દિવસે દિવસે બધિરતાના કેસ વધી રહ્યા છે, ઇ.એન.ટી. નિષ્ણાતોની વધી રહેલી ચિંતા

 


તમે નિયમિત અખબારો વાંચતાં હો તો આ ઘટના તમને જરૂર યાદ હશે. અમદાવાદના ગાંધીગ્રામ સ્ટેશનેથી બોટાદ તરફ જતી ટ્રેનના પાટા પર ચાલી રહેલા એક હોનહાર ડોક્ટર ટ્રેનની હડફેટમાં આવી જતાં ત્યાં ને ત્યાં મરણ પામ્યા હતા. આ ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું કે અમે ખૂબ બૂમાબૂમ કરી હતી પરંતુ ડોક્ટરના બંને કાનમાં હેડફોન હતા અને એ મોબાઇલ ફોન પર કોઇ મનગમતાં ગીતો સાંભળી રહ્યા હતા એટલે ટ્રેનના મોટરમેને સતત વગાડેલું હોર્ન પણ એ સાંભળી શક્યા નહોતા.

આ ઘટના એકલદોકલ નથી. મોબાઇલ ફોનની ટેક્નોલોજી માનવજાત માટે ઉપકારક છે તેમ એક પ્રકારનું જોખમ પણ સાબિત થઇ રહ્યું છે. તમે સડક પર ચાલ્યા જતા હો ત્યારે અચૂક જોયું હશે. દસમાંથી આઠ ટુ વ્હીલર ચાલકોના કાનમાં હેડફોન હોય છે. પગે ચાલ્યા જતા મોટા ભાગના લોકોનું ધ્યાન પણ ઘણીવાર પોતાના મોબાઇલમાં હોય છે. 

શક્ય છે, કોઇ મહત્ત્વનો એસએમએસ કે વ્હોટ્સ એપ સંદેશો વાંચી રહ્યા હોય. પરંતુ એને કારણે અકસ્માતો વધે છે અને ઘણા તેજસ્વી યુવાનો અકાળે જાન ગુમાવે છે. આમ લેટેસ્ટ ટેક્નોલોજી વરદાનની સાથોસાથ અભિશાપ જેવી પુરવાર થઇ રહી છે.


ટોચના ઇ.એન.ટી.( કાન, નાક અને ગળાના) નિષ્ણાત ડોક્ટરો સતત ચેતવણી આપી રહ્યા છે કે જે રીતે કાનમાં હેડફોન નાખીને ટીનેજર્સ રોજ કલાકો વીતાવે છે એ જોતાં આવતાં દસ બાર વર્ષમાં બધિરતાના કેસમાં જબરો ઊછાળો આવશે. એક તરફ ટ્રાફિકનો ઘોંઘાટ અને બીજી તરફ હેડફોનમાં સંભળાતાં મનગમતાં ગીતોમાં લીન ટીનેજર્સ. પરિસ્થિતિ બહુ જોખમી થઇ રહી છે એવું આ ડોક્ટરો ભારપૂર્વક કહે છે.

બીજી બાજુ સરકારી નીતિ પણ જાણવા જેવી છે. તમે વિદેશથી કોઇ મોંઘું શ્રવણયંત્ર (હિયરીંગ એઇડ) મંગાવો તો સાડા ચારસો ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ભરવી પડે. એટલે શ્રવણયંત્રો બનાવતી સ્થાનિક કંપનીઓ પણ શ્રવણયંત્રના છૂટા ભાગ મંગાવીને અહીં એસેમ્બ્લીંગ કરીને આપે છે. એમાંય છેલ્લાં થોડાં વરસોથી ચીની બનાવટનાં હિયરીંગ એઇડે જબરો પગપેસારો કર્યો છે. દસેક વર્ષ પહેલાં આટલાં બધાં ચીની હિયરીંગ એઇડ વેચાતાં નહોતા. આજે તો ચીની મોબાઇલ ફોન અને રમકડાંની જેમ ચીની હિયરીંગ એઇડ ધૂમ વેચાચ છે. 

પોતાની ઓળખ છૂપાવીને એક વિતરકે કહ્યું કે ચીની બનાવટનાં યંત્રોમાં નફાનું પ્રમાણ વધુ હોવાથી વિતરકો લલચાઇ જાય છે. પરંતુ એ યંત્રોની આવરદા ખૂબ ઓછી હોય છે. છેલ્લાં ચાલીસ પચાસ વર્ષથી ભારતમાંજ ભરોસાપાત્ર શ્રવણચંત્ર બનાવીને (એસેમ્બ્લીંગ કરીને) વેચતી એક પ્રતિષ્ઠિત કંપની હાલ આર્થિક મુશ્કેલીનો શિકાર બની જતાં એના ઉત્પાદન અને વિતરણને પ્રતિકૂળ અસર થઇ. જો કે કંપનીના ચુવાન સંચાલકે વધતી જતી માગને પહોંચી વળવા કમર કસી છે અને તનતોડ મહેનત કરી રહ્યા છે.

એક પેશન્ટના સ્વજનોએ એવી પણ ફરિયાદ કરી કે કેટલાક (હા, કેટલાક જ બધાં નહીં), ઇ.એન.ટી. ડોક્ટરો પણ પોતાને લાભ થાય એવાં શ્રવણયંત્રોની ભલામણ કરે છે. એ શ્રવણયંત્ર કયા વિતરક પાસેથી લેવું એનો પણ આ ડોક્ટરો આગ્રહ સેવે છે. મેડિકલ કાઉન્સિલે આ મુદ્દે પણ તાકીદે પગલાં ભરવાની જરૂર છે.

મહત્ત્વની વાત એ છે કે સરકાર આવાં જરૂરી સાધનો પરની આયાત ડ્યૂટી ઘટાડતી કેમ નથી. આમ તો દિવ્યાંગો માટેની સરકારી યોજનાઓ વિશે ગાઇ વગાડીને પ્રચાર કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં એવી કોઇ સુવિધા કે સગવડ ઉપલબ્ધ નથી. જે રીતે હાલ ઇ.એન.ટી. નિષ્ણાતો બધિરતાના કેસ વધવાની દહેશત વ્યક્ત કરે છે એ જોતાં ટીનેજર્સનાં માબાપ અને સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા ત્વરિત પગલાં લેવાં જોઇએ.

Comments

  1. ડિજિટલ શ્રાવણ યંત્રોની કિંમત રૂ. ૪૦,૦૦૦/- થી શરૂ થાય છે. સામાન્ય આવક ધરાવતા નાગરિકને કેવીરીતે પરવડે!!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment