બાદશાહ અને કિંગ જેવાં ખરાંખોટાં વિશેષણોથી જાણીતા ટોચના અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન લક્ઝરી ક્રૂઝ પર ડ્રગ પાર્ટીમાં સામેલ થવા જતાં ઝડપાયો એ સમાચાર ખૂબ ગાજ્યા. કેટલાક પોલિટિશ્યનોએ એને કોમી રંગ ચડાવવાનો પણ પ્રયાસ કર્યો. આ લેખનો હેતુ જુદો છે. બોલિવૂડમાં ડ્રગનું અનિષ્ટ આવ્યું ક્યાંથી અને કેવી રીતે એ વિચારવા જેવું છે. એ માટે થોડું વિહંગાવલોકન કરવું જરૂરી થઇ પડે.
1931માં પહેલી ટોકી એટલે કે બોલતી ફિલ્મ આલમ આરા આવી. ત્યારથી શરૂ કરીને તે છેક 1960ના દાયકાના ઉત્તરાર્ધ સુધી કોઇએ ડ્રગનું નામ સુદ્ધાં સાંભળ્યું નહોતું. હા, પાર્ટીઓમાં વિદેશી શરાબની રેલમછેલ ઊડતી. ડ્રગનો પગપેસારો કેમ નહોતો થયો એ સમજવાનાં કારણો વિચારવા જેવાં છે. 1930 અને ’50ના દાયકાની આખર સુધી ચાર પાંચ મોટા સ્ટુડિયો ફિ્લ્મો બનાવતા. સવારે સાડા નવેક વાગ્યે શૂટિંગ શરૂ થાય અને સાંજે પાંચ સાડા પાંચની આસપાસ પૂરું થઇ જાય. એટલે જ કોહિનૂર ફિલ્મ વખતે દિલીપ કુમાર સવાર સાંજ બબ્બે કલાક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાનને ઘરે સિતારવાદન શીખવા જઇ શકતો.
એ દિવસોમાં કપૂર, સિપ્પી, જોહર,ચોપરા, મુખરજી, સાગર વગેરે ચાર પાંચ માતબર નામો હતાં. કંગના રનૌતની ભાષામાં કહીએ તો બોલિવૂડમાં વંશવાદ પ્રવર્તતો હતો. બહારના ટેલેન્ટેડ યુવક-યુવતીઓને બહુ ઓછી તકો મળતી.
એ પછી કેટલાક ટોચના ફિલ્મ સર્જકોએ ટેલેન્ટ સ્પર્ધા યોજી જેમાં આપણને ધર્મેન્દ્ર અને રાજેશ ખન્ના જેવા કલાકારો મળ્યા. શત્રુઘ્ન સિંહા અને ડેની જેવા કેટલાક કલાકારો પૂણેની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી બહાર આવ્યા. આમ છતાં હજુ મોટી સંખ્યામાં ‘આઉટસાઇડર્સ’નો પ્રવેશ શક્ય બન્યો નહોતો. ફિલ્મ નિર્માણમાં એક પ્રકારનું શિસ્ત અને નિરાંત હતી.
ટેલિવિઝનના આગમન સાથે અથવા એમ કહો કે ઇલેક્ટ્રોનિક મિડિયાના આગમન સાથે પરિસ્થિતિમાં પલટો આવવાની શરૂઆત થઇ. શરૂઆતમાં બુનિયાદ અને માલગુડી ડેય્ઝ જેવી સિરિયલો આવી. ત્યાં સુધી ઠીક હતું. પણ પછી કલર ટીવીની સાથે આવી રામાયણ અને મહાભારત સિરિયલો. આવી સિરિયલોમાં હજારો કલાકારોની જરૂર પડે. દેશના ખૂણે ખૂણેથી નવી પ્રતિભાઓ પ્રકાશમાં આવવા માંડી. શાહરુખ ખાનની જ વાત લ્યો તો એ સર્કસ સિરિયલથી ચમક્યો અને ફિલ્મોમાં આવ્યો. બીજા પણ કેટલાક કલાકારો ફિલ્મોમાં આવતા થયા.
