બહુરત્ના વસુંધરા- આ દેશમાં જન્મજાત પ્રતિભાઓની બિલકુલ કમી નથી !

 


‘મારા કરતાં વધુ પ્રતિભાશાળી યુવાનો આપણા દેશમાં છે. મારી બાબતમાં હું એટલું કહીશ કે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય વ્યક્તિઓ સાથે મારી મુલાકાત થઇ એટલે હું અપેક્ષા કરતાં વધુ સફળતાને વર્યો...’ એક કરતાં વધુ પ્રસંગે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ઉચ્ચારેલા આ શબ્દો છે. 

ચિન્મય મિશનવાળા સ્વામી ચિન્મયાનંદ આ જ વાત જુદા શબ્દોમાં કરતા. એ કહેતા, સમય સે પહલે ઔર ભાગ્ય સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા... આપણી ટીવી ચેનલ પર ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ નામે એક કાર્યક્રમની સિરિઝ રજૂ થતી રહી છે. એમાં દેશના ખૂણે ખૂણેથી અનેરી પ્રતિભાઓ રજૂ થઇ છે એ આપણે સૌએ નિહાળી છે.

તાજેતરના ભૂતકાળની વાત કરીએ તો ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું  અને પોતાનાં માતાપિતાનું નામ રોશન કરનારા નીરજ ચોપરા અને મીરાંબાઇ ચાનુને યાદ કરવા ઘટે. એમાંય મીરાંબાઇ તો અત્યંત નિર્ધન પરિવારનું અણમોલ રત્ન છે. એનું ઘર, એની આર્થિક પરિસ્થિતિ અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ એ યુવતી દુનિયાભરનાં પ્રચાર માધ્યમોમાં સ્થાન પામી.

એવોજ અન્ય એક કિસ્સો પવનદીપનો ગણી શકાય. આ વખતે ઉત્તરાખંડના એક અજાણ્યા ગામના આ યુવકે પિયાનો, એકોર્ડિયન, ડ્રમસેટ, ગિટાર, મેંડોલીન, ઢોલક વગેરે વાદ્યો પરનો પોતાનો કાબુ અત્યંત નમ્રતાથી રજૂ કરતાં હલકદાર કંઠે ગીતો રજૂ કર્યાં. તમે બધા એપિસોડ જોયાં હોય તો  તમને ખ્યાલ હશે. એને જ્યારે જ્યારે બિરદાવવામાં આવ્યો ત્યારે એના ચહેરા પરની એક પણ રેખા બદલાઇ નહોતી. એ નમ્રતાથી થેંક્યુ કહી દેતો, બસ. ચહેરા પર જરાય ગર્વ નહીં.

'


સૌથી વધુ મહત્ત્વની વાત તો એ કે આ યુવક પોતે શ્રીમંત માતાપિતાનો પુત્ર નથી. આમ છતાં એને પચીસ લાખ રૂપિયા મળ્યા ત્યારે એણે મિડિયાને કહ્યું કે આ પૈસા હું મારા ગામના વિકાસ માટે વાપરીશ. કેવી ઉદાત્ત ભાવના. બાકી એ એમ પણ કહી શક્યો હોત કે હું બંગલો બનાવીશ કે મર્સિડિઝ કાર લઇશ કે મારા પરિવારને લઇને વિશ્વ પ્રવાસે જઇશ. ના, એ પોતાના ગામના વિકાસ માટે ઇનામની આ રકમ વાપરવાનો છે. ક્યાં પ્રજાને બોડી બામણીનું ખેતર સમજીને લૂંટતા પોલિટિશ્યનો અને ક્યાં ઉત્તરાખંડનો આ એક અજનબી યુવાન ! આ વખતની ઇન્ડિયન આઇડોલ સિરિઝમાં વિવિધ પ્રતિભાઓને સંગીતકાર બાપ્પી લાહિરીએ અને સિનિયર અભિનેત્રી રેખાએ જબરું પ્રોત્સાહન આપ્યું.

