ઉપકારનાં અન્ય ગીતોએ પણ રસિકોમાં જોરદાર લોકપ્રિયતા મેળવી

 


સદ્ગત વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીના સૂચનથી મનોજ કુમારે જય જવાન જય કિસાનના નારા પર આધારિત ફિલ્મ ઉપકાર બનાવી એ સુપરહિટ નીવડતાં રાતોરાત મનોજ કુમાર રોમાન્ટિક હીરો ઉપરાંત દેશભક્ત ગણાઇ ગયો. ગયા સપ્તાહે આપણે મેરે દેશ કી ધરતી ગીતની વાત કરેલી. આજે આગળ વધીએ. 

અગાઉ કહેલું એમ આ ફિલ્મમાં ચાર ગીતકારો હતા- ગુલશન બાવરા, કમર જલાલાબાદી, ઇન્દિવર અને પ્રેમ ધવન. એમાં પ્રેમ ધવન તો ગીતકાર ઉપરાંત ગાયક અને સંગીતકાર પણ હતા. કોઇ પણ બે ગીતકારની તુલના કદી થઇ શકે નહીં. છતાં આ લેખકડો એવી ગુસ્તાખી કરી રહ્યો છે. શૈલેન્દ્ર જે પ્રકારના ફિલસૂફીભર્યાં અને સનાતન સત્ય જેવાં ગીતો રચતાં એવી એક રચના અહીં ઇન્દિવરે આપી છે.

કાખઘોડી લઇને ચાલતા મલંગચાચા પર ફિલ્માવાયેલું આ ગીત પણ સનાતન સત્ય જેવા શબ્દો ધરાવે છે. સંગીતકારોએ યોગ્ય રીતે આ ગીત મન્ના ડેને સોંપીને પોતાની પારખદ્રષ્ટિ સાબિત કરી એમ કહી શકાય. અન્ય એક  અહેવાલ મુજબ  આ ગીતની ઓફર પહેલાં કિશોર કુમારને થઇ હતી. કિશોરદાએ મન્ના ડેનું નામ સૂચવ્યું. 

એ અદ્ભુત ગીત એટલે ‘કસ્મે વાદે પ્યાર વફા સબ, બાતેં હૈં બાતોં કા ક્યા, કોઇ કિસી કા નહીં હૈ જૂઠે નાતે હૈં નાતોં કા ક્યા...’ 

આ ગીતના અંતરામાં પણ કવિએ પોતાનું હૈયું ઠાલવી દીધું હોય એવા શબ્દો રચ્યા છે- ‘હોગા મસીહા સામને તેરે ફિર ભી ન તૂ બચ પાયેગા, તેરા અપના ખૂન હી આખિર તુઝ કો આગ લગાયેગા, આસમાને પે ઊડનેવાલે મીટ્ટી મેં મિલ જાયેગા...’ આજે ઠેર ઠેર ઘરડાંઘરો વડીલોથી ઊભરાય છે ત્યારે આ શબ્દો અચૂક યાદ આવે. 

આ ગીતનો બીજો અંતરો પણ એવીજ સચોટ વાત કરે છે- ‘સુખ મેં તેરે સાત ચલેંગે, દુઃખ મેં સબ મુખ મોડેંગે, દુનિયાવાલે તેરે બન કર તેરા હી દિલ તોડેંગે, દેતે હૈં ભગવાન કો ધોખા, ઇન્સાં કો ક્યા છોડેંગે...’ ક્યારેક એવો વિચાર આવે કે આ ગીતકારે પોતાના જાત અનુભવના આધારે તો આ ગીત લખ્યું નથી ને ? 

માત્ર આ બે અંતરામાં માનવ જીવનની નક્કર વાસ્તવિકતા કવિએ રજૂ કરી દીધી. તમે માનશો, જ્યારે જ્યારે પ્રાણ સાથે  રૂબરૂ કે ફોન પર વાત થાય ત્યારે આ ગીતની વાત અચૂક નીકળતી. આમ તો પચાસ વર્ષની કારકિર્દીમાં પ્રાણ પર ઘણાં ગીતો ફિલ્માવાયાં હતાં પરંતુ પ્રાણને આ ગીત ખૂબ વહાલું હતું. એ હળવા શબ્દોમાં કહેતા કે મેં એકવાર ઇન્દિવરને પૂછેલું કે ભાઇ, આટલી બધી વેદના તું લાવ્યો ક્યાંથી ?

એક યાદગાર ગીત મૂકેશના ભાગે આવ્યું. કમર જલાલાબાદીની રચના છે. ‘દિવાનોં સે યે મત પૂછો, દિવાનોં પે ક્યા ગુજરી હૈ, હાં ઉન કે દિલોં કો યે પૂછો, અરમાનોં પે ક્યા ગુજરી હૈ...’  આ ગીતમાં પિયાનો અને એકોર્ડિયનના કેટલાક સરસ ટુકડા માણી શકાય છે. એક ખેડૂત યુવાનની કથા છે પરંતુ અહીં પાર્ટી સોંગ હોવાથી વિદેશી વાદ્યોનો કલાત્મક ઉપયોગ કરાયો છે.

એવુંજ એક સંવેદનશીલ ગીત લતાના કંઠમાં છે. નાયકે નાયિકા સમક્ષ પોતાની દિલની વાત કરી તો અહીં નાયિકા પોતાના પ્રિયપાત્રને શુભેચ્છા આપે છે. ગુલશન બાવરા રચિત આ ગીતનું મુખડું આ રહ્યું- ‘હર ખુશી હો વહાં તૂ  જહાં ભી રહે, જિંદગી હો વહાં, તૂ જહાં ભી રહે...’

ઉપકારનાં મોટા ભાગનાં ગીતોની ઝલક અહીં આવી ગઇ. આટલેથી અટકીએ.

ઇન્દિવરની ઔર એક રચના આશા ભોંસલેના કંઠમાં રજૂ થઇ છે. આ ગીત ક્લબ સોંગ ટાઇપનું છે અને એમાં પાશ્ચાત્ય રંગોનો અહેસાસ થાય છે, ગુલાબી.. રાત ગુલાબી, ગુલાબી રાત કી હર બાત ગુલાબી...’ નાયક ભારતનો નાનો ભાઇ પૂરણ કુમાર ક્લબમાં મોજ માણે છે એવા સમયે આ ગીત રજૂ થયું છે. વચ્ચે ચરબીથી લથપથ આસિત સેન શરાબના ગ્લાસ સાથે ઝૂમતા દેખાય છે. તર્જ અને લય બંને સરસ બન્યાં છે


Comments