1965માં રજૂ થયેલી મધ્યમ કક્ષાની બે ફિલ્મોનું સંગીત પણ સરસ ગૂંજ્યું....

 


જબ જબ ફૂલ ખિલે પછી એક મેગાહિટ ફિલ્મની વાત કરવાની ઇચ્છા હતી. પરંતુ મૂકેશનાં કેટલાંક ગીતો લેખકને પણ ખૂબ ગમતાં હોવાથી 1964-65ના સમયગાળામાં રજૂ થયેલી બે મધ્યમ કક્ષાની  ફિલ્મોની વાત કરવી જરૂરી જણાઇ. પહેલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ સર્જક મહિપતરાય શાહની પૂર્ણિમા હતી. નરેન્દ્ર સૂરી એના નિર્દેશક હતા. બીજી અર્જુન હિંગોરાણીએ બનાવેલી ફિલ્મ સહેલી હતી. દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી સાથે થયેલા ધર્મેન્દ્ર અને અર્જુન હિંગોરાણીની જોડી જામી ગઇ  અને પાછળથી કેટલીક સરસ ફિલ્મો બંનેએ સાથે કરી. 

પૂર્ણિમા ફિલ્મમાં ધર્મેન્દ્ર અને મીનાકુમારી ચમક્યાં હતાં. સહેલીમાં પ્રદીપ કુમાર અને કલ્પનાએ મુખ્ય ભૂમિકા કરી હતી. બોક્સ ઑફિસ પર  આ બંને ફિલ્મો ઠીક ઠીક ચાલી હતી. બંને ફિલ્મોનું સંગીત લોકપ્રિય થયું હતું અને મૂકેશે ગાયેલાં ગીતો તો એના ચાહકોએ સાચવી રાખવા પડે એવાં બન્યાં હતાં.


પૂર્ણિમા ફિલ્મમાં ભરત વ્યાસ અને ગુલઝારનાં ગીતો હતાં. એમાંય અમુક ગીત તો આજે પણ સુસંગત છે એમ કહી શકાય. દાખલા તરીકે આ ગીત- ‘ઓ ઇસ દેશ કે રહનેવાલોં, નારી કો દેવી કહનેવાલોં, મા કે સપૂતો, બહનોં કે ભાઇ, જરા સુનતે જાના યહ મેરી કહાની...’ આજે જ્યારે બળાત્કાર રોજની ઘટના થઇ પડી છે ત્યારે આ ગીત યાદ કરવા જેવું છે. ગીતના શબ્દો અને તર્જ બંને સરસ બન્યાં હતાં.

મૂકેશના જે ગીતની વાત કરવી છે એ આ રહ્યું- ‘તુમ્હેં જિંદગી કે ઉજાલે મુબારક, અંધેરે હમેં આજ રાસ આ ગયે હૈં...’  ભૈરવીમાં સ્વરબદ્ધ થયેલી આ તર્જ દસ માત્રાના ઝપતાલ (ધીંના ધીં ધીં ના, તીં ના ધીં ધીં ના)માં બાંધેલી છે અને કલ્યાણજીભાઇ હસતાં હસતાં કહેતાં કે મુકેશ કરતાં ધર્મેન્દ્રને વધુ રિહર્સલ્સ કરાવવા પડ્યા હતા. લીપ રિડિંગમાં ગરબડ ન થાય એ જરૂરી હતું. જો કે ડાયરેક્ટરે ક્યાંક ક્યાંક લોંગ શોટ લઇને એ મર્યાદા છૂપાવી હતી.

એવું એક યાદગાર ગીત એટલે મૂકેશ અને લતાનાં કંઠમાં રજૂ થયેલું ‘હમસફર મેરે હમસફર, પંખ તુમ પરવાઝ હમ, જિંદગી કા સાજ હો તુમ, સાજ કી આવાજ હમ...’ સાવ સરળ શબ્દોમાં ગુલઝારે પ્રણયને કેવી નજાકતથી પેશ કર્યો છે. આ ગીતમાં પણ શબ્દો અને તર્જ એકબીજાની સાથે દૂધ-સાકરની જેમ એકરસ થઇ ગયાં છે. આ ગીત આજે પણ એટલુંજ તાજગીપૂર્ણ લાગે છે.

સહેલીનાં બે ગીતોની વાત ખાસ કરવી છે. એક ગીત પહેલીવાર મૂકેશના અને બીજીવાર લતાના કંઠમાં છે. શબ્દો ઇન્દિવરના છે. શબ્દો ઉદાસીના અને પ્રણયભંગ થયો હોય એવા છે. બહુ યાદગાર ગીત છે. અહીં પણ ભૈરવી છે. કહેરવા તાલમાં રજૂ થયેલા આ ગીતમાં મૂકેશ વધુ પ્રાણ રેડી શક્યા છે કે લતા એ રસિકોએ પોતે નક્કી કરવું રહ્યું.

એ યાદગાર ગીત આ રહ્યું- ‘જિસ દિલ મેં બસા થા પ્યાર તેરા, ઉસ દિલ કો કભી કા તોડ દિયા હાય તોડ દિયા, બદનામ ન હોને દેંગે તુઝે, તેરા નામ હી લેના છોડ દિયા હાય છોડ દિયા...’ 

આ ગીતમાં તો તર્જ ઉપરાંત ઇન્ટરલ્યૂડમાં પણ જે રીતે વાદ્યોનો ઉપયોગ થયો છે એ વેદનાને વધુ ઘુંટી રહ્યાં હોય એવું લાગ્યા કરે છે. સૂરાવલિમાં પણ જાણે વલવલાટ છે. વિઘ્નસંતોષીઓની બોલતી સદાને માટે બંધ થઇ જાય એવું કામ અહીં સંગીતકારોએ કરી બતાવ્યું છે.

પ્રણયભંગ થયાનો આઘાત કેવો છે એ અંતરામાં વ્યક્ત થયું છે. આખું ગીત અહીં લખવાની લાલચ થાય પરંતુ સ્થળસંકોચને કારણે ફક્ત એકાદ બે પંક્તિ જોઇએ- નાયિકા કહે છે- ‘તૂ ઔરોં કા, કોઇ ઔર તેરા, દુનિયા મેં હમ ક્યોં જિંદા હૈં, હમ બનકર ક્યોં દિવાર રહે, યહ સોચ કે હમ શર્મિંદા હૈં...’

એવુ્ંજ એક સરસ રોમાન્ટિક ગીત હેમંત કુમાર અને લતાના કંઠમાં છે- ‘ઇતના તો કહ દો હમ સે કે તુમ સે પ્યાર હૈ, મેરી ખામોશી સજના મેરા ઇકરાર હૈ...’  એક ગીત ખુશી ભી આયી તો ઐસી આયીમાં લતાએ ગજબ જમાવટ કરી છે.

આ ફિલ્મના સર્જક ને પણ કલ્યાણજીભાઇનું ક્લેવોયલિન કદાચ યાદ હશે. એક ગીતમાં બીનને યાદ કર્યું છે. ઇન્દિવરના શબ્દોને લતાએ કંઠ આપ્યો છે. ‘કાહે તૂ બીન બજાયે રે સપેરે ...’ 

નાગિનમાં કલ્યાણજીએ બીન બજાવેલું. યોગાનુયોગે નાગિનનો હીરો પ્રદીપ કુમાર અહીં પણ હીરો છે.


Comments

Post a Comment