હિન્દી ફિલ્મ સંગીતની એક અન્ય વિશેષતા રહી છે. છેક 1930ના દાયકાના ઉત્તરાર્ધથી આ વિશેષતા જોવા મળી છે. જો કે બહુ ઓછા સમીક્ષકોએ એ તરફ ધ્યાન આપ્યું છે. એ વિશેષતા એટલે સંગીતનું જ્ઞાન ધરાવતા ગીતકારો. કેટલીક વાર એવું બન્યું છે કે સંગીતનો યશ સંગીતકારને મળ્યો હોય પરંતુ ગીતની તર્જ ખુદ ગીતકારને સૂઝી હોય.
સંગીતકાર નૌશાદ સાથે એવા ગીતકાર દીનાનાથ મધોક (ડી. એન. મધોક) હતા, તો સી. રામચંદ્ર સાથે પ્રદીપજી હતા. અય મેરે વતન કે લોગોંની આછી પાતળી તર્જ પ્રદીપજીના મનમાં હતી જેને પોલિશ્ડ કરીને સી રામચંદ્રે રજૂ કરી. એવું ખુદ પ્રદીપજીએ આ ગીત માટે બનેલી ડોક્યુમેન્ટરીમાં કહ્યું છે. મેંડોલીન અને સરોદવાદક કિશોર દેસાઇને ત્યાં એ ડોક્યુમેન્ટ્રી જોવા મળી હતી.
એવા જ એક ગીતકાર હતા પ્રેમ ધવન. એ માત્ર ગીતકાર નહોતા, સંગીતકાર હતા અને ગાયક પણ હતા. સંગીત જાણનાર ગીતકારની રચનાને સ્વરબદ્ધ કરતી વખતે અન્ય સંગીતકારની કસોટી થઇ જાય. કલ્યાણજી આણંદજીએ રચેલી તર્જથી પ્રેમ ધવનને પણ સંતોષ થયો હતો. મનોજ કુમારની ફિલ્મ ઉપકારમાં એક ગીત પ્રેમ ધવને આપેલું. એ ગીત ઋતુ ગીત પ્રકારનું હતું. ભારતીય સંગીતમાં તો વસંત, બહાર અને મલ્હાર જેવા ઋતુ-રાગ પણ છે.
રખે ગેરસમજ કરતા પરંતુ મધર ઇન્ડિયામાં નૌશાદે દુઃખભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે... ગીત આપેલું એ રીતે મનોજ કુમારની ઉપકારમાં પ્રેમ ધવનનું એક વસંત ગીત હતું. ગીતનો ઉપાડ મલંગચાચા (અર્થાત્ પ્રાણ) થી થયો હતો. સમગ્ર ખેતરોમાં અને વનવગડામાં કેસુડો છવાઇ ગયો છે. મલંગચાચા શરૂ કરે છે- ‘પીલી પીલી સરસોં ફૂલી, પીલી ઊડે પતંગ (અહીં પતંગના બે અર્થ થાય- પતંગ અને પતંગિયાં), પીલી પીલી ઊડી ચુનરિયા, પીલી પગડી કે સંગ, ગલે લગા કે દુશ્મન કો ભી, યાર બના લો કહે મલંગ...’ અહીં સુધી સાખીની જેમ લયવાદ્ય વિના ગીત ઉપડે છે.
પછી મુખ્ય ગીત શરૂ થાય છે- ‘આયી ઝૂમ કે બસંત, ઝૂમો સંગ સંગ મેં, આજ રંગ લો દિલોં કો એેક રંગ મેં...’ ઉપકારના બે યાદગાર ગીતો મેરે દેશ કી ધરતી અને કસમેં વાદે પ્યાર વફા જબરદસ્ત લોકપ્રિય થયાં તેમ આ ગીત બે મુખ્ય ગીત પછી ખાસ્સું લોકપ્રિય થયું હતું. ગીતની તર્જ પંજાબી લોકસંગીત પર આધારિત હતી. ગીતનો લય પણ ભાંગડા ડાન્સ ટાઇપનો હતો. લયવાદ્યોમાં પંજાબી ઢોલ, નગારા અને ત્રાંસાનો કલાત્મક ઉપયોગ થયો હતો.
આમ તો આણંદજીભાઇ તર્જ બનાવવા ઉપરાંત લયવાદ્ય વિભાગ સંભાળતા. ઉપકાર ફિલ્મથી આ પરિવારનો વધુ એક સભ્ય બાબલા આ વાદ્યવૃન્દમાં ઉમેરાયા. બાબલા પણ દેશી-વિદેશી લયવાદ્યોના માહિર છે.
આયી ઝૂમ કે બસંત... ગીતમાં કલ્યાણજી, આણંદજી અને બાબલા ત્રણે ભાઇઓ એકબીજાના પૂરક બની રહ્યા અને ગીતને યાદગાર તેમજ મઝેદાર બનાવ્યું. આ ગીત તમને આજે પણ જોવા મળે તો મુગ્ધ થઇ જાઓ એવું બન્યું છે. લગભગ બધાં મુખ્ય પાત્રોને ગીતમાં સમાવી લેવાયાં છે. વી એન રેડ્ડીએ કેમેરામાં આ ગીતને ઝીલીને જીવંત બનાવ્યું છે. પંજાબથી નસીબ અજમાવવા મુંબઇ આવેલા કથક ડાન્સર અને કોરિયોગ્રાફર એવા સુદર્શન ધીરે આ ગીતની કોરિયોગ્રાફી કરી છે. લગભગ આઠ સાડા આઠ મિનિટ સુધી આ ગીતનો જાદુ છવાયેલો રહે છે.
એક અહેવાલ મુજબ પોતે ક્લાસિકલ ડાન્સર હોવા છતાં આ ફિલ્મમાં પોતાનો રોલ ડોક્ટરનો હોવાથી ડાન્સ કરવા ન મળ્યો એવો વસવસો આશા પારેખે વ્યક્ત કર્યો હતો.
આમ દરેકે આ ગીતમાં પ્રાણ રેડ્યા.છે. પરદા પર આ ગીત આવે ત્યારે દર્શકો ગીતના તાલ સાથે પગ પછાડીને કેટલાંક થિયેટરો ગજાવી દેતા. થિયેટર સંચાલકોએ વિનંતી કરવી પડતી કે પ્લીઝ, પગ નહીં પછાડો.
આ ગીતને મન્ના ડે, મહેન્દ્ર કપૂર, કોમેડિયન સુંદર, શમસાદ બેગમ અને આશા ભોસલેનો કંઠ સાંપડ્યો છે. ગીત સર્વાંગ સંપૂર્ણ બન્યું હતું. ગ્રામ જીવનનું સુંદર સુરેખ ચિત્ર આ ગીતમાં જોઇ શકાયું હતું. આ ગીત માટે જુદો એપિસોડ કરવાની ઇચ્છા રોકી શકાઇ નહીં. તક મળે તો તમારે પણ આ ઋતુગીત માણવું જોઇએ. ઓડિયો સાંભળો કે વિડિયો માણો. દિવાળીના સપરમા પર્વે આનંદ માણવાની આ એક સરસ તક છે.
Comments
Post a Comment