ઘણીવાર અખબારોમાં પણ આવા તેજસ્વી તારલાની વાતો પ્રગટ થતી હોય છે. ઘેર ઘેર ઝાડુપોતાં કરતી માતાનો પુત્ર કે કોઇ રિક્શાવાળાની પુત્રી બોર્ડની પરીક્ષામાં પહેલા પાંચમાં સ્થાન મેળવે ત્યારે આવી પ્રેરક વાતો દૈનિકોમાં પ્રગટ થતી હોય છે. 

વાત એટલી કે આ દેશની 130 કરોડની આબાદીમાં પ્રતિભાની કમી નથી. અનેક છૂપાં રત્નો આપણી વચ્ચે છે. અમિતાભ બચ્ચનના શબ્દોમાં કહીએ તો એમને યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય વ્યક્તિઓ કે તક મળતી નથી. તક મળે ત્યારે રેઢિયાળ સરકારી તંત્ર અવરોધો પેદા કરે છે. 

એનું સચોટ વર્ણન આમિર ખાનની દંગલ ફિલ્મમાં હતું. પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં કુસ્તીની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ થવાની છે ત્યારે ખંધા સરકારી અધિકારીઓ આમિર ખાનને એક ઓરડીમાં પૂરી દે છે. આખીય સ્પર્ધા પૂરી થતાં એની પુત્રી વિજેતા નીવડે છે. પુત્રીની નજર પિતાને શોધે છે કે અત્યારે ખરા ટાણે મારા  પિતા ક્યાં અલોપ થઇ ગયા ?

અગાઉ એવા પણ કિસ્સા મિડિયામાં નોંધાયા છે જ્યારે ઓલિમ્પિક્સમાં ખેલાડીઓ માટે જરૂરી મિનિમમ સગવડો પણ ન હોય. બીજી બાજુ સરકારી અધિકારીઓ સહકુટુંબ વિદેશયાત્રા કરવાનો મોકો ઝડપી લે પ્રજાના પૈસે તાગડધિન્ના કરે.

વિવિધ ટેલિવિઝન ચેનલ્સ પર ભલે વિદેશી કાર્યક્રમોની નકલ રૂપે પણ આવા પ્રોગ્રામ્સ રજૂ થતા રહ્યા છે જેમાં આપણને વિસ્મય થાય એવી પ્રતિભાઓ રજૂ થતી રહી છે. પુનરાવર્તનના ભોગે પણ કહેવું પડે કે આ દેશના ખૂણે ખૂણે પ્રતિભાઓ પડેલી છે. એમને યોગ્ય તક મળતી નથી. પ્રતિભા પૂર્ણપણે વિકસે એવું પીઠબળ મળતું નથી.

સુધા મૂર્તિએ પોતાના આત્મકથનાત્મક પ્રસંગોમાં આનો દાખલો પણ આપ્યો છે. તાતા સમૂહની કંપનીમાં મહિલાઓને ખૂબ ઓછી તક મળતી હતી ત્યારે સુધા મૂર્તિએ જે આર ડી તાતાને કહેલું કે મહિલાઓ પણ તમને સંતોષ થાય એવું કામ કરી શકે છે. તમે તક તો આપી જુઓ. (સુધાજીના કથન બાબતમાં શાબ્દિક ફેરફાર હોઇ શકે છે. અહીં માત્ર એનો સાર લીધો છે.)

ચીંથરે વીંટ્યા રતન જેવી અસંખ્ય પ્રતિભાઓ દેશમાં છે. એને સરકારી નહીં તો ખાનગી ઉદ્યોગપતિઓએ પીઠબળ આપીને ઝળકાવવી જોઇએ. દેશનું અને પીઠબળ આપનારનું બંનેનું નામ વૈશ્વિક લેવલે ચમકી ઊઠી શકે.

------------------


Comments

Post a Comment