ઔર એક નવા ફિલ્મ સર્જકને બ્રેક આપ્યો, પોતાના સુપરહિટ સંગીત દ્વારા...


આજના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને રાતોરાત એંગ્રી યંગ મેન તરીકે સ્થાપિત કરવામાં ફિલ્મ સર્જક પ્રકાશ મહેરા નિમિત્ત બન્યા હતા. જંજિર ફિલ્મથી રાતોરાત અમિતાભ રાજેશ ખન્નાને ખસેડીને સુપર સ્ટાર બની ગયા હતા. એ પ્રકાશ મહેરાને સફળ ફિલ્મ સર્જક બનાવવામાં સંગીતકાર કલ્યાણજી આણંદજી નિમિત્ત બન્યા હતા. 

છલિયાથી મનમોહન દેસાઇને સફળ નિર્દેશક બનાવ્યા, દિલ બી તેરા હમ ભી તેરેથી અર્જુન હિંગોરાણીને સફળ ફિલ્મ સર્જક બનાવ્યા એમ પ્રકાશ મહેરાને 1968માં રજૂ થયેલી ફિલ્મ હસીના માન જાયેગીથી કલ્યાણજી આણંદજીએ મોટો બ્રેક આપ્યો.

હસીના માન જાયેગીથી કલ્યાણજી આણંદજી અને શશી કપૂર ફરી ભેગા થયા. જો કે અહીં શશી કપૂર સાથે નંદા નહોતી, બબીતા અને અમીતા હતી. બે હીરોઇન રાખવા પાછળનું કારણ એ કે અહીં શશી કપૂર ડબલ રોલમાં છે. ફિલ્મની કથા કેટલેક અંશે દેવ આનંદને ડબલ રોલમાં ચમકાવતી ફિલ્મ હમ દોનોં જેવી છે.  

ઔર એક આડવાત. શંકર જયકિસનનાં મોટા ભાગનાં સ્વરાંકનો ભૈરવી અને શિવરંજનીમાં છે. એવી કલ્યાણજી આણંદજીની કોઇ ઓળખ આપવી હોય તો કર્ણાટક સંગીતના રાગ ચારુકેશીને યાદ કરવો પડે. 

અગાઉ કહેલું એમ આપણી દસ થાટ પદ્ધતિના કોઇ થાટમાં આ રાગ ફિટ થતો નથી. એમાં ધ અને ની કોમળ આવે છે. ચારુકેશીમાં સંખ્યા અને યાદગાર બંને દ્રષ્ટિએ સૌથી વધુ ગીતો કલ્યાણજી આણંદજીએ આપ્યાં છે. અગાઉ હિમાલય કી ગોદ મેં ફિલ્મમાં એક સાથે બે ગીતો ચારુકેશીમાં આપેલાં- એક તૂ જો મિલા... અને એક તૂ ના મિલા... 

હસીના માન જાયેગીમાં પણ સૌથી હિટ ગણાયેલું ગીત રાગ ચારુકેશીમાં છે. અખ્તર રુમાનીના શબ્દોને લતા અને મુહમ્મદ રફીએ ગાયું છે. એ સુપરહિટ ગીતનું મુખડું છે- ’બેખુદી મેં સનમ, ઊઠ ગયે જો કદમ, આ ગયે પાસ હમ આ ગયે પાસ હમ...‘ ગીતની તર્જ અને સંપૂર્ણ ઓરકેસ્ટ્રેશન અવ્વલ દરજ્જાનાં છે.

 


આમ તો આ ફિલ્મનાં બધાં ગીતો હિટ હતાં પરંતુ આ ગીતે તો રીતસર તહલકો મચાવ્યો હતો. અખ્તર રુમાનીની ઔર એક રચના મુહમ્મદ રફીના કંઠમાં છે. કથાનાયક પિયાનો પર બેસીને ગાય છે- ‘ચલે થે સાથ મિલ કે, ચલેંગે સાથ મિલ કે, તુમ્હેં રુકના પડેગા મેરી આવાઝ સુનકર...’  આ ગીતમાં પિયાનો અને સંખ્યાબંધ વાયોલિન ગીતને ઝમકદાર બનાવે છે. સૌમ્ય કહરવા તાલમાં ગીત કર્ણપ્રિય બન્યું છે.

એક ગીત પ્રકાશ મહેરાએ પોતે લખ્યું છે. છેડછાડ ટાઇપનું ગીત છે. બબીતા અને શશી કપૂર બંને ખુલ્લી કારમાં જઇ રહ્યાં છે ત્યારે બબીતાને છેડતાં શશી આ ગીત ગાય છે. મુહમ્મદ રફીએ ગાયેલું આ ગીત ફાસ્ટ ટેમ્પોમાં છે. મુખડું છે ઓ દિલબર જાનિયે, તેરે હૈં હમ તેરે, છૂપા લેંગે ઇન આંખોં મેં સનમ, હમ ગમ તેરે...

એક રમૂજી ગીત અહીં અમિતા અને જ્હોની વોકર પર ફિલ્માવાયું છે. કમર જલાલાબાદીના શબ્દોને આશા ભોંસલે અને મન્ના ડેએ જમાવ્યા છે. મેરે મહેબૂબ મુઝ કો તૂ ઇતના બતા, મૈં કંવારા મરુંગા યા શાદીશૂદા.. શબ્દો સાથે દૂધમાં સાકર ભળે એમ શબ્દો ભળી જાય છે. ગીત પરદા પર માણવું ગમે એટલુંજ ઓડિયોમાં પણ માણવા જેવું બન્યું છે.

ઔર એક હળવું ગીત પ્રકાશ મહેરાએ લખ્યું છે. બગીચામાં બેઠેલા કોલેજિયનો સમક્ષ શશી કપૂર કન્યાઓ કેટલા પ્રકારની હોય છે એનું વર્ણન કરતું ગીત ગાય છે. મુહમ્મદ રફીએ ગાયેલું એ ગીત એટલે સુનો સુનો કન્યાઓં કા વર્ણન કરતા હૈ જ્ઞાની, હોતી હૈ યહ ચાર કિસ્મ કી સુનો મેરી જુબાની... ખાસ્સા ફાસ્ટ ટેમ્પોમાં આ ગીતમાં રફીના કંઠની બુલંદી તેમજ મધુરતા બંને નીખર્યાં છે. 

દિલબર દિલબર  કહતે કહતે હુઆ દિવાના, આંખ મેં મેરી ઝાંક કે દેખો જાન-એ-જાનાં... કમર જલાલાબાદીના ગીતને રફી અને લતાએ આસ્વાદ્ય બનાવ્યું છે. આ એક અલ્લડ રોમાન્ટિક ગીત છે. 

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધીકતી કમાણી કરી નહોતી અને છતાં પહેલી દસ ફિલ્મોમાં એનો નવમો નંબર આવ્યો હતો. આમ થવામાં સંગીતનો માતબર ફાળો હતો એમ કહી શકાય.


Comments