કોઇ પણ રહસ્ય ફિલ્મમાં રહસ્યને વધુ સઘન બનાવવા મોટે ભાગે સંગીતનો આશ્રય લેવામાં આવતો હોય છે. વહ કૌન થી ફિલ્મમાં નૈના બરસે રિમઝિમ રિમઝિમ ગીત હતું તો બીસ સાલ બાદમાં કહીં દીપ જલે કહીં દિલ ગીત હતું. એવોજ એક પ્રયોગ ફિલ્મ રાઝમાં પણ ડાયરેક્ટરે કર્યો છે.
રાઝની કથાનો ઉલ્લેખ કરતી વખતે તમને કહેલું કે વિદેશમાં વસતા એક યુવાનને નિયમિત એક સપનું આવે છે કે પોતે વીરાન નગર નામના રેલવે સ્ટેશન પર ઊભો છે.
એ પોતાના દોસ્તને લઇને ભારતમાં આવે છે. અહીં એને એક યુવતીની મુલાકાત થાય છે. આ યુવાન શરૂમાં એને ઓળખતો નથી. વાર્તા આગળ વધે ત્યારે યુવાન એના પ્રેમમાં પડી જાય છે.
નાયિકા દ્વારા યુવાનને આકર્ષવા અને અલબત્ત, રહસ્ય વધારવા એક ગીત પેશ થાય છે.
રાજા મહેંદી અલી ખાને રચેલું એ ગીત કૃષ્ણા કલ્લેના સ્વરમાં છે. એ ગીત એટલે ‘પ્યાર ને દી સદા તુમ કો આના પડા, સૌ જન્મ કા યે નાતા નિભાના પડા...’ અભિનેત્રી બબીતા પર ફિલ્વામાયેલા આ ગીતમાં રાજેશ ખન્ના ચહેરા પર મૂંઝવણ લઇને ફરતો દેખાડાયો છે.
શબ્દો અને તર્જ સરસ રીતે એક થઇ જાય છે. અંતરામાં કહ્યું છે-‘ઇતની બડી દુનિયા મેં તુમ ખોયે થે કહાં, જાને કિતની રાતેં તડપે હૈં યહાં, શમા કો આંધિયોં મેં જલાના પડા, સૌન જન્મ કા નાતા નિભાના પડા..’
જો કે આ લેખકના મતે ફિલ્મનું સૌથી સરસ ગીત એક ડ્યુએટ છે. કલ્યાણજી આણંદજીએ અગાઉ ધર્મેન્દ્ર માટે દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મમાં અને મનોજ કુમાર માટે ફિલ્મ હિમાલય કી ગોદ મેંમાં મૂકેશનો કંઠ વાપર્યો હતો. અહીં રાજેશ ખન્ના માટે મૂકેશનો કંઠ લીધો છે. ખૂબ હૃદયસ્પર્શી એક યુગલ ગીત છે.
લતા અને મૂકેશને ગાયેલા આ ગીતમાં ગુલશન બાવરાએ નાયક-નાયિકાનો સંવાદ રચ્યો છે. મુખડું છે- ‘દિલ સંભાલે સંભલતા નહીં આજ તો, પાસ આને કી દે દો ઇજાજત હમેં,’ જવાબમાં નાયિકા કહે છે- ‘દેખિયે યે હસીં શામ ઢલને કો હૈ, અબ તો જાને કી દે દો ઇજાજત હમેં...’
રહસ્ય ફિલ્મમાં વચ્ચે થોડી હળવાશ લાવવા માટે કોમેડિયન આઇ એસ જોહરનો ઉપયોગ કર્યો છે. ફિલ્મ મુઘલે આઝમના યાદગાર ગીત જબ પ્યાર કિયા તો ડરના ક્યાની મૂળ તર્જને યથાવત્ રાખીને કમર જલાલાબાદીએ અહીં એક રમૂજી ગીત આપ્યું છે. આ એક પેરોડી છે. ‘પ્યાર કિયા તો મરના ક્યા જબ પ્યાર કિયા તો મરના ક્યોં, પ્યાર કિયા કોઇ જંગ નહીં કી, છોરિયોં સે ફિર લડના ક્યોં... ’ આ ગીત જોહર પર ફિલ્માવાયું છે. યુ ટ્યુબ પર એનો વિડિયો માણવા જેવો છે. ગીતની મજા વિશે અહી કહી દેવાથી મજા મરી જશે.
આ ગીતને કંઠ મન્ના ડેનો મળ્યો છે. કમર જલાલાબાદીએ મૂળ શબ્દોમાં ફેરફાર કરીને સરસ રમૂજ ઉપજાવી છે. અંતરામાં કહે છે ‘ આજ ખેલેંગે અપના ફસાના, ફિલ્મ બના લે ચાહે જમાના, મૌત મેરી ક્યોં દુનિયા દેખે, મૌત સે પહલે મરના ક્યોં...’ વચ્ચે એકાદ પંક્તિ અંગ્રેજીમાં પણ મૂકી છે.
મન્ના ડેને ઔર એક ગીત મળ્યું છે. એ પણ રમૂજી રચના છે. નૂર દેવાસીના શબ્દો છે. સંગીતકારોએ આ ગીતને પણ મસ્ત બનાવ્યું છે. ‘પોપટ હું મૈં પ્યાર કા, આશિક હું સરકાર કા, છૂટ્ટી હૈ હર બાત કી ઔર દિન ભી હૈ ઇતવાર કા...’ શબ્દોને મન્ના ડેએ સરસ રીતે જમાવ્યા છે.
રાઝ ફિલ્મે બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડી નહોતી પરંતુ એનું સંગીત ગાજ્યું હતું અને રાજેશ ખન્નાની કારકિર્દી ચાલી નીકળી હતી. ટૂંક સમયમાં એ ટોચનો કલાકાર બની ગયો હતો. એવી ધૂમ સફળતા બબીતાને મળી નહોતી.
Comments
Post a Comment