સંગીતની સોનેરી સફળતાનું સર્વોચ્ચ શિખર- મનોજ કુમારની ઉપકાર...

સંગીતની દ્રષ્ટિએ કલ્યાણજી આણંદજીની સોનેરી સફળતાનાં શિખરોમાં સર્વોચ્ચ ગણી શકાય એવી એક ફિલ્મ એટલે મનોજ કુમારની ઉપકાર. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે ધૂમ કમાણી કરી હતી. રોમાન્ટિક હીરો મનોજ કુમાર રાતોરાત દેશભક્ત ભારત તરીકે ઓળખાતો થઇ ગયો હતો. 

સૌથી મહત્ત્વની વાત એ હતી કે આગલાં પચીસ પચીસ વર્ષથી નાના-મોટા સૌને ડરાવતા ખલનાયક પ્રાણની ઇમેજ આ ફિલ્મથી રાતોરાત બદલાઇ ગઇ હતી. કાખઘોડી લઇને ચાલતા મલંગચાચાના પાત્રે રાતોરાત દર્શકોના માનસ પર જાદુ કર્યો હતો.

આ સંદર્ભમાં પ્રાણ સાથે થયેલી એક વાત યાદ આવે છે. એમના જ શબ્દોમાં- ‘મારી પુત્રી સતત મારી સમક્ષ ફરિયાદ કરતી કે પાપા સ્કૂલમાં મને બધા ગુંડાની દીકરી કહે છે. તમે નઠારા માણસ છો એવું બધાં કહે છે. હું એને સમજાવતો કે જો બેટા, હું માત્ર અભિનય કરું છું. તું તો મને ઓળખે છે ને, હું ખરાબ છું ખરો ? 

‘કોઇ તને બહુ પજવે ત્યારે એને કહેજે કે રામાયણમાં રાવણ ન હોય તો કથા વાંચવામાં કે સાંભળવામાં રસ પડે ખરો ? મહાભારતમાં શકુનિ અને દુઃશાસન ન હોય તો કથા સાંભળવામાં રસ પડે ખરો ? ફિલ્મોમાં પણ એવું જ છે. તું તો મને બરાબર ઓળખે છે, પરદા પર રજૂ થાય છે એવો હું છું ખરો ?’ પછી હસતાં હસતાં પ્રાણે ઉમેર્યું, ઉપકાર પછી થોડા સમય બાદ એને જ મારા સારા સારા રોલનો કંટાળો આવવા માંડ્યો અને એણે કહ્યું કે તમે પહેલાં કરતા હતા એવા જ રોલ કરો... 

ખેર, આપણે માત્ર આ ફિલ્મના સંગીતની વાત કરવી છે. મનોજ કુમારના આગ્રહને માન આપીને આ ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ પંજાબી લોકસંગીત અને સુગમ સંગીત પર આધારિત ગીતો રચ્યાં હતાં. ચાર ગીતકારો વચ્ચે આઠ ગીતો વહેંચાઇ ગયાં હતાં. કમર જલાલાબાદી, ઇન્દિવર, પ્રેમ ધવન અને ગુલશન બાવરા ગીતકારો હતા. 


એમાંય ગુલશન બાવરાએ તો ફિલ્મમાં એક નાનકડો રોલ પણ કર્યો હતો ફિલ્મનાં કેટલાંક ગીતોએ તો રીતસર દર્શકો પર ભૂરકી છાંટી હતી. આ ફિલ્મના મુખ્ય કહી શકાય એવા ગીતે મહેન્દ્ર કપૂરને રાતોરાત ટોચના ગાયકોની હરોળમાં મૂકી દીધો હતો. જેમ દિલીપ કુમાર માટે મુહમ્મદ રફી, દેવ આનંદ માટે કિશોર કુમાર અને રાજ કપૂર માટે મૂકેશ અનિવાર્ય ગણાતા એમ મનોજ કુમાર માટે મહેન્દ્ર કપૂર કાયમી ગાયક બની રહ્યો હતો. એને લઇને પછીથી જ્યારે આદમી ફિલ્મ બની ત્યારે મનોજ કુમારે વીટો વાપરીને નૌશાદને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂક્યા હતા. પરાણે મહેન્દ્ર કપૂરનું ગીત લેવડાવ્યું હતું.

