કયા ગીતકારો અને કયા કયા ગાયકો સાથે કલ્યાણજી આણંદજીએ સંગીત સર્જ્યું ?

 


કલ્યાણજી આણંદજીના સંગીતથી સજેલી મનોજ કુમારની ઉપકાર ફિલ્મે ગોલ્ડન જ્યુબિલી ઊજવી (એટલે કે આ ફિલ્મ થિયેટરોમાં પચાસ સપ્તાહ સુધી ચાલી.) એ રીતે જુઓ તો કલ્યાણજી આણંદજીના સંગીતથી સજેલી અગિયાર ફિલ્મોએ ગોલ્ડન જ્યુબિલી કરી અને છત્રીસ ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી ઊજવી. 

ઉપકાર સાથે બીજી બે ત્રણ સરસ ફિલ્મો પણ રજૂ થયેલી. એની વાત કરવા અગાઉ બીજો એક મુદ્દો રજૂ કરવા જેવો લાગ્યો. આ બંને ભાઇઓના મિલનસાર અને હસમુખા સ્વભાવના કારણે આ બંનેએ પોતાની ત્રણ સાડા ત્રણ દાયકાની કારકિર્દીમાં સાઠ-બાસઠ ગીતકારો સાથે કામ કર્યું અને સિત્તેર-બોતેર ગાયકોના કંઠનો સદુપયોગ કર્યો. 

એકાદ એપિસોડમાં આ ગીતકારો અને ગાયકોનો ઉલ્લેખ જરૂરી લાગ્યો. પહેલાં વાત કરીએ ગીતકારોની. અંગ્રેજી મૂળાક્ષરો મુજબ નામ જોઇએ. અખ્તર રુમાની, આનંદ બક્ષી, અસદ ભોપાલી, અંજાન, અઝીઝ કૈસી, અનવર સાગર, ઓમ હરિયાણવી, ભરત વ્યાસ, બરકત વીરાણી  (શાયર બેફામ), ફારુખ કૈસર, ગુલશન બાવરા, ગુલઝાર, ગોહર કાનપુરી, હસરત જયપુરી, ઇન્દ્રજિત સિંઘ તુલસી, ઇન્દિવર, ઇબ્રાહિમ અશ્ક, ઇલા અરુણ, જાંનિસાર અખ્તર, કૈફી આઝમી, કુલવંત જાની, કાન્તિ અશોક, કપીલ અઝર, પંડિત મધુર, મજરૂહ, મહેન્દ્ર દહેલવી, એમ જી હસ્મત, માયા ગોવિંદ, મનુભાઇ ગઢવી, મનોજ કુમાર, નૂર દેવાસી, નક્શ લાયલપુરી, નિદા ફાઝલી, નામવર, પી એલ સંતોષી, પરદેશી કે એલ, પ્રેમ ધવન, પ્રદીપજી, પ્રભા ઠાકુર, પવન સૈદી, પુષ્પા વર્મા, પયમ સૈદી, કમર જલાલાબાદી, રાજેન્દ્ર કૃષ્ણ, રાજા મહેંદી અલી ખાન, રવીન્દ્ર જૈન, રાહી માસૂમ રઝા, સરસ્વતી કુમાર ‘દીપક’, શોર નિયાઝી, શૈલેન્દ્ર, શમીમ જયપુરી,શકીલ નોમાની, શકીલ બદાયુંની, સમીર, સાહિર લુધિયાનવી, સંતોષ આનંદ, શાદાબ, સાવન કુમાર, વર્મા મલિક, વિશ્વેશ્વર શર્મા, વિઠ્ઠલભાઇ પટેલ, વિશ્વામિત્ર આદિલ અને યોગેશ.

ગાયકોની વાત કરીએ તો આપણને થોડું વિસ્મય પણ થાય. ટોચના પાર્શ્વગાયકો ઉપરાંત આ બંધુબેલડીએ કેટલાક કલાકારો પાસે પાસે પણ ગીતો ગવડાવ્યાં. એવા કલાકારોનાં નામ પહેલાં જોઇએ તો અમિતાભ બચ્ચન, અશોક કુમાર, અનિલ કપૂર, મહેમૂદ, રાજ કુમાર, શત્રુઘ્ન સિંહા, સુંદર, વિશાલ ગોસ્વામી, હેમા માલિની, માલા સિંહા, નંદા, નૂતન, પદ્મિની કોલ્હાપુરે, સલમા આગા અને શમ્મી.

