કશ્મીરના ડાલ સરોવરનો ગરીબ, નિષ્કપટ બોટવાળો અને મુંબઇના શ્રીમંત પિતાની પુત્રી વચ્ચેની પ્રણયકથા બ્રિજ કાત્યાલે લખી હતી અને સૂરજ પ્રકાશે એના પરથી જબ જબ ફૂલ ખિલે નામની ફિલ્મ બનાવી હતી. 1960ના દાયકામાં રજૂ થયેલી આ ફિલ્મે 1965ના વરસે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરનારી ફિલ્મોમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું.
ફિલ્મની સફળતામાં કલ્યાણજી આણંદજીના સંગીતનો પણ ધીંગો ફાળો હતો. જો કે ફિલ્મમાં રજૂ થયેલા કશ્મીરનું પણ અનેરું આકર્ષણ હતું. એ દિવસોમાં કશ્મીર ખરા અર્થમાં ભાઇચારાથી ખીચોખીચ હતું. હિન્દુ-મુસ્લિમ પ્રજા વચ્ચે અનેરી એકતા હતી. પોલિટિશ્યનોએ દાટ વાળી નાખ્યો.
ગયા સપ્તાહે જે ગીતોની વાત કરી એ પછી બાકીનાં ગીતોની ઝલક પણ મેળવવા જેવી છે. પુત્રીને ગરીબ બોટવાળા પ્રત્યેના આકર્ષણથી મુક્ત કરવા પિતા (અભિનેતા કમલ કપૂર) એક ત્રાગડો રચે છે. એક ભવ્ય પાર્ટી યોજે છે. એ પાર્ટીમાં મુક્ત સહચારમાં માનતા યુવાનો શરાબની મોજ માણતા એકબીજાના પ્રિયપાત્ર સાથે ડાન્સ પણ કરે છે.
બોટમેન રાજા એ જોઇને અપસેટ થઇ જાય છે. એ પ્રસંગે એ એક ગીત ગાય છે. હવે આપણા સૌની લાડકી બની ગયેલી રાગિણી ભૈરવીમાં સ્વરબદ્ધ આ ગીત હૃદયસ્પર્શી બન્યું છે. મુખડું છે ‘યહાં મૈં અજનબી હું, મૈં જો હું બસ વહી હું, યહાં મૈં અજનબી હું...’ ધીમી લયના કહેરવામાં આ ગીત ખરેખર માણવા જેવું બન્યું. સાંભળનારને ગમગીન કરી દે એવી તર્જ હતી.
એની તુલનાએ લતાના ફાળે આવેલું ગીત પ્રેમમાં પડવાની તૈયારીમાં હોય એવી યુવતીના મનોભાવને તાદ્રશ કરે છે. ‘યે સમા, સમા હૈ યે પ્યાર કા, કિસી કે ઇન્તજાર કા, દિલ ના ચુરાયે કહીં મેરા મૌસમ બહાર કા... ’
અને થોડા ખંચકાટ પછી બંને પાત્રો પ્રેમમાં પડે ત્યારે સ્વાભાવિક રીતે ગીત પ્રગટે છે- ‘ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે, કરનાથા ઇન્કાર મગર ઇકરાર તુમ્હીં સે કર બૈઠે...’ આ ગીતના શબ્દોમાં જે તરવરાટ છે એ સંગીતકારો તર્જમાં પ્રગટાવી શક્યા છે એ તેમની વિશેષતા ગણાય.અગાઉના બંને ગીતોની તુલનાએ અહીં લય પણ ફાસ્ટ છે.
એથી પણ વધુ ફાસ્ટ લય ધરાવતું એક ગીત મુહમ્મદ રફીએ શમ્મી કપૂરની સ્ટાઇલમાં ગાયું છે. ‘અફ્ફુ ખુદાયા, વાહ્ વાહ્ વાહ્ વાહ્, ઇસ દિવાને દિલ ને ક્યા જાદુ ચલાયા, તુમ કો હમ પે પ્યાર આયા, હમ કો તુમ પે પ્યાર આયા... ’ પ્રેમમાં ખુવાર થવાની પણ રાજાની તૈયારી છે. અંતરામાં કહે છે, ‘જી દિયા મૈંને, જી લિયા મૈંને, અબ ચાહે જમાના મુઝે ગોલી માર દે, રાજા કે શિકારે કો ભંવર મેં ઉતાર દે, આગે જી કે ક્યા કરના હૈ...’
એક ગીત લતાએ ગાયું છે. ફિલ્મની કથાને કે બીજી કોઇ રીતે એ પૂરક નીવડતું નથી. જો કે સાંભળવું ગમે ખરું. મૈં જો ચલી હિન્દુસ્તાન સે તો જા પહુંચી અમરિકા... મુખડું ધરાવતા આ ગીતમાં ફ્યૂઝન ટાઇપની તર્જ છે.
આ ફિલ્મના સંગીતે કલ્યાણજી આણંદજીને ટોચના સંગીતકારોની હરોળમાં બેસાડી દીધા. બિનાકા ગીતમાલામાં પણ આ ફિલ્મનાં ગીતો ગૂંજ્યાં. સંગીતરસિકો ગણગણતા થયા. રાતોરાત તેમની ડિમાન્ડ વધી ગઇ.1964 અને ’65ના વર્ષમાં જે જે ફિલ્મોમાં આ બંધુબેલડીએ સંગીત પીરસ્યું એ તમામ ફિલ્મો સંગીતની દ્રષ્ટિએ હિટ નીવડી. સમીક્ષકો પણ એટલું સ્વીકારતા થયા કે આ બંધુ બેલડી કને લોકનાડ પારખવાની પ્રતિભા છે. સૌથી મહત્ત્વની વાત એ હતી કે વિઘ્નસંતોષીઓના બેફામ અવળા પ્રચાર છતાં કલ્યાણજી આણંદજીની છેલ્લી ત્રણે ફિલ્મો એટલે કે ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી, હિન્દી ફિલ્મો હિમાલય કી ગોદ મેં અને જબ જબ ફૂલ ખિલેએ થિયેટરોમાં સિલ્વર જ્યુબિલી ઊજવી. (આજની પેઢીના રસિકો માટે સિલ્વર જ્યુબિલી એટલે ફિલ્મ સતત પચીસ સપ્તાહ સુધી ચાલી. ફિલ્મ સર્જકોને ધીકતી કમાણી થઇ.)
Wah!
ReplyDelete