ગુલશન બાવરાએ લખેલું મુખ્ય ગીત ‘મેરે દેશ કી ધતી સોના ઊગલે, ઊગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી...’  આજે પણ સુપરહિટ ગણાય છે અને રાષ્ટ્રીય પર્વો પર અચૂક સંભળાય છે. આ ગીત માટે કલ્યાણજી આણંદજીએ ભગીરથ પુરુષાર્થ કર્યો હતો એમ કહી શકાય. સવારે સાડા અગિયાર બારની આસપાસ શરૂ થયેલું રેકોર્ડિંગ રાત્રે દોઢ બે વાગ્યે પૂરું થયું હતું. 

પંજાબી ભાંગડા ડાન્સમાં વપરાય એવા મોટા ઢોલ અને ઢોલકથી માંડીને ડ્રમ સેટ જેવાં લયવાદ્યો, બાંસુરી, શરણાઇ, સેક્સોફોન જેવાં સુષિર વાદ્યો, બેઝ ગિટાર અને સ્પેનિશ ગિટારથી માંડીને સિતાર તથા મેંડોલીન જેવાં તંતુવાદ્યો.. અને આ બધાંની સાથોસાથ કોરસ માટે બોલાવેલા સંખ્યાબંધ ગાયકો...

આ ગીત માટે મહેન્દ્ર કપૂરને સારાં એવાં રિહર્સલ્સ કરાવ્યાં હતાં. એ દિવસોમાં મહેન્દ્ર કપૂર કલ્યાણજી આણંદજીના વિમલા મહાલમાં આવેલા મ્યુઝિક રૂમથી માત્ર બે બિલ્ડીંગ દૂર રહેતો હતો. આણંદજીભાઇ મ્યુઝિક રૂમમાંથી બૂમ પાડે તો મહેન્દ્રને સંભળાય એટલી નિકટતા હતી. આ ગીતે મહેન્દ્ર કપૂરને રીતસર પરસેવો પડાવ્યો હતો. 

આ ગીતમાં દેશી-વિદેશી બંને પ્રકારનાં વાજિંત્રો વાપરીને એક રીતે કહો તો કલ્યાણજી આણંદજીએ એક પ્રકારનું ફ્યૂઝન ગીત તૈયાર કર્યું હતું. જો કે એમ કરવું જરૂરી હતું કારણ કે કથાના પ્રવાહમાં એ દેખાડવું પડે એમ હતું. 

એક તરફ કથાનાયક ભારત ખેતરમાં આ ગીત ગાય છે ત્યારે બીજી બાજુ નાયકનો નાનો ભાઇ પૂરણ કુમાર (પ્રેમ ચોપરા) ક્લબમાં વેસ્ટર્ન મ્યુઝિક સાથે ડાન્સ કરે છે એવું દ્રશ્ય હોવાથી એક બાજુ ગ્રામ વિસ્તાર અને બીજી બાજુ શહેરી વિસ્તાર એવું સંગીતમાં પણ દર્શાવવું પડે એમ હતું. 

આ બધી બાબતોના સંકલન (કોર્ડિનેશન)માં સ્વાભાવિક રીતે જ કલાકો લાગી ગયા હતા. કલ્યાણજી આણંદજીએ ખૂબીપૂર્વક એ સિદ્ધ કર્યું હતું. આ ગીતે ધમાકો બોલાવ્યો હતો. (ક્રમશઃ)


Comments

  1. ખુબજ સુંદર લેખ. એક લેખ પ્રાણ સાહેબ પર આપશો તો આભારી થઇશ.

    ReplyDelete

Post a Comment