જ્ઞાન અને માહિતી વચ્ચે ‘પાપડથીન’ તફાવત છે, જિજ્ઞાસા વિકસવી જોઇએ ...!


સ્વાનુભવો દ્વારા સર્જાયેલી સંતવાણીમાં સનાતન સત્ય હોય છે. પ્રશ્નોત્તર પ્રકારનો એક દોહો છે- ‘જલ સે પતલા કૌન હૈ, કૌન ભૂમિ સે ભારી, કૌન અગન સે તેજ હૈ, કૌન કાજલ સે કારી..’ જવાબમાં કહ્યું, ‘જલ સે પતલા જ્ઞાન હૈ, પાપ ભૂમિ સે ભારી, ક્રોધ અગન સે તેજ હૈ ઔર કલંક કાજલ સે કારી...’

ઘણા લોકો સામી વ્યક્તિને બિરદાવતાં કેટલીક વાર કહે છે, તમારું ફલાણા વિષયનું જ્ઞાન બહુ છે હોં... સમજુ વ્યક્તિ આવું સાંભળીને વિવેક ખાતર મલકી લે છે. પરંતુ મનોમન સમજે છે કે બોલનારને જ્ઞાન અને માહિતી વચ્ચેનો તફાવત ખબર નથી. અંગ્રેજીમાં વેફરથીન શબ્દ છે. આપણે પાપડથીન કહીએ કારણ કે વેફર કરતાં પાપડ વધુ પાતળા હોય છે.

પોતાના રોજબરોજના કામકાજમાં જે વિષયની જરૂર રહેતી હોય એની પૂરતી માહિતી દરેક વ્યક્તિ હાથવગી રાખે છે. કાપડના વેપારીને કાપડની માહિતી હોય અને કાગળના વેપારીને કાગળની માહિતી હોય. એ જ્ઞાન નથી. વાસ્તવમાં આજે તો જ્ઞાનની ક્ષિતિજો રોજે રોજ નવાં નવાં પરિમાણો સિદ્ધ કરી રહી છે.

એક દાખલો લ્યો. આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં પેટમાં દુઃખે, આંખમાં ઝોકો વાગે, રમતાં રમતાં પડી જવાય તો આપણે ફેમિલી ડોક્ટર પાસે દોડી જતા. આજે દરેક અવયવના સ્પેશિયલિસ્ટ ડોક્ટર છે. એમાંય મલ્ટિ-સ્પેશિયાલિટી આવી ગઇ છે. આંખની વાત કરો તો નેત્રમણી (કોર્નિયા)ના નિષ્ણાત જુદા, ભ્રમરના ડોક્ટર જુદા, પાંપણના ડોક્ટર જુદા. આવતી કાલે નેત્રમણીના સફેદ હિસ્સાના જુદા અને કાળા હિસ્સાના જુદા ડોક્ટર હોવાનું જાણવા મળે તો નવાઉ નહીં પામતા.



જ્ઞાનની ક્ષિતિજો પ્રકાશની ઝડપે નવાં નવાં પરિમાણ સિદ્ધ કરી રહી છે. ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે જે ઝડપે નવી નવી વિગતો આપણી સમક્ષ આવી રહી છે એ દિગ્મૂઢ કરી દે એવી છે. આવું લગભગ દરેક વિદ્યાશાખામાં બની રહ્યું છે. એટલે જ શિક્ષકો તથા અધ્યાપકો ઉપરાંત સામાન્ય માણસે પણ નીત નવું નવું શીખવાની તૈયારી રાખવી જોઇએ.

કવિવર રવીન્દ્રનાથ ઠાકુર (ટાગોર) તો કહેતા કે માણસે અંતિમ શ્વાસ લગી કંઇક શીખતાં રહેવું જોઇએ. ગાંધીજી 66 વર્ષની ઉંમરે સિંધી બોલતાં સમજતાં શીખ્યા હતા. એ સિંધના પ્રવાસે જવાના હતા એટલે સિંધી ભાષા શીખવી જરૂરી લાગી હતી.

રવીન્દ્રનાથ જેવું જ કંઇક જરા જુદા અર્થમાં આપણા સદ્ગત રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ  કલામે ચોક્કસ સંદર્ભમા કહ્યું હતું કે તમારામાં નાના બાળક જેવું કુતૂહલ હોવું જોઇએ તો જ તમે સમયની સાથે વિસ્તરતી જ્ઞાનની ક્ષિતિજોને સમજી શકો. ન સમજાયું હોય તો વાંચો ફરીથી. નાના બાળક જેવું કુતૂહલ. તમારી આસપાસ પ્રતિ ક્ષણે એટલું બધું પરિવર્તન થયા કરે છે કે જેનો પાર પામવો મુશ્કેલ છે. તમારી જિજ્ઞાસા જેટલી વધુ એટલા તમે વર્તમાનની સાથે સમૃદ્ધપણે જીવી શકો. શાંતિથી વિચારજો.

ઘણાં માતાપિતા કહે છે, અમે ભણતાં હતાં ત્યારે ગણિતનો વિષય આવો નહોતો. એ દર્શાવે છે કે ગણિત શીખવવાની પદ્ધતિમાં અને ગણિતના અભ્યાસક્મમાં થયેલા સમયોચિત ફેરફારોથી તમે અજાણ છો. તમે સંતાનને ભણવામાં સહાય ન કરી શકો એટલે એણે કોચિંગ ક્લાસ જોઇન કરવા પડે. તમારા સંતાનને ભણવામાં મદદ કરવી હોય તો તમારે શિક્ષણની બદલાતી તરેહ સાથે કદમ મિલાવતાં રહેવું પડે.

વિઘ્નહર્તા ગણપતિના વ્યક્તિત્વને સમજાવતાં એટલે જ વિદ્વાનો કહે છે કે ગણેશજીના બે દંતૂશળ છે. એક ખોડો છે અને બીજો આખો છે. આખો દંતૂશળ મેધા કે બુદ્ધિનો છે. બીજો ખોડો દંતૂશળ છે એ જ્ઞાનનો છે. બુદ્ધિ પૂર્ણ હોઇ શકે. કોઇ પણ વ્યક્તિમાં જ્ઞાન કદી પૂર્ણ હોઇ શકે નહીં. પૂર્ણ જ્ઞાની હોવાનો દાવો કરનાર દંભી કે બડાઇખોર હોઇ શકે. 

તમારામાં બાળક જેવું અને જેટલું કુતૂહલ છે કે નહીં એ તમે જાતે નક્કી કરજો. નવું નવું જાણવાની વૃત્તિ જેમ જેમ વિકસતી જશે તેમ તેમ તમારા વ્યક્તિત્વમાં અને વિચારોમાં પણ એક પ્રકારની સમૃદ્ધિ વધતી જશે.


Comments