સરસ છટાદાર પાટલી વાળેલું ધોતિયું પહેરવાની કલા વિસરાઇ રહી છે ?

 


ગુજરાતી ભાષાના સમર્થ સાહિત્યકાર કનૈયાલાલ મુનશીને જોયા છે ? મૂ્ર્ધન્ય કવિ ઉમાશંકર ને નજીકથી નિહાળ્યા છે ? ન જોયા હોય તો કદાચ, તમને આ વાત સહેલાઇથી સમજાશે નહીં. માત્ર ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન- આ દરેક રાજ્યના દરેક સમાજ અને જ્ઞાતિ-જાતિમાં જુદી જુદી રીતે ધોતિયું પહેરવાની એક વિશિષ્ટતા છે. 

વાત ફક્ત ગુજરાત પૂરતી રાખીએ તો મોટા ભાગના  બ્રાહ્મણ પરિવારો અને ખાસ તો નાગર બ્રાહ્મણોની પાટલીદાર ધોતિયું પહેરવાની પરંપરા ઘણે અંશે આજેય ટકી રહી છે. બંગાળી પ્રજાની કલાત્મક રીતે ધોતિયું પહેરવાની પરંપરા પણ હજુ ઘણે અંશે ટકી રહી છે. 

પરંતુ તાજેતરમાં એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું. જામનગર જિલ્લાના એક ગામે કૂળદેવીને વંદન કરવા જવાની તક મળી. સવાર સાંજ બે નોખા નોખા પૂજારી આરતી કરવા આવ્યા. બંનેએ નાડીવાળાં રેડિમેડ ધોતિયાં પહેર્યાં હતાં. એ જોઇને રમૂજ સાથે આઘાત અનુભવ્યો. ભૂદેવ અને ધોતિયું પહેરવાની આળસ ? કે પછી પહેરવાની કલા વિસરી ગયા છે ? હજુ હમણાં સુધી એવી માન્યતા હતી કે ધોતિયું પહેરવાની કલામાં ભૂદેવોને કોઇ ન પહોંચે. ચોર્યાસી પેટાજ્ઞાતિઓ ધરાવતા ભૂદેવોની દરેક જ્ઞાતિ કે વાડાની ધોતિયું પહેરવાની છટા અલગ રહી છે. 

ધોતિયું, અબોટિયું, પીતાંબર વગેરે શબ્દો વિવિધ પ્રકારનાં ધોતિયાં માટે વપરાય છે. પર્ંતુ કૂળદેવીને ત્યાં બ્રહ્મભોજન માટે પધારેલા સોએ સો ટકા ભૂદેવો પેન્ટ-શર્ટમાં સજ્જ હતા. એ જોઇને મનમાં થયું કે ધોતિયું કે અબોટિયું પહેરવાની કલા લુપ્ત થઇ રહી છે કે શું ? શૈવ અને શક્તિ સંપ્રદાય ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયમાં પણ ધોતયું કે પીચાંબર પહેરવાનો અનેરો મહિમા રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ, શ્રીનાથજી બાવા, ભગવાન સ્વામીનારાયણ અને ભોળાનાથ શંભુને તમે ધોતિયાં સિવાય કલ્પની પણ ન શકો. 

ધોતિયા જેવો જ ઔર એક મુદ્દો મનમાં બહુ ચચર્યો. અહીં સમજપૂર્વક ‘ચચર્યો’ શબ્દ વાપર્યો છે. છેક મહાભારતના વિરાટપર્વથી એક અનોખી પરંપરા ચાલી આવે છે. ગાયોને લૂંટી જનારા સામે લડનારા વીર પુરુષોની કથા સદૈવ રસિક રહી છે. કોઇ પણ જ્ઞાતિ-જાતિની બહેન-દીકરીની ઇજ્જત બચાવવા જાનના જોખમે લડનારા વીરોની કથા પણ સતત પ્રેરણાદાયી રહી છે. રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં આવા અનેક વીરોને મુક્ત કંઠે બિરદાવ્યા છે. અનેક સત્યઘટનાઓ વર્ણવી છે. માથું પડે પછી પણ ધડ લડતું રહે જેવી અસંખ્ય ઘટનાઓ બની છે. એવા ધડને કબંધ કહે છે. કેટલાક કિસ્સામાં તો માથા વિનાના ધડે ગાઉઓ દૂર સુધી તલવાર સાથે દોડ્યા છે અને લૂંટારાઓને હંફાવ્યા છે. 

ગુજરાત પૂરતી વાત કરીએ તો દરેક પ્રદેશમાં જે તે નરબંકાઓની સ્મૃતિમાં પાળિયા, ખાંભી કે સમાધિ પૂજાય છે. બોલચાલની ભાષામાં એમને ‘શૂરા પૂરા’ તરીકે બિરદાવવામાં આવે છે.

જામનગર જિલ્લાના જે ગામની મુલાકાત લીધી ત્યાં પણ કેટલાક વીર પુરુષોની સમાધિ છે. આઘાતનજક વાત એ કે દરેક સ્થળે શૂરા પૂરાને બદલે ‘સુરાપુરા’ લખાયેલું છે. સંસ્કૃતમાં સુરાનો અર્થ શરાબ થાય છે. ગોધન કે બહેન દીકરી માટે શહીદ થનારા શૂરા પૂરાને સુરા (શરાબપાનમાં ચકચુર એવા ) પુરા તરીકે ઓળખાવવાનો અક્ષમ્ય અપરાધ કેમ ચલાવી લેવાય છે એ સમજાયું નહીં. એક વડીલે કહ્યું કે અમે પૂરતી તપાસ કરાવી છે. તમામ સમાધિ પર સુરાપુરા જ લખેલું છે. અર્થાત્ યહ સબ આગુ સે ચલી આતી હૈ.

વાસ્તવમાં જ્ઞાતિના ગોરબાપાએ આ ગંભીર હકીકતદોષ તરફ જે તે જ્ઞાતિના મોવડીઓનું ધ્યાન ખેંચવું જોઇએ કે ભાઇ, આ બહાદૂર શહીદો માટે ‘શૂરા પૂરા’ શબ્દ હોવો ઘટે, ‘સુરાપુરા’ નહીં. આ વાંચનારા તમામ વાચકરાજ્જાને આગ્રહભર્યો અનુરોધ છે. દરેક જ્ઞાતિજન આ શબ્દપ્રયોગ સુધરાવીને શહીદોનું માન જાળવે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો બાપલા !

Comments

Post a Comment