હિમાલય કી ગોદ મેંનું સંગીત સદાબહાર બની રહ્યું


પ્યાસે પંછી પછી વિજય ભટ્ટ અને શંકરભાઇ ભટ્ટની જે ફિલ્મ કલ્યાણજી આણંદજીએ કરી એ હતી હિમાલય કી ગોદ મેં. કથાનું  પ્રેરકબળ હતું ડોક્ટર દ્વારા ગામડામાં સેવા કરવાની ભાવના. શરૂમાં જો કે ભુવાબાવાથી ટેવાયેલા ગ્રામજનો વિરોધ કરે, પછી આવકારે. આ ફિલ્મની કથામાં ડાકુ, પ્રણયત્રિકોણ, પ્રકૃતિ વગેરેને આવરી લેવાયાં હતાં. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ નીવડી હતી અને ફિલ્મ ફેર એવોર્ડ પણ જીતી હતી. આ ફિલ્મ પાછળથી તેલુગુ ભાષામાં પણ ઊતરેલી. એનું સંગીત પણ સુપરહિટ નીવડ્યું હતું. આ ફિલ્મથી અભિનેતા ફિલ્મ સર્જક મનોજ કુમાર સાથે કલ્યાણજી આણંદજીની આત્મીયતા સ્થપાઇ હતી. મનોજ કુમાર, માલાસિંહા, શશીકલા અને જયંત મુખ્ય ભૂમિકામાં હતાં. 

મોટા ભાગનાં ગીતો મૂકેશ અને લતા વચ્ચે વહેંચાઇ ગયાં હતાં. આનંદ બક્ષી, કમર જલાલાબાદી અને ઇન્દિવરની રચનાઓ હતી. કાવ્યતત્ત્વની દ્રષ્ટિએ જોઇએ તો કમર જલાલાબાદીએ મેદાન માર્યું હતું. 

એક તરફ કમર જલાલાબાદીના શબ્દો અને બીજી બાજુ કલ્યાણજી આણંદજીએ રાગ તોડીમાં રચેલી બંદિશ હતી. છ માત્રાના દાદરા તાલમાં આ ગીતને મૂકેશે ભાવવાહી રજૂઆત દ્વારા જીવંત કર્યું હતું. યાદ કરો એ ગીત- ‘મૈં તો ખ્વાબ હું ઇસ ખ્વાબ સે તુ પ્યાર ન કર, પ્યાર હો જાયે તો ફિર પ્યાર કા ઇઝહાર ન કર... ’ આ ગીતના ઇન્ટરલ્યૂડમાં વનવગડાની વેરાની સેક્સોફોન પર આબાદ રજૂ થઇ છે. આ એકજ ગીત પર આખો લેખ લખી શકાય એવા એના સંવેદનશીલ શબ્દો છે.

ઔર એક ગીત મૂકેશે યાદગાર બનાવ્યું હતું. આનંદ બક્ષીની રચના હતી ‘ચાંદ સી મહેબૂબા હો મેરી કબ ઐસા મૈંને સોચા થા..’ આ ગીત પણ દાદરા તાલમાં છે. શબ્દોમાં રહેલી તાજગી બંદિશમાં પણ અનુભવાય છે.



પ્રણયની બે જુદી જુદી સંવેદનાને અહીં ઇન્દિવરે અત્યંત નજાકતથી રજૂ કરી છે. સાચો પ્રેમ કરનાર પાત્રના મનની આટલી સુંદર છણાવટ બહુ ઓછી જોવા મળી છે. બંને ગીતો માણવા જેવાં બની રહ્યાં. પહેલામાં કહ્યું, ‘એક તુ જો મિલા સારી દુનિયા મીલી, ખીલા જો મેરા દિલ સારી બગિયા ખીલી...’ ઠીક ઠીક ફાસ્ટ કહી શકાય એવા કહેરવામાં આ ગીત વારંવાર સાંભળવાની ઇચ્છા થાય એવું બન્યું. 

પ્રણયની બીજી સંવેદના એટલે ફરી એકવાર ઇન્દિવરની રચના. ‘એક તૂ ના મિલા સારી દુનિયા મીલે ભી તો ક્યા હૈ...’ વાહ્ વાહ્ કવિ... પ્રિયપાત્ર ન મળે તો બાકી રહેલી દુનિયા મળે કે ન મળે, શો લાભ ? એથી શું વળે ? દિલ ઝૂર્યા કરે. મજાની વાત એ છે કે આ બંને સંવેદના લતાજીએ સરસ મુરકીઓ સાથે જીવંત કરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બંને ગીતો રાગ ચારુકેશી પર આધારિત છે. હર્ષ અને શોક બંને એક રાગમાં રજૂ કરીને કલ્યાણજી આણંદજીએ ખરેખર કમાલ કરી.

પ્રિયપાત્રો વચ્ચે ક્યારેક કૃત્રિમ તનાતની થાય છે. પ્રિયતમા ખોટો છણકો કરતાં કહે છે, જાવ ને હવે, તમે તો છો જ એવા... આ ભાવનાને આનંદ બક્ષીએ ગજબ રીતે પેશ કરી છે. લતાજીએ ગાયેલા એ ગીતનું મુખડું છે- ‘કંકરિયા માર કે જગાયા, કલ તુ મેરે સપને મેં આયા, બાલમા તુ બડા વો હૈ...’ આ ગીત ખટકદાર ખેમટા તાલમાં છે. સંગીત નહીં જાણનારા રસિકને પણ તાન ચડી જાય એવાં તર્જ-લય છે. 

અહીં એક સરસ આડવાત યાદ આવી ગઇ. ગોપીને સપનામાં કૃષ્ણ દેખાય  છે. એ કૃષ્ણને પકડવા જાય છે ત્યાં આંખ ઊઘડી જતાં સપનું ખંડિત થાય છે. આ ભાવનાને કવિ વેણીભાઇ પુરોહિતે અદ્ભુત રીતે રજૂ કર્યો છે. માણો તમે પણ- ‘ હો શ્યામ તને આંખોં મીંચીને મેં જોયો, અભાગણીએ આંખો ઊઘાડીને ખોયો,  આ જીવ મારો રાજી રાજીને પછી રોયો કે શ્યામ તને શું રે જોયો ને શું ખોયો...’

હિમાલય કી ગોદ મેંના સંગીતે કલ્યાણજી આણંદજીને રાતોરાત ટોચના સંગીતકારોની હરોળમાં મૂકી દીધા. કેટલાક વિધ્નસંતોષીઓને એ વાત ખૂંચી. એમણે નેગેટિવ પ્રચાર શરૂ કર્યો. એની વાત આવતા શુક્રવારે.


Comments

  1. સુંદર માહિતીપુર્ણ લેખ. અભિનંદન.

    ReplyDelete

Post a Comment