સમજો તો, માણસ સહિત જીવ માત્ર સર્જનહારનો સૌથી મોટો ચમત્કાર છે !

  


 અષાઢી એકાદશીએ દેવ પોઢી જાય છે અને કારતકી એકાદશીએ દેવ ઊઠે છે. આ એક સરસ કલ્પના છે. સદીઓથી ચાલી આવતી આ કલ્પના પાછળની કથા જે હોય તે, પરંતુ આ કલ્પનાને માનનારા સૌએ કુંભકર્ણને યાદ કરવો પડે. રામાયણમાં લંકેશ રાવણના આ ભાઇ વિશે રચયિતાએ લખ્યું છે કે એ છ મહિના ઊંઘતો અને છ મહિના જાગતો. તો પછી દેવ અને દાનવ બંનેની ઊંઘ સરખી કે ? આ વિચાર આવવા પાછળ એક સરસ નિમિત્ત છે.

પ્રખર અધ્યાત્મવાદી દિલીપકુમાર રોયે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે. એનું શીર્ષક છે- ‘ચમત્કારો આજે પણ બને છે.’ નિરીશ્વરવાદીઓ (રેશનાલિસ્ટ્સ) કહે છે કે વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યા કરી શકાય કે સમજાવી શકાય એ સાચો ચમત્કાર. બાકી ભગવાન-બગવાન જેવું કશું નથી. પણ ના, વિજ્ઞાનની ભાષામાં પણ ચમત્કાર તો થાય છે. ચમત્કારની દ્રષ્ટિએ સૌ પ્રથમ વિચાર માણસનો પડે. તમે પણ વિચારજો.

ખૂબ રસપ્રદ વાતો છે આ. માણો તમે પણ. રાત્રે માણસ ગાઢ ઊંઘમાં હોય ત્યારે પણ એનું હૃદય ધબકતું રહે છે, કિડની કામ કરતી રહે છે, મગજ સક્રિય હોય છે. કોઇ તમારા નામની બૂમ પાડે તો જવાબમાં અંદરથી કોઇ હોંકારો દે છે. સૌથી મહત્ત્વની વાત શ્વસનપ્રક્રિયા છે. 

અધ્યાત્મવાદીઓ અને સિદ્ધ પુરુષો પ્રાણાયમ દ્વારા પોતાના શ્વાસની ગતિ પર કાબુ મેળવી શકે છે પરંતુ કોઇ વ્યક્તિ પોતાના શ્વાસને અમુક મર્યાદાથી વધુ અટકાવી કે રોકી શકતો નથી. બાળક જન્મે કે તરત આપોઆપ શ્વસનક્રિયા શરૂ થઇ જાય છે. એના પર મારો કે તમારો કાબુ હોતો નથી. પ્રસંગોપાત્ શ્વસનક્રિયા ઝડપી કે ધીમી થઇ જાય છે. ગાઢ ઊંઘમાં કે સઘન ધ્યાન (મેડિટેશન)માં શ્વાસ એકદમ ધીમા હોય. ગુસ્સે થાઓ ત્યારે શ્વાસની ગતિ બદલાઇ જાય. સહશયન (સેક્સ) પહેલાં પણ શ્વાસની ગતિ બદલાઇ જાય, દોડીને આવો ત્યારે પણ શ્વાસની ગતિ જુદી હોય. ઔર એક વાત. આપણે સૌ મોં બંધ કરી શકીએ છીએ, આંખ બંધ કરી શકીએ છીએ, કાન બંધ કરી શકતા નથી. 


માણસને મળેલી ઔર બે અમૂલ્ય ભેટ એટલે બુદ્ધિ અને સ્મરણશક્તિ. સુખદ પ્રસંગો આપોઆપ યાદ રહી જાય છે. સારાનરસાનો વિચાર બુદ્ધિ દ્વારા કરી શકાય છે. આ નર્યો ચમત્કાર નથી, તો બીજું શું છે ?  માણસની તુલનાએ પશુપંખીમાં ઘણી મર્યાદાઓ છે. છતાં પશુપંખી પાસે પણ યાદશક્તિ હોય છે. તમારા પાળેલા કૂતરા કે બિલાડીને પાંચસો માઇલ દૂર મૂકી આવો, કોઇ દુર્ઘટના નહીં નડે તો બે ત્રણ માસમાં એ આપોઆપ તમારા ઘરે પાછાં આવી જશે. આ છે તેમની સ્મરણશક્તિ. 

પશુપંખીની વાત કરીએ ત્યારે બીજી પણ એક ખૂબી ધ્યાનમાં લેવી પડે. બુદ્ધિશાળી માણસ કરતાં એ જીવો પ્રકૃતિની વધુ નજીક છે. એેટલેજ કોઇ કુદરતી આપત્તિ આવવાની હોય ત્યારે માણસની પહેલાં પશુપંખીને જાણ થઇ જાય છે. એ તરત સાવચેત થઇ જાય છે. 2004ના ડિસેંબરમાં સુનામી ત્રાટકી ત્યારે અસંખ્ય પશુપંખીઓ તળેટીથી ખાસ્સા ઊંચા સ્થળે ચાલ્યાં ગયાં હતાં. પ્રકૃતિની નિકટતાની દ્રષ્ટિએ પશુપંખીઓ માણસ કરતાં ચઢિયાતાં ગણાય.

વાત ચમત્કારની હતી. શાંતિથી વિચારીએ તો જીવમાત્ર સર્જનહારનો સૌતી મોટો ચમત્કાર છે. દેવપોઢી અને દેવઊઠી એકાદશીની વાતો સરસ મજાની છે પરંતુ સર્જનહાર કદી સુવે ખરો ?

ન જ સુવે. એ પોઢી જાય તો કદાચ સૂર્ય અને ચંદ્ર પોતાનાં દૈનિક કાર્યો ભૂલી જાય, ઋતુઓનું પરિવર્તન અટકી જાય, વૃક્ષ-વનસ્પતિની વૃદ્ધિ અવરોધાઇ જાય. કહેવાનું તાત્પર્ય એ કે આપણે પોત્તે સર્જનહારે સર્જેલો હરતો ફરતો ચમત્કાર છીએ. તમારી મરજી હોય તો પ્રાર્થના દ્વારા એને થેંક્સ કહી શકો છો.

-------------


Comments

Post a Comment