લગભગ 1993-94ની વાત છે. વિશ્વના શ્રેષ્ટ ગિટારવાદકોમાં મોખરાનું સ્થાન ભોગવતો સ્ટીવ ટિબ્બેત તિબેટના એક બૌદ્ધ મઠની મુલાકાતે આવ્યો હતો. બૌદ્ધ સાધુઓના ધ્યાનની પદ્ધતિ શીખવામાં એને રસ હતો. એક દિવસ સંધ્યાકાળે એ મઠમાં લટાર મારી રહ્યો હતો ત્યારે એણે એક અલૌકિક કંઠ સાંભળ્યો. કોઇ સાધ્વી તિબેટિયન બૌદ્ધ સાધુઓ જે મંત્રજાપ કરે છે એ ઓમ્ મણિપદ્મે હુમ્ ગાઇ રહી હતી.
સ્ટીવ ટોચનો રેકોર્ડ પ્રોડ્યુસર પણ છે. એણે દુનિયાભરના ગાયકોને સાંભળ્યા હતા. પરંતુ આ સાધ્વીના કંઠમાં એને પારલૌકિક પવિત્રતાનો અહેસાસ થયો. કંઠની શોધમાં એ મઠમાં ઘૂમી વળ્યો. એક સ્થળે એકવીસ બાવીસ વર્ષની એક સાધ્વી આ મંત્ર ગાઇ રહી હતી. સ્ટીવ તો આ ચુંબકીય કંઠ સાંભળીને પાષાણવત્ સ્થિર થઇ ગયો.
થોડીવારે સાધ્વીએ ગાવાનું પૂરું કર્યું ત્યારે સ્ટીવે એને સવિનય પૂછ્યું કે શું હું તમારો કંઠ રેકોર્ડ કરી શકું ? ‘ એે માટે મારા ગુરુની પરવાનગી લેવી પડે. હું એક સાધ્વી છું, ધંધાદારી ગાયિકા નથી...’ સાધ્વીએ પણ એટલાજ વિવેકથી જવાબ આપ્યો. સ્ટીવ તો આ દિવ્ય કંઠના કામણથી વશીભૂત થઇ ચૂક્યો હતો.
એ તરત આ સાધ્વીના ગુરુને મળ્યો અને તેમને સતત વીનવણી કરીને આ સાધ્વીના કંઠને રેકોર્ડ કરવાની પરવાનગી મેળવી. જો કે ગુરુની એક શર્ત હતી કે બૌદ્ધ ધર્મના મંત્રો અને સ્તવનો સિવાય સાધ્વી કશું નહીં ગાય.
સ્ટીવ ફરી કાઠમંડુની નેગી કેવ્સમાં પાછો ફર્યો. સાધ્વીના ગુરુને ભાઇબાપા કર્યા. ગુરુએ રજા આપી. સાધ્વી પહેલીવાર દુનિયાના પ્રવાસે નીકળી. સાચું માનજો, જ્યાં જ્યાં એના સ્ટેજ શો થયા ત્યાં હજારો સંગીતરસિકો અને ટોચના સંગીતકારો ઉમટી પડ્યા. આ સાધ્વીને રસિકો અની (તિબેટિયન ભાષામાં અની એટલે સાધ્વી) ચોયીંગ દ્રોલ્માના નામથી પિછાણે છે.
વાસ્તવમાં ચોયીંગ એક એવા પરિવારની પુત્રી છે જ્યાં પતિ રોજ પત્નીને કોઇ વાંક ગુના વિના ઢોરમાર મારતો હતો. એ સમયે યોયીંગ નાનકડી બાળકી હતી. પિતાનો રાક્ષસી માર સહી લેતી માતાને જોઇને એણે નિશ્ચય કર્યો કે હું કદી લગ્ન નહીં કરું.
એની માતાએ એને સમજાવી કે આપણા સમાજમાં માત્ર સાધુઓને અપિરિણીત રહેવાની છૂટ છે. તારે લગ્ન ન કરવા હોય તો સંન્યસ્ત સ્વીકારવું પડશે. ચોયીંગે સંન્યાસ લેવાનો મક્કમ નિર્ધાર કર્યો. 13 વર્ષની વયે એને કાઠમંડુની નેગી કેવ્સ (ગુફા)માં આવેલા બૌદ્ધ મઠના વડા સાધુને સોંપી દેવામાં આવી.
ચોયીંગનો કંઠ સાંભળીને એની પ્રતિભા પારખી ગયેલી મઠના વડા સાધુની પત્નીએ એને સંગીતની તાલીમ આપી. એેને બૌદ્ધ મંત્રો ગાતાં શીખવ્યું. સ્ટીવે એને સાંભળી ત્યારે એને સાધ્વી થયાને લગભગ દસ વર્ષ થવા આવ્યાં હતાં. એની સાધના રંગ હવે લાવી રહી હતી.
આજે તો એ પોતાના બૌદ્ધ મંત્રગાનથી વિશ્વપ્રવાસી બની ચૂકી છે. યૂરોપનું મિડિયા કહે છે કે દલાઇ લામા કરતાં પણ અની ચોયીંગ દ્રોલ્મા વધુ લોકપ્રિય છે. જો કે એ પહેલાં જેવીજ નમ્ર છે અને મંચ પર જીવંત પ્રોગ્રામ આપતાં પહેલાં અચૂક ધ્યાન અને પ્રાર્થના કરે છે.
અહીં એક આડવાત. આપણે ત્યાં સાધુસંતો ગાતાં હોય એ વાતની નવાઇ નથી. ગુજરાતની વાત કરીએ તો નારાયણ સ્વામી, લાલદાસ બાપુ, ક્હાનદાસ બાપુ, સ્વામીનારાયણ સંતો અને બીજા કેટલાક સંતો પોતાના ભજનો દ્વારા લોકોને ભક્તિરસનું પાન કરાવે છે. અધ્યાત્મને વરેલા કવિ મકરંદ દવેના માનસપુત્ર સમા ડોક્ટર નિરંજન રાજ્યુગુરુ પણ એમની ભજનશૈલી માટે પંકાયેલા છે. અની ચોયીંગ દ્રોલ્મા બૌદ્ધ મંત્રગાન દ્વારા રસિકોને મુગ્ધ કરે છે એ એની વિશેષતા છે. સ્ટીવ ટિબેતે એના ડઝનબંધ આલ્બમ પણ પ્રગટ કર્યા છે જે ધડાધડ વેચાયાં અને બેસ્ટ સેલર સાબિત થયાં છે.
I have heard her on YouTube. Her voice is indeed divine. It emits amazing sense of peace and purity.
ReplyDelete