અવળા પ્રચાર પછી હિટ થયેલા સંગીતની પહેલી ફિલ્મ જોહર મહેમૂદ ઇન ગોવા...

 


હિમાલય કી ગોદ મેંનું સંગીત હિટ થયા પછી શરૂ થયેલા અવળા પ્રચારની પરવા કર્યા વિના હસતા મોઢે કલ્યાણજી આણંદજી પોતાનું કામ કરતા રહ્યા. સામા પૂરે તરી રહ્યા હોય એમ ફિલ્મ જોહર મહેમૂદ ઇન ગોવામાં તરખાટ મચાવતું સંગીત પીરસ્યું.

જોહર મહેમૂદ ઇન ગોવા, કોમેડીમાં પોતાની શૈલી કંડારનારા અભિનેતા-ફિલ્મ સર્જક આઇ એસ જોહરની ફિલ્મ હતી. પોષ્ટ ગ્રેજ્યુએટ થયેલા જોહરની કોમેડી જુદા પ્રકારની અને ધારદાર હતી. ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્તિ અપાવવાના સ્વાતંત્ર્ય સંગ્રામની કથાને એક પ્રણયકથા સાથે જોડીને જોહરે આ રમૂજી ફિલ્મ બનાવી હતી. આ પ્રયોગ સફળ થતાં એણે જોહર ઇન કશ્મીર, જોહર ઇન હોંગકોંગ અને જોહર ઇન મુંબઇ જેવી કોમેડી ફિલ્મો બનાવી હતી.

આપણે જોહર મહેમૂદ ઇન ગોવાની વાત કરીએ. અગાઉ તમને કહ્યું હતું કે ભૈરવી રાગિણી પર આધારિત ગીતોમાં કલ્યાણજી આણંદજીએ સપ્તકના બારેબાર સ્વરોનો કલાત્મક ઉપયોગ કર્યો હતો. એવો એક પ્રયોગ જોહર મહેમૂદ ઇન ગોવામાં હતો. 

પોર્ટુગીઝ શાસનને પડકારતાં જે ગીત ફિલ્મનો નાયક રજૂ કરે છે એ ગીત મૂકેશના કંઠમાં ગજબની જમાવટ કરી ગયું. ઇન્દિવરના શબ્દો હતા. ન કોઇ રહા હૈ ન કોઇ રહેગા, હૈ તેરે જાને કી બારી ભી ઐસી, યે દેશ આઝાદ હો કે રહેગા મેરા દેશ આઝાદ હો કે રહેગા... 

છ માત્રાના લચકદાર ખેમટા તાલમાં નિબદ્ધ આ ગીતમાં સંગીતકારોએ યે દેશ આઝાદ હો કે રહેગા પંક્તિમાં પંચમ (સ્વર પ)થી પાછાં ફરતાં ગજબ રીતે તીવ્ર મધ્યમનો ઉપયોગ કર્યો છે. ગીતનું સૌંદર્ય અદ્ભુત રીતે વધી જાય છે. તર્જ અને લય બંને સંગીત રસિકને ફરી ફરી ગીત સાંબળવા આકર્ષે એવાં બન્યાં છે.

અંધારી આલમના કારીગરો જેલને સસુરાલ કહે છે. ગીતકાર કમર જલાલાબાદીએ શબ્દને ધ્યાનમાં રાખીને એક સરસ રચના આપી છે. ફિલ્મના બંને નાયકો એટલે કે જોહર અને મહેમૂદ (ફિલ્મની કથામાં બંને જોડિયા ભાઇઓ છે) સ્વાતંત્ર્ય સંગ્રામમાં સહભાગી થતાં પોલીસ બંનેની ધરપકડ કરે છે. એ સમયે આ બંને ગાય છે. 

મન્ના ડે અને મુહમ્મદ રફીના કંઠે રજૂ થતું એ ગીત એટલે યે દો દિવાને દિલ કે, ચલે હૈં દેખો મિલ કે, ચલે હૈં ચલે હૈં ચલે હૈં સસુરાલ... ગીતની તર્જમાં અનેરો ઉત્સાહ અનુભવી શકાય છે. આ ગીતમાં કહેરવા તાલનો ઉપયોગ થયો છે.

કથાનાયક (આઇ એસ જોહર) અને નાયિકા (સોનિયા સાહની) પર ફિલ્માવાયેલું એક સરસ રોમાન્ટિક ગીત કમર જલાલાબાદીની રચના છે. આ ગીતમાં ખૂબીપૂર્વક ગોવાના લોકસંગીતને વણી લઇને તર્જ તૈયાર કરાઇ છે. યે દો દિવાને દિલ કે ગીતના કહેરવા કરતાં અહીં જરા જુદી રીતે અને ખટકદાર કહેરવામાં તર્જ રજૂ કરાઇ છે. નાયક દ્વારા નાયિકાની છેડછાડ કરાય છે એવો ભાવ આ ગીતમાં છે. મુખડું છે- ધીરે રે ચલો મોરી બાંકી હિરનિયા,, કમર ન લચકે હાય સજનવા ધીરે રે ચલો મોરી બાંકી હિરનિયા...

આ ગીતમાં વચ્ચે વચ્ચે નાયિકાની સુંદરતાને બિરદાવવામાં આવી છે. તેરી બીખરી જુલ્ફેં દેખ દેખ યે મસ્ત ઘટા શરમાયી, તેરા રૂપ દેખા જો ઝૂમ ઝૂમ લી બીજલીને અંગડાઇ... વગેરે. શબ્દોને અનુરૂપ સ્વરોની ગૂંથણી હોવાથી અને મૂકેશે દિલથી ગાયું છે એટલે મૂકેશના ચાહકો માટે આ ગીત સાચવી રાખવા જેવું બન્યું છે 

ફિલ્મને મસાલેદાર બનાવવા અહીં એક ગીતમાં મહેમૂદ અને મૂમતાઝ બેગમ સફેદ વાળની વીગ પહેરીને બોલ ડાન્સ કરતાં હોય એવું એક ગીત જોહરે રજૂ કર્યું છે. ગીતનો ઉપાડ ચપટી વગાડીને થાય છે. પહેલાં એક હાથ ચપટી વગાડતો દેખાય, પછી બીજો હાથ, પછી ત્રીજો હાથ... 

રમૂજી ગીત છે. કમર જલાલાબાદીએે લખ્યું છે- કુછ ભી કહે દુનિયાવાલે, હમ હૈં અભી જવાં, તુમને જો દેખા આંખેં ચુરા કે, ઝૂમ ઊઠે અરમાં... સરસ ડાન્સ સોંગ બન્યું છે.

અહીં માત્ર યાદગાર ગીતોની ઝલક લીધી છે. અપપ્રચારની નોંધ લીધા વિના ટીકાકારોની બોલતી બંધ થઇ જાય એ રીતે સંગીતકારોએ કામ કરી બતાવ્યું છે. લક્ષ્મીકાંત પ્યારેલાલ સહાયક સંગીતકાર તરીકે છૂટા થયા  ત્યારપછી સંગીતની દ્રષ્ટિએ હિટ નીવડેલી આ કદાચ પહેલી ફિલ્મ હતી. કલ્યાણજી આણંદજીએ પોતાના કામથી પુરવાર કરવા માંડ્યું કે તેમની સર્જનકલા કેવી વિશિષ્ટ છે.


Comments

Post a Comment