'એ બધાં હિટ ગીતો આ કચ્છી ભાઇઓનાં નહોતાં,’ અપપ્રચાર શરૂ થયો...!



પાંચેક વર્ષના ટૂંકા ગાળામાં રાજ કપૂર, શમ્મી કપૂરષ શશી કપૂર અને મનોજ કુમાર જેવા કલાકારોની ફિલ્મોમાં હિટ સંગીત આપીને ટોચના સંગીતકારોની હરોળમાં કલ્યાણજી આણંદજી ગોઠવાઇ ગયા.  ફિલ્મ સંગીતમાં પ્રવેશવા માગતા બીજા સંઘર્ષશીલ લોકોને આવા સંજોગોમાં અદેખાઇ આવે એ સાવ સ્વાભાવિક હતું.

કેટલાક વાંકદેખા લોકોએ અપપ્રચાર શરૂ કર્યો કે હિટ નીવડેલાં ગીતો કલ્યાણજી આણંદજીનાં સ્વરનિયોજનો નહોતાં. એ તો એમના સહાયક રહેલા લક્ષ્મીકાંત પ્યારેલાલનાં સ્વરનિયોજનો હતાં. ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં લગભગ બધા સંગીતકારોને આવા અનુભવો થયા હતા. વિઘ્નસંતોષીઓ અન્યોની પ્રગતિ કે સફળતા માણી શકતા નહોતા. છડેચોક આવી વાતો થવા માંડી તોય કલ્યાણજી આણંદજીના પેટનું પાણી હાલ્યું નહોતું

વાતને થોડી સ્પષ્ટ કરવાની જરૂર છે. કોમેડિયન મહેમૂદે 1961ની આખરમાં છોટે નવાબ બનાવવા માંડી ત્યારે એસ ડી બર્મનને મળવા ગયો હતો. બર્મનદાદાએ એને હસી કાઢ્યો અને હાંકી કાઢ્યો. મહેમૂદે આર ડી બર્મનને છોટે નવાબમાં સંગીત આપવા સમજાવી લીધા. 

બીજી બાજુ 1962ના ઉત્તરાર્ધમાં લક્ષ્મીકાંત પ્યારેલાલને લતાજીના પીઠબળથી પારસમણિ અને રાજશ્રીની દોસ્તીની ઓફર્સ મળી એટલે સ્વાભાવિક રીતે એ બંને જણ પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત થઇ જાય. પહેલી બીજી ફિલ્મથીજ જમાવટ કરવાની કયા સંગીતકારને ઇચ્છા ન હોય ? લક્ષ્મીકાંત પ્યારેલાલ આઠ નવ વર્ષની ઉંમરથી લતાજી અને એમના ભાઇ હૃદયનાથે શરૂ કરેલા ઓરકેસ્ટ્રા જોડે સાજિંદા તરીકે  સંકળાયેલા હતા. પોતે ટૂંક સમયમાં સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરી રહ્યા હોવાની જાણ એ બંનેએ કલ્યાણજીભાઇને કરી દીધી હતી. કલ્યાણજીભાઇએ નવા સહાયકની શોધ આદરી દીધી હતી અને આ બંનેને હાર્દિક શુભેચ્છા આપી દીધી હતી. પ્યારેલાલે તો કલ્યાણજીને ત્યાં સુધીની ખાતરી આપી દીધી હતી કે ભવિષ્યમાં તમને એરેંજર તરીકે મારી જરૂર હોય ત્યારે કહેજો. મારું પોતાનું રેકોર્ડિંગ મોકૂફ રાખીને હું તમારા રેકોર્ડિંગમાં હાજરી આપીશ. જો કે સૌની સાથે હળીમળીને રહેવાની ભાવના રાખતા કલ્યાણજીભાઇને એવી જરૂર પડી નહીં. લક્ષ્મીકાંત પ્યારેલાલ સ્વતંત્ર થયા પછી એમની સહાયક સંગીતકારની ખાલી પડેલી જગ્યા આપોઆપ પૂરાઇ ગઇ.

અહીં ઔર એક વાતની સ્પષ્ટતા કરવી ઘટે. લક્ષ્મીકાંત પ્યાલેલાલ સ્વતંત્ર થયા પછી પણ કલ્યાણજી આણંદજીએ અસંખ્ય હિટ ગીતો આપ્યાં. મનોજ કુમારની ઉપકાર અને પૂરબ પશ્ચિમ, રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ રાઝથી શરૂ કરીને છેક સફર, સચ્ચા જૂઠા વગેરે સુધી, અમિતાભ બચ્ચનને રાતોરાત એંગ્રી યંગ મેન બનાવનારી ફિલ્મ જંઝીરથી માંડીને મુકદ્દર કા સિકંદર, લાવારિસ વગેરે... ફિરોઝ ખાનની ફિલ્મો તો અલગ.

આમ લક્ષ્મીકાંત પ્યારેલાલની નવી કારકિર્દી શરૂ થયા પછી પણ કલ્યાણજી આણંદજીએ ઢગલાબંધ સુપરહિટ ગીતો આપ્યાં. કેટલીક ફિલ્મોએ તો સિલ્વર જ્યુબિલી ઊજવી. એની વાત પણ આગળ જતાં આવશે.  કહેવાનો ભાવાર્થ માત્ર એટલો કે ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં લગભગ દરેકે દરેક સંગીતકારે આલા દરજ્જાનું જ પ્રદાન કર્યું. દરેકે એકબીજાને સહાય કરી. આર ડી બર્મને લક્ષ્મીકાંત પ્યારેલાલની દોસ્તીમાં ખરેખર દોસ્તીદાવે માઉથ ઓર્ગન વગાડ્યું. એક પૈસો પણ મહેનતાણું લીધું નહીં. બર્મન પિતાપુત્રની (દેવ આનંદ)ની ગાઇડ ફિલ્મમાં જગવિખ્યાત સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માએ તબલાં પણ વગાડ્યા. 

ટૂંકમાં, કોઇના જવાથી કોઇનું કામ અટકતું નથી. વિઘ્નસંતોષીઓએ ફેલાવેલી અફવાનો જવાબ કલ્યાણજી આણંદજીએ પોતાના કામથી આપી દીધો. 1958માં શરૂ થયેલી સંગીતકાર તરીકેની તેમની કારકિર્દી 1980ના દાયકાની આખર સુધી ચાલી. પ્રતિભા ક્યારેય છૂપી રહેતી નથી. 

આખરે તો કામ બોલે છે. એક ગુજરાતી તંત્રીને યાદ કરીને કલ્યાણજીભાઇ કાયમ કહેતા કે પહેલો દાયકો તમારું કામ બોલે છે, પછીના દાયકાઓમાં તમારું નામ બોલે છે. 

આ બંને ભાઇઓ ક્યારેય કોઇના માટે ઘસાતું બોલ્યા નહીં કે ક્યારેય અફવાઓને રદિયો આપવાની પરવા કરી નહીં. એ મૂગે મોઢે પોતાનું કામ સમર્પિત ભાવે કરતા રહ્યા. નિવૃત્તિની વેળા આવી ત્યારે નવી પેઢીના ટીનેજર્સને ગાવાની તાલીમ આપીને તૈયાર કર્યા. બાળકોની પ્રતિભા પારખીને લિટલ સ્ટાર્સ નામે સેંકડો કાર્યક્રમો કર્યા.


Comments

Post a Comment