દિવાળી પછીના આજના પહેલા શુક્રવારે સંગીતકાર કલ્યાણજી આણંદજીના સંગીતની વીતેલી વાતનું વિહંગાવલોકન કરીએ. ફિલ્મ સર્જક સુભાષ દેસાઇની ફિલ્મ સમ્રાટ ચંદ્રગુપ્તથી કલ્યાણજી વીરજી શાહે કારકિર્દીનો આરંભ કર્યો. ફિલ્મનાં ગીતો ગાજ્યાં. આણંદજીભાઇએ થોડીક ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા.
રાજ કપૂરને હીરો તરીકે લઇને કલ્યાણજી આણંદજીના સંગીતમાં ફિલ્મ છલિયા દ્વારા મનમોહન દેસાઇએ ડાયરેક્ટર તરીકે શુભારંભ કર્યો. અર્જુન હિંગોરાણીએ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેમાં ધર્મેન્દ્રને હીરો તરીકે લઇને ફિલ્મ્ સર્જક તરીકેની પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. ધર્મેન્દ્રની પણ અભિનેતા તરીકે એ પહેલી ફિલ્મ.
શશી કપૂર અને નંદાની જબ જબ ફૂલ ખિલે ફિલ્મે રાતોરાત આ કચ્છી બંધુઓને ટોચના સંગીતકારોમાં મૂકી દીધા અને મનોજ કુમારની ઉપકાર ફિલ્મે સુવર્ણ જયંતી ઊજવી. મજાની વાત હવે આવે છે. ઉપકાર રજૂ થઇ ત્યારે લગભગ એ જ સમયગાળામાં ઔર એક નવા કલાકારને પરદા પર ચમકવાની તક મળી અને એમાં પણ સંગીત કલ્યાણજી આણંદજીનું હતું.
આપણા જૂના ને જાણીતા ફિલ્મ નિર્માતા જી પી સિપ્પી અને નિર્દેશક રવીન્દ્ર દવેએ આ થ્રીલર બનાવી હતી. વિદેશની ધરતી પર વસતા એક ભારતીય યુવાનને લગભગ રોજ એક સપનું આવે છે જેમાં એ પોતાને વિરાન નગર નામના રેલવે સ્ટેશન પર જુએ છે. આખરે એક દોસ્તને લઇને એ ભારત આવે છે ત્યારે એક યુવતીની મુલાકાત થાય છે. પછી શું થાય છે એ કહી દેવાથી રહસ્ય ફિલ્મની વાત ઊઘાડી પડી જાય.
એ યુવાન એટલે પાછળથી ફિલ્મ ઉદ્યોગના પહેલવહેલા સુપર સ્ટાર તરીકે ગાજેલો રાજેશ ખન્ના. ફિલ્મનું નામ રાઝ. આ નામે બીજી એક ફિલ્મ પણ 2003-04માં આવેલી. રાજેશ ખન્નાવાળી ફિલ્મમાં બબીતા હીરોઇન હતી. બબીતાની ઓળખાણ આજની પેઢીના ફિલ્મ રસિકને આજની ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાનની માતા તરીકે આપવો પડે.
અહીં એક સરસ આડવાત. દક્ષિણ મુંભઇના ઠાકોરદ્વાર પર આવેલી કલ્યાણજીભાઇના પિતા વીરજીભાઇની કરિયાણાની દુકાનની બરાબર સામે સરસ્વતી નિવાસ નામે બિલ્ડીંગ છે. આ બિલ્ડીંગમાં બીજે માળે આજે પણ ચુનીલાલ ખન્ના એન્ડ કંપનીનું બોર્ડ છે.
આ ચુનીલાલ ખન્ના એટલે જતીન ખન્ના ઉર્ફે રાજેશ ખન્નાના પાલક પિતા. કલ્યાણજી આણંદજી કારકિર્દીના આરંભના દિવસોમાં સરસ્વતી નિવાસથી માત્ર પાંચ મિનિટના પગરસ્તે આવેલી મંગળવાડીમાં રહેતા. હળવી રમૂજના શબ્દોમાં એમ કહી શકીએ કે કલ્યાણજી આણંદજીના ઘર અને દુકાનની વચ્ચેના મકાનમાં રાજેશ ખન્ના રહેતો હતો.
પહેલી જ ફિલ્મથી રાજેશ ખન્ના અને કલ્યાણજી આણંદજી વચ્ચે સરસ સુમેળ સ્થપાઇ ગયો હતો. આરાધના સુપરહિટ નીવડી એ પછી પણ રાજેશ ખન્ના માટે કલ્યાણજી આણંદજીએ સફર અને સચ્ચા જૂઠા જેવી ફિલ્મો માટે સુપરહિટ સંગીત પીરસ્યું હતું. સતત કામ અને ડ્રીન્કની ટેવથી કંટાળેલો રાજેશ ઘણીવાર આ બંધુબેલડીને ફોન કરીને કહેતો એકાદ સરસ જોક સંભળાવી દો ને યાર, બહુ ટેન્શન છે....
રાઝના મોટા ભાગનાં ગીતો હિટ હતાં. અહીં ફક્ત બે ત્રણ ગીતની વાત ખાસ કરવી છે. આ ફિલ્મમાં ઘુંટાયેલી વેદનાથી ભરેલું એક વિરહગીત હતું. શમીમ જયપુરીના શબ્દો હતા. મુહમ્મદ રફીએ એ ગીતને પોતાના વિશિષ્ટ સ્વરગલાવથી જીવંત કર્યું હતું.
આ ગીત રાગ ચારુકેશીમાં સ્વરબદ્ધ હતું. છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ આ ગીત એટલે ‘અકેલે હૈં ચલે આઓ, કહાં હો, કહાં આવાઝ દે તુમ કો કહાં હો... ’
ગીતકારે એના બંને અંતરામાં પણ એવા જ દર્દભર્યા શબ્દો ઠાલવ્યા છે. પહેલા અંતરામાં કહ્યું છે, ‘તુમ્હેં હમ ઢૂંઢતે હૈં, હમેં દિલ ઢૂંઢતા હૈ, ના અબ મંજિલ હૈ કોઇ, ના કોઇ રાસ્તા હૈ...’
અંતરાની પહેલી પંક્તિ રફી દોહરાવે ત્યારે પીડાની એક કસક ઊઠતી હોય એવી તર્જ બની છે.
બીજા અંતરામાં ગીતકાર કહે છે, ‘યે તન્હાઇ કા આલમ, ઔર ઉસ પર આપ કા ગમ, ના જીતે હૈં ના મરતે, બતાઓ ક્યા કરેં હમ..’
એક તો રહસ્ય ફિલ્મ અને એમાં ચારુદેશીના વેદનાસિક્ત સ્વરો. સાંભળનારને ગમગીન કરી દે એવાં તર્જ લય આ ગીતમાં સંગીતકારોએ આપ્યાં હતાં. જો કે ઉપકારની દોમદામ સફળતા સામે આ ફિલ્મ ઝાઝું ગજું કાઢી શકી નહોતી. પરંતુ એનું સંગીત ગાજ્યું હતું. (ક્રમશઃ)
Superb article. Thank you Ajitbhai.
ReplyDelete