1957-58માં પહેલાં એકલે હાથે અને પછી નાનાભાઇની સંગાથે સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરનારા કલ્યાણજી આણંદજીની કારકિર્દીનો સુવર્ણકાળ 1970માં સર્જાયો. યોગાનુયોગે આ જ સમયગાળામાં આરાધના પછી રાજેશ ખન્નાનો પણ સુવર્ણકાળ સર્જાયો અને યોગાનુયોગે કલ્યાણજી આણંદજીની સાથોસાથ 1972-73માં પ્રકાશ મહેરાની જંજિર સાથે અમિતાભ બચ્ચનનો યુગ પણ શરૂ થયો.
આપણે કલ્યાણજી આણંદજીની વાત આગળ વધારીએ. 1970ના વર્ષમાં આ સંગીતકાર બેલડીની પૂરી દસ ફિલ્મો આવી જેમાંની આઠ ફિલ્મોએ રજય જયંતી ઊજવી અને એક ફિલ્મે સુવર્ણ જયંતી ઊજવી. દસમાંની મોટા ભાગની ફિલ્મો હિટ નીવડી. એમાંની પણ કેટલીક ફિલ્મો મોટા સર્જકોની હતી.
માત્ર બે ચાર નામ લઇએ તો ગુલશન રાયની ફિલ્મ જ્હોની મેરા નામ (ડાયરેક્ટર વિજય આનંદ), એ ભીમસિંઘની ફિલ્મ ગોપી (હીરો દિલીપ કુમાર) ગોવિંદ સરૈયાની પ્રિયા, મનમોહન દેસાઇની રાજેશ ખન્નાને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ સચ્ચાજૂઠા, મનોજ કુમારની પૂરબ ઔર પશ્ચિમ, આસિત સેનની રાજેશ ખન્નાને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ સફર....
આમાંની પૂરબ ઔર પશ્ચિમ ફિલ્મે સુવર્ણ જયંતી ઊજવી, દસમાંની છ ફિલ્મોએ રજત જયંતી ઊજવી. આવી ફિલ્મોમાં ગીત, ગોપી, જ્હોની મેરા નામ, સચ્ચા જૂઠા, સફર અને યાદગાર ફિલ્મોનો સમાવેશ હતો. જૂનાં યાદગાર ગીતોના અભ્યાસી શાર્દૂલ મઝુમદારે કરેલા સૂચન મુજબ આપણે ગરવા ગુજરાતી ફિલ્મ સર્જક સરસ્વતીચંદ્ર ફેમ ગોવિંદ સરૈયાની ફિલ્મ પ્રિયાથી શુભારંભ કરીએ.
પ્રિયા ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી નહોતી પરંતુ એનાં ગીત સંગીત સરસ હતાં. કમર જલાલાબાદી અને ઇન્દિવર વચ્ચે ગીતો વહેંચાઇ ગયાં હતાં. ગાયકોમાં એક નામ આણંદજી વીરજી શાહનું પણ ઉમેરાયું હતું. અહીં ફિલ્મનાં થોડાંક ગીતોની વાત કરીએ.
કૌટુંબિક કાવ્યો માટે પ્રસિદ્ધ આપણા કવિ બોટાદકરના અમર કાવ્ય જનનીની જોડ સખી નહીં જડે રે લોલ પરથી પ્રેરાઇને ઇન્દિવર પાસે લખાવાયેલું ગીત મીઠે મધુ સે મીઠી મીસરી રે લો, પર સબ સે મીઠે હૈં માં કે બોલ માં કે બોલ, રે સખી, માતા કી મમતા કા કોઇ નહીં મોલ...માં ઢોલ પર વગાડાયેલો હીંચ તાલ ભલભલાને પગથી ઠેકો આપવા મજબૂર કરે એવો છે. તર્જ ગુજરાતી લોકગીત જેવી છે.મૂકેશના ચાહકો માટે એક યાદગાર ગીત પહેલીવાર એકલા મૂકેશના અને બીજીવાર મૂકેશ ઉપરાંત આણંદજીભાઇના કંઠમાં માણવા જેવું છે. પહેલીવાર સંજીવકુમાર દોસ્તો સાથે હાર્મોનિયમ પર આ ગીત ગાય છે તો બીજીવાર તવાયફના કોઠામાં શરાબ પીતાં પીતાં ગાય છે એવું ફિલ્માંકન છે. ગીતના શબ્દો છે- હમ સે કિયા હૈ સબને દિખાવા, કોઇ હમારા યાર નહીં, યા હમેં ના પ્યાર કરના આયા યા દુનિયા મેં પ્યાર નહીં...
ગાંધીજીના ત્રણ મર્કટના પ્રતીક પર આધારિત ગીત કમર જલાલાબાદીએ રચ્યું છે- મહેન્દ્ર કપૂર, કમલ બારોટ અને સી આનંદ કુમારના કંઠે રજૂ થતા આ ગીતનું મુખડું છે સુન સુન સુન બૂરા, ના દેખ દેખ દેખ બૂરા, ના બોલ બોલ બોલ બૂરા... આ ગીત પરદા પર માણવા જેવું બન્યું હતું. હોટલ કે ક્લબમાં ઓરકેસ્ટ્રા સાથે ડાન્સ સોંગ તરીકે રજૂ કરાયું હતું.
એ જ રીતે એક ગીત સરખે સરખી ઉંમરના યુવાનો ઓરકેસ્ટ્રા સાથે ગાય છે. અભિનેત્રી તનુજાને જોઇને આ યુવાનો ઘેલા થતા હોય એવું ગીત પણ કમર જલાલાબાદીની રચના છે. શી ઇઝ વેરી પ્રેટ્ટી... મુખડું ધરાવતું આ ગીત પણ ડાન્સ ગીત છે.
સ્વતંત્રતાને નામે સ્વચ્છંદી બની ગયેલી એક યુવતી માટે રચાયેલું ગીત એટલે ઓ મેરી મા તૂને ક્યોં ભેજા સસુરાલ હાય મૈં મર ગઇ... તનૂજા અને સખીઓ પર ફિલ્માવેલું છે. આ ગીત આશા ભોંસલેના કંઠમાં છે.
આરંભે કહ્યું એમ પ્રિયા ફિલ્મને ધરખમ સફળતા મળી નહોતી. સરસ્વતીચંદ્રને મળેલી એવી લોકપ્રિયતા આ ફિલ્મને ન મળી. પરંતુ સંગીતની દ્રષ્ટિએ જોઇએ તો કલ્યાણજી આણંદજીને સારી કામિયાબી મળી હતી.
એક અભિપ્રાય મુજબ મૂળ આ ફિલ્મ કેરળમાં મલયાલમ ભાષામાં એજ ટાઇટલ પ્રિયાના નામે બની હતી અને મલયાલમ ફિલ્મ હિટ નીવડી હતી. એને કેરળ સરકારના બબ્બે એવોર્ડ પણ મળ્યા હતા. જો કે સાઉથની દરેક ફિલ્મના હિન્દી રૂપાંતરને સફળતા મળતી નથી એ પણ હકીકત છે.
Comments
Post a Comment