સપ્તશતી ચંડીપાઠનાં સાતસો શ્લોકોનો ગૂઢાર્થ સમજાવવાનો ભગીરથ પ્રયત્ન


હાલ શારદીય નવરાત્રિની ઊજવણી થઇ રહી છે. આદ્યશક્તિ અંબાજી માતાનાં નવદુર્ગા સ્વરૂપોની પૂજા આરાધના થઇ રહી છે. આમ તો બારેમાસ માતાજીનાં વિવિધ સ્વરૂપોની પૂજા કૂળદેવી સ્વરૂપે થતી હોય છે. કોઇ ખોડિયાર માતાને કૂળદેવી માને તો કોઇ દશામા-મોમાઇ માતાને કૂળદેવી તરીકે પૂજે, કોઇ મેલડીમાતાના ભક્ત હોય તો કોઇ બૂટભવાનીને માનતા હોય. 

અગાઉ મુંબઇના એક શક્તિપૂજક-સાધક જશવંત ભટ્ટે આપણી કૂળદેવીઓ નામે પુસ્તક પ્રગટ કરેલું. એમાં વિવિધ જ્ઞાતિ-જાતિના લોકોની કૂળદેવીઓના પ્રાગટ્યની કથાઓ હતી. આ પુસ્તકના અનુસંધાન રૂપે બીજો-ત્રીજો ભાગ પ્રગટ થવાનો હતો. એ થયો કે કેમ એની માહિતી પ્રગટ થઇ નહોતી.     

થોડાં વરસો પહેલાં ભાણદેવજીએ ગોંડલના શક્તિપૂજક શ્રી નાથાલાલ જોશી (પૂજ્ય ભાઇ)ના આશીર્વાદથી ત્રિપુર સુંદરી માતાની સ્તુતિના શ્લોકોનો ગૂઢાર્થ (રહસ્ય) સમજાવતું એક સુંદર સંકલન પ્રગટ કર્યું હતું. લઘુસ્તવ નામે આ પુસ્તક ભાણદેવજીએ પોતે પ્રગટ કર્યું હતું. એમની પહેલાં આ કામ ગુજરાતી ભાષાના અધ્યાત્મ પુરુષ એવા સાંઇ કવિ મકરંદ દવેએ કર્યું હતું. મકરંદભાઇનું એ પુસ્તક હાલ અપ્રાપ્ય છે. ભાણદેવજીનું પુસ્તક મળે છે ખરું.

કેટલાક વિદ્વાનો માને છે કે ભક્તિના શૈવ પંથ, વૈષ્ણવ પંથ વગેરે જે વિવિધ પંથો છે એ બધાંમાં શક્તિ કે શાક્તપંથ સૌથી દુષ્કર છે. એની સાધના કરનારે કઠણ વ્રતો કરવાની તૈયારી રાખવી પડે. માતાજી જરાય બાંધછોડ ન ચલાવી લે. કૂળદેવી સ્ર્વરૂપે પૂજો કે નવદુર્ગા સ્વરૂપે, દૈહિક પવિત્રતા અને શ્રદ્ધાયુક્ત મન બંને અનિવાર્ય ગણાય.

આપણાં પ્રાચીન ગ્રંથો મોટે ભાગે સંસ્કૃત ભાષામાં અને તેય કાવ્ય (પદ્ય) સ્વરૂપે છે. સંસ્કૃત ભાષા એટલી બધી સમૃદ્ધ પણ જટિલ છે કે દરેક પદ્યના શબ્દાર્થ અને ગૂઢાર્થ આમ આદમીને સમજાય નહીં. એ સમજાવવાના સંનિષ્ઠ પ્રયાસો સૈકાઓથી થતા રહ્યા છે. 

એક દાખલો લઇએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના સેંકડો ભાવાનુવાદો થયા છે. દરેક ભાવાનુવાદ વખણાયો છે. દરેક ભાવાનુવાદના હજારો ચાહકો છે.

તાજેતરમાં એવોજ એક દુર્લભ ભાવાનુવાદ ગ્રંથ હાથમાં આવી ગયો. સ્વામી ચિદ્રૂપાનંદ (સંસારી નામ ચંદ્રકાંત મૂળશંકર જાની) અને સાધ્વી દયાશ્રીબાળાએ સાતસો શ્લોક ધરાવતા સપ્તશતી ચંડીપાઠના ગૂઢાર્થને સમજાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. આપણે બધાં ‘યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ’ યંત્રવત્ બોલી જઇએ છીએ. પરંતુ એના હાર્દને જાણતા કે સમજતા નથી. જો કે ગોંડલના પૂજ્ય નાથાભાઇ જોશી કહેતા કે અર્થ ન જાણતા હો તો કશો વાંધો નહીં. શ્રદ્ધાપૂર્વક કરેલા પઠનનો પ્રભાવ તો અચૂક પડે જ છે. 

સ્વામી ચિદ્રુપાનંદે અગાઉ કૂળદેવીના રહસ્યને સમજાવતું પુસ્તક માતૃકા રહસ્ય આપેલું. ત્યાર પછી પૂર્ણા-અન્નપૂર્ણા આપ્યું. સપ્તશતી ચંડીપાઠના ગૂઢ રહસ્યનું તેમનું સંપૂર્ણ સંપાદનકાર્ય પુસ્તક રૂપે પ્રગટ થાય એ પહેલાં એમનું દેહાવસાન થઇ ગયું. ગયા વરસે કોરોનાએ તેમને છીનવી લીધા. 

જો કે સપ્તશતી ચંડીપાઠના રહસ્યનો પહેલો  ભાગ દળદાર ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયો ખરો. અત્યંત આકર્ષક મુખપૃષ્ઠ અને સ્વચ્છ મુદ્રણ દ્વારા જિજ્ઞાસુઓને સંતોષે એવું આ વિરાટ કાર્ય થયું છે. આ ગ્રંથના બીજા બે ખંડ પ્રગટ થવાના બાકી છે.

પુરાણોક્ત કથા પ્રમાણે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના પતિ દેવાધિદેવ મહાદેવની અવગણના થઇ એટલે સતી પાર્વતીએ અગ્નિસ્નાન કર્યું. શિવે સતીના પાર્થિવ દેહને ખભે લઇને તાંડવ નૃત્ય આદર્યું. 

એમને શાંત કરવા વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના દેહના નાના નાના ટુકડા કર્યા. એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા એ સ્થળને આપણે શક્તિપીઠ કહીએ છીએ.આજે આવી બાવન શક્તિપીઠ આપણી સમક્ષ છે.આપણે દરેક શક્તિપીઠની પૂજા આરાધના કરીએ  છીએ. એવી એક શક્તિપીઠ હિંગળાજ માતાની છે. આ પીઠ આજે પાકિસ્તાનમાં છે. 

આદ્યશક્તિ માતા અંબાજીની વિવિધ સ્તુતિ-સ્તોત્રના ગૂઢાર્થ આમ આદમી સુધી પહોંચાડવાના સ્વામી ચિદ્રુપાનંદજીના આ ભગીરથ પ્રયત્નને દરેક સાધકે બિરદાવવા રહ્યા.


Comments

Post a Comment