ઓશો એક અદ્ભુત પ્રસંગ વારંવાર રજૂ કરતા. નવા વર્ષના આજના પહેલા મંગળવારે એ પ્રસંગથી વાતના શ્રી ગણેશ માંડીએ. વિશ્વવિખ્યાત ફોર્ડ મોટર કંપનીના માલિક (ઘણું કરીને હેનરી ફોર્ડ નામ હતું )નો ઇન્ટરવ્યૂ લેવા એક વિદેશી પત્રકાર આવ્યો. એણે વાતવાતમાં કહ્યું કે આપે માત્ર પાંચ દસ ડોલરથી ધંધાનો આરંભ કરેલો. આજે આપ દસ મિલિયન ડોલરના આસામી છો. આપને ગજબનો સંતોષ થયો હશે, નહીં ?
વ્હોટ રબીશ આર યુ ટોકિંગ (કેવી વાહિયાત વાત કરો છો તમે ) ? હેનરી ફોર્ડ બોલ્યા. રઠી ઉમેર્યું, યંગ મેન, મારે તો એકસો મિલિયન ડોલર કમાવા હતા. દસ મિલિયન પર મારી ઉંમર વીતી ગઇ...
જરા કલ્પના કર પ્રિય વાચક, આજે એક ડોલરના હસતાં રમતાં એકસો રૂપિયા આવે. દસ મિલિયન એટલે કે એકસો લાખ અથવા દસ કરોડ ડોલર થયા. છતાં હેનરી ફોર્ડને સંતોષ નહોતો. જીવન સંધ્યાએ પણ એમને અફસોસ હતો કે હું એકસો મિલિયન ડોલર ન બનાવી શક્યો. આ પ્રસંગ યાદ આવવામાં એક જૂનું કાવ્ય નિમિત્ત બની ગયું.
જૂની ગુજરાતી ગીતમાળામાં આ કાવ્ય છે. એનું મથાળું છે સિકંદરના ચાર ફરમાન. એના પહેલા ફરમાનનો સાર આ રહ્યો- ‘જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો.. ’ એટલે એણે કહ્યું કે મારા મરણ પછી મારા બંને હાથ ઠાઠડીની બહાર રાખજો. કેમ, તો કવિ કહે, ખુલ્લી હથેળી રાખતાં જીવન જગતમાં આવતાં, ને ખાલી હાથે આ જગતથી જીવ સહુ ચાલ્યા જતા...
ક્યારેક શાંતિથી વિચારજો. હાઇપર ટેન્શન, હાઇ બ્લડ પ્રેસર, કાલ્પનિક ભય, ચિંતા, અજંપો, અનિદ્રા, બેચેની વગેરેનું કારણ શું, તો ખ્યાલ આવશે કે આપણે સૌ સંતોષ નામનો ગુણ વિસરી ગયા છીએ. પાડોશીને ત્યાં કાર આવી તો મારે ત્યાં કેમ નહીં, પાડોશીએ 42 ઇંચના પરદાનો એલએસડી ટીવી લીધો તો મારે ત્યાં કેમ નહીં, એવી ચડસાચડસી અને દેખાદેખી માણસની માનસિક શાંતિ ઝૂંટવી લે છે. શક્ય છે, પાડોશીને કામધંધા અર્થે એવા સ્થળે જવાનું હોય જ્યાં ટ્રેન કે લોકલ બસ ન જતી હોય અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એનો વધુ સમય વેડફાઇ જતો હોય. એણે કાર લીધી માટે તમારે લેવી એવું શા માટે ?એ જ રીતે આવતી કાલની ચિંતામાં આપણે આજનો આનંદ માણી શકતા નથી. વર્તમાન ક્ષણને માણી ન શકીએ તો જે કંઇ કમાઇએ છીએ એનો શો અર્થ છે ?
સિકંદરના જ જીવનનો ઔર એક સરસ પ્રસંગ છે. વિશ્વવિજેતા થયા પછી કોઇ નિર્ધનને કશું આપવાની એને અબળખા જાગી. સિપાહીઓને મોકલ્યા, જાઓ, કોઇ ગરીબને શોધી લાવો. કહે છે કે ડાયોજિનસ નામના ચિંતકે સિપાહીઓને પાછા મોકલ્યા એટલે ખુદ સિકંદર એની પાસે આવ્યો અને કંઇક આપવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ડાયોજિનસે કહ્યું કે તું જરા આઘો ખસ. મારા પર સરસ મજાનો તડકો આવે છે એને તું અવરોધી રહ્યો છે.
હવામાં ઓક્સિજન, તડકો, ટાઢ, વરસાદ આમાંનું કશું આપણે જાતે બનાવ્યું નથી. એ કુદરતની અથવા કહો કે સર્જનહારની ભેટ છે. રોજના એકવીસ હજાર છસો શ્વાસોચ્છવાસ આપોઆપ થયા કરે છે. તો જે કંઇ આપણી પાસે છે એટલું ભોગવીએ અને શાંતિથી-સંતોષથી જીવીએ.
જેમની પાસે કરોડો કે અબજો રૂપિયા છે એ બધાને પૂછો, આ કરોડો રૂપિયા જાળવી રાખવા તમે કેટલું ટેન્શન લો છો, વારુ ? સૌથી વધુ શ્રીમંત ગણાવાની લાહ્યમાં નિરાંતે જમી શકાતું નથી, રાત્રે પૂરી ઊંઘ લઇ શકાતી નથી. મારા કરતાં વધુ શ્રીમંત કોઇ બીજો ન થઇ જાય એની લાહ્યમાં પ્રચંડ ટેન્શન સાથે જીવવું પડે. આટલી બધી આપાધાપી પછી પણ સાથે તો એક રૂપિયો પણ આવતો નથી. કદાચ એવા કોઇ અર્થમાં જ કહ્યું હશે કે કૌપીનવન્તઃ ખલુ ભાગ્યવન્તઃ
અલબત્ત, એનો અર્થ એવો નથી કે બાવા બની જવું. પરંતુ ત્રેવડ પ્રમાણે જીવવાની ટેવ પાડીએ તો ઘણા બધા વ્યાધિથી ઊગરી જઇએ. પચાસ ટકાથી વધુ બીમારી માનસિક કારણોથી થાય છે એવું અનુભવી ડોક્ટરો કહે છે. એટલેજ આપણા વડીલો કોઇ શોખ રાખવાનું કહેતા.
સાહિત્ય, સંગીત, ચિત્રકલા, મેદાની રમતો, ફોટોગ્રાફી... ઘણી પ્રવૃત્તિઓ એવી છે જે બિનજરૂરી ચિંતા-ટેન્શનથી મુક્ત રાખે છે. નિર્ણય આપણા હાથમાં છે. જાતને પૂછો, શું જોઇએ છે મને ? મારી સુખ-શાંતિની વ્યાખ્યા શી છે ? મેં જે કંઇ વસાવ્યું છે એમાંની કઇ ચીજની મને ખરેખર જરૂર છે ? તમને નવાઇ લાગશે, ભીતરથી જે જવાબ મળશે એ તમને કદાચ ચોંકાવી દેશે. માનસિક શાંતિ માટેની સોનેરી ચાવીનું નામ છે સંતોષ.
Comments
Post a Comment