોતાની એક ફિલ્મમાં રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીનું એક ગીત મન મોર બની થનગાટ કરે... ઓસમાણ મીરના કંઠે ગવડાવ્યું ત્યારે ચારેકોર મેઘાણી-મેઘાણી થઇ ગયેલું. સુગમ સંગીતના મોટા ભાગના કાર્યક્રમોમાં આ ગીતની ફર્માયેશ થતી રહી છે. નાના મોટા દરેક કલાકાર યથાશક્તિ આ ગીતને રજૂ કરતા રહ્યા છે. વરસો પહેલાં આશિત દેસાઇના બુલંદ મધુર કંઠે આ ગીત ગૂંજતું થયું હતું. તમને યાદ હશે.
પરંતુ બહુ ઓછાને યાદ હશે કે અગાઉ પણ મેઘાણીના થોડાંક ગીતોએ ધરખમ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. એમાંય 1960ના દાયકામાં તો એક ગીતે રીતસર ડંકો વગડાવ્યો હતો. આ એ દિવસોની વાત છે જ્યારે ગુજરાતી લોકગીતો હેમુ ગઢવી અને રાજુલ મહેતાનાં કંઠે ઘરે ઘરે ગૂંજતાં હતાં. હેમુ ગઢવીને કુદરતે વિશિષ્ટ અષાઢી કંઠ આપ્યો હતો. અથવા કહો કે એમના કંઠમાં ધરતીના ધાવણની સુગંધ હતી.
અખંડ સૌભાગ્યવતી ફિલ્મનાં ગીતોએ ધૂમ મચાવી એ પછી સંગીતકાર કલ્યાણજી આણંદજીને ત્યાં ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓની લાંબી લાઈન લાગી હતી. 1964-65ની આસપાસ આ બંને ભાઇઓ હિન્દી ફિલ્મોમાં એટલા બધા બીઝી હતા કે વધુ ગુજરાતી ફિલ્મો કરી શકે એમ નહોતા. આમ છતાં એકાદ બે ફિલ્મ તેમણે કરી અથવા કહો કે તેમને કરવી પડી.
લોકસાહિત્યકાર મનુભાઇ ગઢવીને કલ્યાણજી આણંદજી સાથે ઘર જેવા આત્મીય સંબંધો હતા. તેમણે પોતાની એક ફિલ્મ કરવા આ બંને ભાઇઓને પ્રેમથી મનાવી લીધા. કલ્યાણજી આણંદજીના નામે વધુ એક ગુજરાતી ફિલ્મ ચડી. આ ફિલ્મમાં પદ્મારાણી, દેવિકા રૉય, મનુભાઇ ગઢવી, અરવિંદ પંડ્યા, ચાંપશીભાઇ નાગડા, હિન્દી ફિલ્મોના કોમેડિયન આગા વગેરેની સાથે મનહર ઉધાસ પણ હતા.
એમ તો કારકિર્દીના આરંભે મૂકેશ અને તલત મહેમૂદે પણ અભિનયનો સ્વાદ લીધો હતો ને ! એ રીતે મનહરે મનુભાઇ ગઢવી સાથેના કૌટુંબિકં સંબંધોના પગલે આ ફિલ્મમાં એક ભૂમિકા કરી હતી. પાછળથી મનહર ઉધાસ ટોચના પ્લેબેક સિંગર બની ગયા. ઘેઘુર કંઠ ધરાવદતા મૂકેશ વિેદેશમાં હતા ત્યારે કલ્યાણજી આણંદજીએ એક ગીત મનહરના કંઠમાં ગવડાવ્યું હતું. એ ગીત સાંભળીને મૂકેશે કહ્યું કે આ નવા ગાયકનો કંઠ સારો છે. એને તક આપો. આમ મનહર પ્લેબેક સિંગર બન્યા.
ગાયકોમાં લતા મંગેશકર, સુમન કલ્યાણપુર, કમલ બારોટ, મન્ના ડે, હેમુ ગઢવી, મનુભાઇ ગઢવી અને કોરસનો સમાવેશ થયો હતો. દૂહા છંદ ઉપરાંત એક હિન્દી સહિત કુલ 14 ગીતો હતાં અને બધાં ગીતો હિટ નીવડ્યાં હતાં. એમાં લોકસાહિત્યનો અનેરો રંગ હતો.
એ ફિલ્મનું નામ હતું કસુંબીનો રંગ. આમ તો આ ફિલ્મમાં હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર ઇન્દિવર, બલદેવ સિંઘ નરેલાનાં ગીતો હતાં. સાથોસાથ મનુભાઇ ગઢવીનાં ગીતો પણ હતાં.
ઉપરાંત ઝવેરચંદ મેઘાણીનું હવે જગવિખ્યાત થઇ ચૂકેલું ગીત પણ હતું. એ ગીતનું મુખડું વાંચતાં જ તમને ગીત યાદ આવી જશે.
‘જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં પીધો કસુંબીનો રંગ, બહેનીના હોઠે નીતરતા હાલરડામાં ચાખ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...’ હિન્દી ફિલ્મોમાં શંકર જયકિસનથી માંડીને મોટા ભાગના સંગીતકારોની લાડકી સદા સુહાગન રાગિણી ભૈરવીમાં કલ્યાણજીભાઇએ એની બંદિશ તૈયાર કરેલી. વિઘ્નસંતોષીઓ એમ પણ કહે છે કે આ બંદિશ તો ખુદ મેઘાણીભાઇએ ગાઇ હતી. ખેર, આપણે ગોસિપ કે વિવાદમાં પડવું નથી. ખરા અર્થમાં આષાઢી કંઠ ધરાવતા હેમુ ગઢવી અને કોરસના કંઠે આ ગીત રજૂ થયેલું.
આ ગીતે 99 ટકા ગાયકો-સંગીતકારોને કસુંબીના રંગે રંગી નાખ્યા. અવિનાશભાઇના સંખ્યાબંધ ગીતોની જેમ આ ગીતે પણ દુનિયાભરના ગુજરાતીઓને ઘેલું લગાડ્યું. દેશમાં કે પરદેશમાં જ્યાં જ્યાં લોકસાહિત્યનો ડાયરો કે સુગમ સંગીતના કાર્યક્રમો થાય ત્યાં આ ગીત મસ્ટ બની રહ્યું. અત્યાર સુધીમાં નહીં નહીં તોય લાખેક વખત આ ગીત ગવાયું હશે. રાષ્ટ્રીય ભાવનાના ગીતોમાં મેરા રંગ દે બસંતી ચોલા માઇ...અનિવાર્ય બની ગયું છે એમ ગુજરાતી લોકસાહિત્યના અને સુગમ સંગીતના પ્રોગ્રામ્સમાં આ ગીત વગર ઓડિયન્સને સોરવતું નથી એમ લોકબોલીમાં કહેવાય છે. આ ગીતની જુદા જુદા ગાયકોના કંઠે એક કરતાં વધુ રેકર્ડસ્, કેસેટ્સ અને સીડી ઊતરી છે અને ભવિષ્યમાં પણ ઊતરતી રહેશે. ઝવેરચંદ મેઘાણીનાં બીજાં પણ કેટલાંક ગીતો લોકપ્રિય થયાં છે. પરંતુ કસુંબીનો રંગ અને મન મોર બની થનગાટ કરે...ની લોકપ્રિયતા આજ સુધી અજોડ રહી છે.
Comments
Post a Comment