વ્યાવસાયિક ગાયકોની વાત કરીએ તો આશા ભોસલે, અલકા યાજ્ઞિક, અઝીઝ નાઝાં, અમિત કુમાર, અનુરાધા પૌડવાલ, આરતી મુખરજી. અનવર,આનંદકુમાર સી, આલિશા ચિનોય, બલબીર, દમયંતી બરડાઇ, (નરેન્દ્ર) ચંચલ, ગીતા દત્ત, ગુલશન બાવરા, હેમંત કુમાર, હેમલતા, હેમુ ગઢવી, જાની બાબુ, કિશોર કુમાર, કમલ બારોટ, કૃષ્ણા કલ્લે, કંચન, કુમાર સાનુ, લતા મંગેશકર, લક્ષ્મી શંકર, મુહમ્મદ રફી, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, મુબારક બેગમ, મનહર, મહેશ કુમાર, મહેશ ગઢવી, નરેશ કનોડિયા, નીતિન મૂકેશ, પ્રફુલ દવે, રુના લૈના, સુમન કલ્યાણપુર, સુધા મલ્હોત્રા, સુબીર સેન, શમસાદ બેગમ, સુષમા શ્રેષ્ઠા, શૈલેન્દ્ર સિંઘ, શિવાંગી કોલ્હાપુરે, સુલક્ષણા પંડિત, સુરેશ વાડકર, સાધના સરગમ, શબ્બીર કુમાર, સપના મુખરજી, સલમા આગા, સોનાલી બાજપેયી, તલત મહેમૂદ, ઉષા મંગેશકર, ઉષા ખન્ના, ઉદિત નારાયણ, વાણી જયરામ અને યેસુદાસ.

કેટલાક ખાસ કિસ્સામાં અનુપ જલોટા, ભાવના શાહ, ભૂપીન્દર, ગુડ્ડુ, કલ્પના અય્યર, જોલી મુખરજી, મુહમ્મદ અઝીઝ, સુદેશ ભોંસલે અને તલત અઝીઝ પાસે પણ આ બંનેએ ગવડાવ્યું હતું. આમાંના કેટલાક ગાયકોને તો કલ્યાણજી આણંદજીએ જ વિવિધ સ્ટેજ શોમાં સાંભળીને તેમની પ્રતિભા પારખીને ફિલ્મોમાં ગાવાની તક આપી હતી, કેટલાકની કારકિર્દી જામી ગઇ અને કેટલાક પાછળથી ભૂલાઇ ગયા.  

આ યાદીમાં કેટલાક ગુજરાતી ગાયકોનાં પણ નામ છે. એક અને અજોડ હેમુ ગઢવી, પ્રફુલ દવે, મહેશ-નરેશ, દમયંતી બરડાઇ, મનુભાઇ ગઢવી વગેરે. આ બધાંએ કલ્યાણજી આણંદજીના સંગીતથી સજેલી ગુજરાતી ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો હતો. અગાઉ આપણે અખંડ સૌભાગ્યવતી ફિલ્મની વાત કરી હતી. એવી બીજી પણ એકાદ બે ગુજરાતી ફિલ્મો આ બંધુબેલડીએ કરી હતી. એની વાત પણ આવશે. સિલ્વર જ્યુબિલી ઊજવનારી ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતીનો પણ સમાવેશ હતો. 

આ યાદીમાં સગ્ગા મોટાભાઇને પુરસ્કાર માટે પરેશાન કરી દેનારા કિશોર કુમારનો પણ સમાવેશ થાય છે. સાચું માનજો, કિશોર કુમાર કલ્યાણજીભાઇના માત્ર એક ફોન પર દોડી આવતો અને કેટલીકવાર માત્ર એક ટેકમાં ગીત ઓકે થઇ જતું. એનું કારણ સમજાવતાં કલ્યાણજીભાઇ કહેતા, દરેક કલાકાર એક બાળક જેવો હોય છે. તમે એનાં અટકચાળાં કે ગાંડીઘેલી માગણી સ્વીકારી લો તો એ રાજી. ક્યારેક કિશોર કુમાર કહેતા કે મને કાથીની દોરીવાળો ખાટલો મંગાવી આપો. મારે સુતાં સુતાં ગાવું છે સાધુ-સંન્યાસીને લગતું ગીત હોય તો કહેતો કે મને ભગવાં વસ્ત્રો મંગાવી આપો. અમે એ બધી માગણીઓ સ્વીકારી લેતા. એટલે કિશોર કુમારને સૌથી વધુ અમારી સાથે ફાવ્યું હતું.


Comments