શાસ્ત્રીય અને લોકસંગીતથી સજેલી ફિલ્મ જોહર ઇન કશ્મીરનું સંગીત ગૂંજ્યું...

 


જોહર મહેમૂદ ઇન ગોવા રજૂ થયા પછીના વરસે જોહર ઇન કશ્મીર ફિલ્મ રજૂ થઇ. એ બંને ફિલ્મોની વચ્ચે સંગીતકાર કલ્યાણજી આણંદજીની બીજી કેટલીક હિટ ફિલ્મો આવી ગઇ. જોહરની સિરિઝની કન્ટીન્યૂઇટી જાળવવા આ ફિલ્મના સંગીતની વાત વચ્ચે લીધી છે.

જોહર ઇન કશ્મીર ફિલ્મમાં હિટ ફિલ્મનો ઘણો મસાલો હતો. દેશના ભાગલા સમયની હિંસાખોરી, પ્રણય ત્રિકોણ, બે પિત્રાઇ ભાઇ વચ્ચે એક સુંદર યુવતી માટે ખેંચતાણ, પ્રિયતમાની સલાહ માનીને લશ્કરમાં જોડાતો યુવાન, દરવેશના વેશમાં ભારતીય સીમામાં ઘુસીને ખૂનામરકી આચરતા પાકિસ્તાની સૈનિકો વગેરે વગેરે. 

આ ફિલ્મે બોક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. લેખક અને મુખ્ય ભૂમિકા જોહરનાં હતાં. એણે મુસ્લિમ યુવાનનો રોલ કર્યો હતો. આઇ એસ જોહર, સોનિયા સાહની, કમલ કપૂર, રાજન હક્સર, મનમોહન કૃષ્ણ, સુલોચના લાટકર, મુકરી વગેરે કલાકારો ચમક્યાં હતાં.

એક રીતે જુઓ તો આ ફિલ્મના સંગીતે કલ્યાણજી આણંદજીનું નામ આંતરરાષ્ટ્રીય લેવલે જાણીતું કરી દીધું હતું. આમ થવાનું કારણ એનું એક ગીત હતું. ઇન્દિવરે લખેલા એ ગીતના શબ્દો હતા- ‘જન્નત કી તસવીર હૈ, તસવીર યે ના દેંગે, હાથોં મેં કિસી ગૈર કે તકદીર ના દેંગે, કશ્મીર હૈ ભારત કા કશ્મીર ના દેંગે...’

મટકી પર ખેમટા તાલના રણકારથી ગીતનો આરંભ થાય છે. ભૈરવીમાં કશ્મીરી લોકસંગીતના સ્વરોનો સમન્વય કરીને બનાવેલી તર્જને મુહમ્મદ રફીએ બુલંદીથી ગાયું. આ ગીત હિટ નીવડ્યું ત્યારે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું અને એણે રાજકીય લેવલે વિરોધ કર્યો. 

ચીન સાથેના 1962ના યુદ્ધમાં માર ખાધા પછી પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન થયું હતું. એમના અનુગામીની એ સમયની કોંગ્રેસ સરકારે ગીત પર પ્રતિબંધ લાદી દીધો.

એને કારણે ઊલટું એ ગીત વધુ લોકપ્રિય થયું અને યૂરોપ તથા અમેરિકામાં વસતા ભારતીયોએ ઉમળકાભેર એ ગીત મેળવીને સાંભળ્યું. ગીતના સંગીતકાર તરીકે કલ્યાણજી આણંદજીનું નામ પણ વિદેશોમાં ગાજ્યું.



એક ગીત બાળકના કંઠમાં લતાએ ગાયું છે. ઇન્દિવરે દરેક બાળકને પ્રેરણા મળે એવી રચના કરી છે- ‘મમ્મી મૈં તો સીખુંગા ગોલી ચલાના, લીડર ન બનુંગા, મુઝે ફૌજી અફસર બનાના... ’ અંતરામાં કહ્યું, ‘હમલા જિસને કિયા વતન પર, ઉસકો મૈં ન છોડુંગા, એક ટૈંક દુશ્મન કા મમ્મી, અભી અભી મૈં તોડુંગા...’ 

લશ્કરના બેન્ડ સાથે જવાનો કૂચ કરતા હોય એ પ્રકારનાં તર્જ અને લય દ્વારા આ ગીત દ્વારા ઊગતી પેઢીને જોમ ચડાવવાનો પુરુષાર્થ હતો.

આમ તો આ ફિલ્મનાં બધાં ગીતો સરસ હતાં. આ લખનારને સૌથી વધુ ગમતું ગીત પણ લતાના કંઠમાં હતું. ફરી એકવાર ભૈરવીની આગવી છાપ ધરાવતું એ ગીત નાયિકાની મનોવેદના રજૂ કરે છે. ‘ બન ગઇ દિવાર દુનિયા, આ નહીં સકતે, પાકે તેરા પ્યાર તુઝકો પા નહીં સકતે...’ આ ગીતની તર્જમાં ઘુંટાયેલી વેદના અને નાયિકાની મજબૂરી અનુભવાય છે. ઇન્દિવર અંતરામાં કહે છે, ‘દૌર વો આયા, બલા હૈ જિંદગી, જુલ્મ ઉલ્ફત હૈ, સજા હૈ જિંદગી, હો દિલ હૈ વફા કિતની હૈ, દિખલા નહીં સકતે...’

આ ગીત પણ બિનાકા ગીતમાલામાં સારું એવું ગૂંજ્યું હતું. વડીલ વયના સંગીત રસિકોને યાદ હશે.

આ ફિલ્મમાં એેક સરસ કવ્વાલી રજૂ કરવાની તક પણ સંગીતકારોને મળી છે. વિરહાગ્નિમાં જલતી પર્દાનશીં નાયિકા (સોનિયા સાહની )એક સૂફી સંતની દરગાહમાં સલામ કરવા આવે છે. એ પ્રસંગે કવ્વાલી રજૂ થાય છે. થોડીવારે કથાનાયક (જોહર) પણ સંતને સલામ કરવા આવે છે. નાયિકાને સંબોધીને રચી હોય એવી આ કવ્વાલીના શબ્દો ઇન્દિવરે સરસ રચ્યા છે- ‘બદલ જાયેંગે તેરે અશ્ક ગોહર, યહાં દામન ફૈલાના હી કાફી હૈ, જુબાં સે કુછ ભી કહને કી જરૂરત ક્યા, તેરા ઇસ દર પે આ જાના હી કાફી હૈ, ઇસ લિયે મુરાદેં લેકે સબ આયે હૈ...’

જોહર ઇન કશ્મીર ફિલ્મ રજૂ થઇ ત્યારે ફિલ્મનાં બધાં ગીતો ગાજ્યાં હતાં. બન ગયી દિવાર દુનિયા આજે પણ ક્યારેક જૂનાં ગીતોના રેડિયો કાર્યક્રમમાં સાંભળવા મળે છે ખરું.


Comments

Post a Comment