બીજી બાજુ બોલિવૂડમાં સ્ટાર સિસ્ટમ સ્થપાઇ અને ધડાધડ ફિલ્મો બનાવવા માટે શીફ્ટ (પાળી ) સિસ્ટમ આવી. તમને યાદ હોય તો ગ્રેટેસ્ટ શોમેન ગણાયેલા રાજ કપૂરને એની સત્યમ્ શિવમ્ સુંદરમ્ માટે શશી કપૂરની તારીખો જોઇતી હતી. શશી કપૂર ત્રણ ત્રણ પાળીમાં શૂટિંગ કરતો હતો. ઉશ્કેરાઇ ગયેલા રાજ કપૂરે એને ખખડાવેલો કે તું માણસ છે કે ટેક્સી છે ?
ફિલ્મો અને ટેલિવિઝનમાં કલાકારોની સંખ્યા વધી એટલે નિર્માતાઓ માટે વિકલ્પો વધ્યા. પોતાના બજેટમાં કોઇ ટોચનો કલાકાર ફિટ ન થતો હોય તો એના વિકલ્પ રૂપે બીજા કલાકારને લેવાની પ્રથા શરૂ થઇ.
કલાકારો વધ્યા એટલે ગળાકાપ સ્પર્ધા શરૂ થઇ. એકબીજાનું કામ ઝૂંટવી લેવાના કાવાદાવા શરૂ થયા. બાકી હતું તે 100 કરોડનું ત્રેખડ શરૂ થયું. બીજી બાજુ એકસોથી વધુ ચેનલ્સ ઉપલબ્ધ થતાં દર્શકોને દુનિયાભરની ઉત્તમોત્તમ કલાકૃતિ જોવાની તક મળી. પરિણામે કેટલીક મોટા બજેટની ફિલ્મો પણ ફ્લોપ થવા માંડી. શેાલે જેવી ફિલ્મ આપનારા રમેશ સિપ્પીની શાનનો ધબડકો વળી ગયો એ હકીકત એનો પુરાવો ગણી શકાય.
કાતિલ સ્પર્ધા વધી એટલે કલાકારોમાં અસલામતીની ભાવના વધી. હાઇપર ટેન્શન ટાળવાના તેમનાં હવાતિયાં શરૂ થયા. એનો લાભ દાઉદ ઇબ્રાહિમ જેવાએ લેવા માંડ્યો. 1993માં મુંભઇમાં બોમ્બવિસ્ફોટ અને કોમી તોફાનો કરાવ્યા પછી દાઉદ એન્ડ કંપનીએ પાકિસ્તાન અને દૂબઇમાં આશરો લીધો હતો.
દાઉદનો સૌથી મોટો કારોબાર ડ્રગનો છે. દુનિયાભરની ડ્રગ કાર્ટેલ સાથે કોલોબેારેશન કરીને દાઉદ ભારત જેવા દેશોમાં યુવા પેઢીને ખુવાર કરવા કમર કસીને બેઠો છે. એના સૌથી મોટા ક્લાયન્ટ્સ ફિલ્મ કલાકારો છે. હવે તો નાનું છોકરુંય જાણે છે કે ટોચના ફિલ્મ કલાકારો દાઉદ બોલાવે ત્યારે દૂબઇમાં જઇને મુજરા કરે છે.
બીજી બાજુ ટોચના ફિલ્મ સર્જકો દાઉદ અને અંઘારી આલમના દાદાલોકના પૈસે ફિલ્મો બનાવે છે એટલે અન્ડર વર્લ્ડના ઓશિયાળા છે. કંગના રનૌતે બોલિવૂડમાં ડ્રગની બાબતમાં જે આક્ષેપ કર્યા એના જવાબમાં જયા બચ્ચન અન હેમા માંલિનીએ બચાવ કરવો પડ્યો એ હકીકત દર્શાવે છે કે બોલિવૂડમાં ડ્રગનું દૂષણ કેટલી હદે ઘુસી ગયું છે.
આર્યન ખાન તો આ આખીય ઘટનામાં નિમિત્ત બની ગયો કારણ કે સુપર સ્ટારનો દીકરો છે. અહીં તો છીંડે પકડાયો તે ચોર. બાકી બધા એક યા બીજા પ્રકારની ડ્રગના બંધાણી છે. નાર્કોટિક્સ બ્યૂરોને અને પોલીસને તપાસ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા અપાય તો ઘણી ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે. નેતાઓ તપાસ એજન્સીઓને છૂટ આપતા નથી કારણ કે આવાં અબજો રૂપિયાના ડ્રગ માર્કેટમાં કેટલાક નેતાઓ પણ સંડોવાયા હોઇ શકે.
Comments
Post a Comment