દરેક વ્યક્તિના મનના કોઇ ખૂણે રાવણ સદૈવ જીવતો હોય છે.... !



‘લક્ષ્મણ, લંકેશ રાવણ રાજ્યનીતિ શાસ્ત્રના સર્વશ્રેષ્ઠ અભ્યાસીઓમાં એક છે. એની પાસે જઇને રાજ્યનીતિ શાસ્ત્ર શીખી આવ...’  ભગવાન રામે નાનાભાઇને આદેશ આપ્યો. લક્ષ્મણ પહેલીવાર ગયો ત્યારે રાવણે એને પાછો મોકલ્યો. રામે એની ભૂલ સમજાવીને એને બીજીવાર મોકલ્યો. બીજીવાર લક્ષ્મણ શિષ્યભાવે નમ્ર થઇને ગયો. ત્યારે રાવણે એને રાજ્યનીતિ શાસ્ત્ર શીખવ્યું. 

એક ક્ષેપક પ્રસંગ પણ છે. રાવણે એને કહ્યું કે રાજ્યનીતિ શાસ્ત્રનો પહેલો પાઠ તો મને તમને યુદ્ધ પહેલાં શીખવી દીધો હતો. તેથી મારા ભાઇ વિભીષણને તમારી પાસે આવવાની મેં ફરજ પાડી. એ તમારો સાથીદાર બની ગયો. રામે વિજય પછી વિભીષણને રાજા બનાવ્યો. આમ અમારી લંકા અમારા પરિવાર પાસે જ રહી. 

ખેર, લક્ષ્મણ રાવણ કને રાજ્યનીતિ શાસ્ત્ર શીખી આવ્યો એવો પ્રસંગ રામાયણનાં લગભગ બધાં રૂપાંતરોમાં છે. ભગવાન રામને પણ રાવણની વિદ્વત્તા માટે ખૂબ માન હતું. રાવણ રાક્ષસ નહોતો. માનવસહજ અહંકાર અને ક્ષણિક આવેશમાં વિવેકશૂન્ય થઇ ગયો હતો.

દક્ષિણ ભારતમાં કેટલેક સ્થળે લંકાપતિ રાવણ પૂજાય છે એવું અખબારોમાં વાંચીને ઘણા ભાવિકો દૂભાતા હોય છે. 

વાસ્તવમાં દૂભાવા જેવું કશું એમાં નથી. રાવણ પોતાના સમયનો અજોડ વિદ્વાન હતો. રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં તમે લંકેશ (અભિનેતા સદ્ગત અરવિંદ ત્રિવેદી)ને રાવણે રચેલું શિવ તાંડવ સ્તોત્ર સંભળાવતાં જોયા-સાંભળ્યા હશે. એમાં રાવણના સંસ્કૃત ભાષા ઉપરાંત એની કાવ્ય સર્જન શક્તિનો વિરલ સમન્વય થયો છે. એકી શ્વાસે આ સ્તોત્ર ગાવા માટે ફેફસાંમાં તાકાત જોઇએ.

ખેર, વાત રાવણની હતી. એક વિદેશી વાર્તા બહુ જાણીતી થઇ હતી. ડોક્ટર જેકિલ એન્ડ હાઇડ. એક જ માણસ દિવસે સજ્જન અને રાત્રે દુર્જન બની જાય છે એવો એનો કથાસાર હતો. 

એવો એક પ્રસંગ ભાગવતકાર પૂજ્ય ડોંગરે મહારાજ વર્ણવતા. એક રાજવીના મહેલમાં રામાયણના પ્રસંગોનાં ચિત્રો બનાવવા માટે લાખો માણસોમાંથી રામ જેવો એક માણસ ચિત્રકારને મળ્યો. એને પૂરતું માનધન આપીને ચિત્રકારે રામ ચીતર્યા. પછી રાવણની શોધ ચાલી. 

થોડા મહિના પછી રાવણ મળી ગયો. ચિત્રકાર એને મહેલમાં લઇ આવ્યો ત્યારે પેલો દારૂના નશામાં પણ ખડખડાટ હસી પડ્યો. ચિત્રકારે એને હસવાનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે તેં જેને રામ બનાવ્યો હતો એ હું જ છું. બહુ પૈસા હાથમાં આવ્યા એટલે હું જુગાર, શરાબ અને વ્યભિચાર જેવા આડે રસ્તે ચડી ગયો.

તો આમ વાત છે. કોઇએ સરસ કહ્યું છે કે રામ અને રાવણ બંને દરેક વ્યક્તિમાં હોય છે. સંજોગો ક્યારેક રામને બહાર લાવે છે અને ક્યારેક રાવણને બહાર લાવે છે. સીતા સ્વયંવરમાં શિવજીનું ધનુષ્ય રાવણ ઊંચકી ન શક્યો ત્યારે એની ઠેકડી ઊડાવવામાં આવેલી. 

એ સાધુવેશમાં સીતાજીને ઉપાડી લાવ્યો. હૈયા પર હાથ રાખીને કહેજો, સુંદર સ્ત્રીને જોઇને કયો પુરુષ નહીં લલચાતો હોય ? એ ક્ષણે દરેક પુરુષમાં છૂપાઇ બેઠેલો રાવણ જાગૃત થઇ જતો હોય છે. જાહેરમાં ભલે કોઇ કબૂલ ન કરે, પણ આ વૃત્તિ કુદરતી છે. એ માટે રાવણને દોષ દેવાનો કશો અર્થ ખરો ? 

આ પ્રસંગ બીજા બે ગૂઢ અર્થ ધરાવે છે. પહેલો અર્થ એ છે કે દરેક ભગવાધારી સાધુ હોય એ જરૂરી નથી. બીજો ગૂઢાર્થ એ કે ગમે તેટલો વિદ્વાન માણસ પણ દુર્જન હોઇ શકે છે. અત્યારે ઘણા ગૂમરાહ થયેલા જિહાદી યુવાનો માતબર વિદેશી ડિગ્રી ધરાવતા અને ઉચ્ચ શિક્ષણ પામેલા છે. રાવણ વિદ્વાન હતો પણ આખરે માણસ હતો. એની કમજોરી દરેક માણસમાં હોઇ શકે છે. 

રહી વાત દશાનનની. પ્રખર ગાંધીવાદી કવિ કરસનદાસ માણેક કહેતા કે દશાનન શબ્દ લોકશાહીનું પ્રતીક છે. લોકશાહીમાં પ્રધાન મંડળ હોય છે. રાવણને શાપ હતો કે તારા દસે મસ્તક જુદી જુદી વાત કરે ત્યારે તારો વિનાશ અચૂક સમજજે. પ્રધાન મંડળના તમામ પ્રધાનો ઊલટીસુલટી વાત કરે ત્યારે સરકારનું પતન અચૂક જાણવું. દસ મસ્તકની કવિ કલ્પના અદ્ભુત છે. રાવણને પૂજનારા કદાચ એના સદ્ગણોની પૂજા કરતા હશે એમ માનવામાં કશું ખોટું નથી. આમ પણ રાવણ વિના રામાયણમાં વાંચવા સાંભળવા જેવું રહે શું ? 


Comments