‘ચોતરફથી વગોવાઇ રહેલા પાકિસ્તાને ચીનને એવા ફટાકડા ભારતમાં વેચવાની વિનંતી કરી છે જે લોકોમાં શ્વાસના રોગો ફેલાવે. માટે આ દિવાળી પર ચીની ફટાકડા ખરીદવા નહીં એવી ચેતવણી કેન્દ્રના ગૃહ ખાતાના એક વરિષ્ઠ તપાસ અધિકારી શ્રી વિશ્વજિત મુખરજીએ આપી હતી...’
આવો એક બનાવટી સંદેશો છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મિડિયા પર ફરી રહ્યો છે. આ સંદેશો બનાવટી છે એ તરત સમજાઇ જાય એવી વાત છે. કેન્દ્રના ગૃહ ખાતાના અધિકારીઓનાં નામ પર નજર ફેરવતાં તરત ખ્યાલ આવે છે કે વિશ્વજિત મુખરજી નામના કોઇ અધિકારી આ ખાતામાં નથી અને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર નામનો કોઇ હોદ્દો પણ નથી.
ખરું પૂછો તો આ સંદેશો ઓગસ્ટ મહિનાથી ફરતો થયો હતો. અત્યારે દિવાળી નજીક છે ત્યારે ફરી આ સંદેશો ફરતો થયો છે. સોશ્યલ મિડિયાનો સ્થાપિત હિતો દ્વારા કેવો દુરુપયોગ થાય છે એનો આ એક નમૂનો છે. સંદેશો બનાવટી છે એ જાણ્યા પછી પણ એક વિચાર કરવા જેવો તો ખરો.
છેલ્લા દોઢ બે વર્ષથી આખી દુનિયાને સતાવી રહેલા કોરોના વાઇરસ ચીન દ્વારા ફેલાવાયા હોવાનું મોટા ભાગના દેશો સ્વીકારે છે. આ એક બાયોલોજિકલ વોર હતું એવું તારણ પણ વિશ્વના સંરક્ષણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યું હતું.
બીજી બાજુ ચીન સતત આપણી સરહદો પર વાનરવેડા કરી રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ. ચીન અને પાકિસ્તાન જેવા પડોશીઓ આપણને સતત પજવી રહ્યા છે એ પણ હકીકત છે. આ સંજોગોમાં ચીની બનાવટના ફટાકડા આપણે શા માટે ખરીદવા જોઇએ એ દરેક સમજદાર નાગરિકે વિચારવાનું છે.
ઔર એક વાત. ચીનના હોય કે અન્ય કોઇ દેશના, ફટાકડા બનાવવામાં જે કાચી સામગ્રી વપરાય છે એને લઇને વાતાવરણમાં જે ધૂમાડો થાય એનાથી શ્વાસ અવરોધાય છે. એ હકીકત પર્યાવરણ નિષ્ણાતો પણ સ્વીકારે છે. દર વરસે દિવાળી પછીના થોડા દિવસો સુધી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે ફરિયાદો સામાન્ય હોય છે. શરદ ઋતુના આગમન સાથે કેટલીક ફરિયાદો કોમન હોય છે.
આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કરેલું સૂચન પણ વિચારવા જેવું છે. જાહેર હિતની એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જબરદસ્ત ધમાકો થાય એવા જ ફટાકડા વાપરીએ તો જ ઊજવણી સાર્થક થાય ? ઓછા ધડાકાવાળા અને આકાશને રંગબેરંગી ડિઝાઇનોથી ભરી દે એવા ફટાકડા ન વાપરી શકાય ? ઘોંઘાટિયા ફટાકડા દેખાદેખીને કારણે લોકો ખરીદે છે. એવા ફટાકડા જરૂરી નથી.
આપણે દરેક જણે પોતાના અને પોતાના પરિવારના આરોગ્યના રક્ષણ માટે સચેત રહેવું જરૂરી છે. ફટાકડાની વાત બાજુએ રાખીએ તો કોરોના હજુ પૂરેપૂરો ગયો નથી. દૈનિક અખબારોમાં પ્રગટ થતા અહેવાલો જુઓ તો ઇંગ્લેંડ અને અમેરિકામાં હજુ પણ રોજના પચીસથી પચાસ હજાર નવા કેસ થઇ રહ્યા છે. આપણે દિવાળી ઊજવતી વખતે કે ધર્મસ્થાનોમાં ધસારો કરતી વખતે થોડી અગમચેતી રાખીએ એ હિતાવહ છે.
જીવતો નર ભદ્રા પામે એવી એક પ્રાચીન લોકોક્તિ છે. કોરોના કે પ્રદૂષણ, જેને વધુ જોખમી ગણો તેની સામે થોડી સાવધાની રાખીશું તો ગંભીર પરિણામોથી ઊગરી જઈશું. જીવતાં હોઇએ તો દિવાળી તો બીજી આવવાની છે. આ છેલ્લી દિવાળી નથી. સોશ્યલ મિડિયા પરનો સંદેશો બનાવટી હોય તો પણ આપણા હિતમાં હતો એટલું સ્વીકારીને આપણે સાબદા રહીએ. ખુદ આપણા વડા પ્રધાને પણ એ મુદ્દે સાવધાનીનો સૂર ઉચ્ચાર્યો છે.
True ajitbhai.
ReplyDeleteTimely message
તમારી વાત બીલકુલ સાચી છે
ReplyDelete