‘અંગુઠો અંદર રહે એ રીતે તમારા હાથની મૂઠ્ઠી વાળો. તમારી મૂઠ્ઠીના કદ જેટલું હૃદય તમારા શરીરમાં છે. એ સતત ધબકતું રહીને પંપિંગ દ્વારા આખાય શરીરને લોહી અને લોહી દ્વારા ઓક્સિજન પહોંચાડે છે. શરીરમાં ચરબી વધે અને તમે મેદસ્વી થાઓ છો.
‘આમ થાય ત્યારે માત્ર બહારનું શરીર પહોળું થાય છે. અંદર રહેલાં એક પણ અંગના કદમાં કોઇ ફેરફાર થતો નથી. શરીરનું કદ વધે એટલે અંદર રહેલા હૃદયનું કદ વધતું નથી.
‘બટ, વેઇટ અ મિનિટ, અંદરનાં અંગોનું કામ પહેલાં કરતાં અનેકગણું વધી જાય છે. શરીર જાડું બનતાં એને જરૂરી લોહી પુરવઠો પહોંચાડવા હૃદયે વધુ કામગીરી કરવી પડે છે. પરિણામે હાર્ટ અટેક આવવાની શક્યતા વધી જાય છે. એટલે શરીર પ્રમાણસરનું રહે એ જરૂરી છે. દરેક વ્યક્તિેએ પોતાના શરીરની સમતુલા જાળવી રાખવી જોઇએ......’
મહાનગર મુંબઇની એક પ્રસિદ્ધ હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ (હવે દિવંગત)એ એક લેક્ચર સિરિઝમાં સરસ રીતે સમજાવ્યું હતું કે હાર્ટ અટેક કેમ આવી શકે. અહીં આખીય વાતને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમ તો હાર્ટ અટેક આવવાનાં બીજાં પણ કારણો છે. અહીં માત્ર મેદસ્વિતાના એક કારણની વાત કરી. આ વાત યાદ આવવાનું કારણ છે, હોનહાર અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળ અવસાન.
શરીર સૌષ્ઠવની દ્રષ્ટિએ સિદ્ધાર્થ એકદમ ફિટ હતો. તો પછી હાર્ટ એટેક કેમ આવ્યો એવો સવાલ આપણને સૌને થાય. અહીં જરા જુદી રીતે શ્રીમદ્ રાજચંદ્રને યાદ કરવા છે. એક પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રે સચોટ વાત કરેલી. તેમના મૂળ શબ્દો પૂરેપૂરા યાદ નથી. પરંતુ એનો સાર કંઇક આવો હતો- ‘જે કંઇ થાય તે થવા દેવું, બહુ ઊધામા કરવા નહીં અને પરમાત્માને ફરિયાદ પણ કરવી નહીં. જે થાય છે એ સારા માટે થાય છે એમ માનવું.’
કંઇક આવીજ વાત દાદા ભગવાન તરીકે ઓળખાતા સિદ્ધ પુરુષે કરેલી. એ કહેતા ‘હુઆ સો ન્યાય... જે કંઇ બન્યું એ સર્જનહારની દ્રષ્ટિએ તમારા માટે ન્યાયી હતું. સર્જનહારની અદાલતમાં અન્યાય જેવું કશું જ નથી....’
આ વાત આજની યુવા પેઢીને પ્રેમથી સમજાવવી જોઇએ. કોઇ પણ વ્યાવસાયિક કારકિર્દીમાં ચડાવ ઉતાર આવવાના જ. સમયનું ચક્ર સતત વર્તુલાકારે ફર્યા કરે છે. આજે ઊંચે તો આવતી કાલે નીચે. કોઇ સમય કદી કાયમી હોતો નથી. રાય મટીને રંક બને અને રંક મટીને રાય બને એ સમયની સાઇકલ છે.
વાતને સિદ્ધાર્થના અકાળ અવસાન પૂરતી રાખીએ. એના અકાળ અવસાનનું એક કારણ સતત અનિશ્ચિત રહેતી અભિનય કારકિર્દીનું હતું. તમને યાદ હોય તો અભિનેતા ફિરોઝ ખાનના અભિનેતા પુત્ર ફરદીન ખાન ડ્રગ લેતાં પકડાયો ત્યારે એણે પોતાના બચાવમાં કોર્ટમાં કહેલું કે અમારી કારકિર્દી સતત અનિશ્ચિત હોય છે એટલે ટેન્શન નિવારવા અમે ડ્રગ લેતા થઇ જઇએ છીએ....
એમાંય છેલ્લા વરસ દોઢ વરસમાં કોરોનાએ રીતસર હાહાકાર મચાવી દીધો. મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ભાગના કલાકારો-કસબીઓ પ્રચંડ ટેન્શનનો શિકાર થઇ ગયા. અમિતાભ બચ્ચન જેવા બે ચાર ટોચના કલાકારોને કામ મળતું રહ્યું. બાકીના મોટા ભાગના કસબીઓે કામ વગર રઝળતા રહ્યા. આવક બંધ થઇ એટલે ટેન્શનમાં અનેકગણો વધારો થયો. સિદ્ધાર્થના જીવનના છેલ્લા બાર પંદર કલાકોમાં એવું તે શુ બન્યું કે એને અટેક આવી ગયો એ આપણે જાણતા નથી. પરંતુ આજના સમયમાં માનસિક સ્વસ્થતા જાળવીને રહેવું એ અત્યંત અનિવાર્ય જરૂરિયાત છે. ઘરનો મોભી ચાલ્યો જાય ત્યારે પાછળ રહી જનારની સ્થિતિ દયામણી થઇ જતી હોય છે. આ હકીકત ધ્યાનમાં રાખીને દરેક જણે સંજોગોને જીરવવાની ધીરજ અને સહનશક્તિ કેળવવી જોઇએ એમ નથી લાગતું ? થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા....
આપના દરેક લેખો ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયી હોય છે.ખુબ આભાર.
ReplyDelete