સુભાષ દેસાઇએ ઓફર કરેલી અગિયાર ફિલ્મ, ત્રણે કપૂર ભાઇઓ અને મનોજ કુમાર અભિનિત ફિલ્મો કરવાનો પુરુષાર્થ, સંગીતને મળેલી ધીંગી સફળતા વચ્ચે કલ્યાણજી આણંદજી સમક્ષ એક નવી ઓફર આવી. સામાન્ય રીતે આ ઓફર સંગીતકારો નકારી શક્યા હોત. પરંતુ સાહિત્યકારો અને કવિઓ સાથેની દોસ્તી નિભાવવામાં આ બંને કચ્છી માડુઓ અવ્વલ હતા. સંબંધ સાચવવા અને એક પ્રયોગ રૂપે તેમણે આ ઓફર સ્વીકારી લીધી.
આકાશવાણીના મુંબઇ કેન્દ્રમાં ટોચના એક ગુજરાતી શાયર કામ કરતા હતા. ‘બેફામ’ના તખલ્લુસથી શાયરી-ગઝલ રચતા બરકત વીરાણીના એેક સ્વજન રજબ શયદા અને અભિનેતા-નિર્દેશક મનહર રસકપૂર આ ઓફર લઇને આવેલા. એ ઓફર એટલે ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી.
મોટે ભાગે સાઉથની ફિલ્મોમાં હોય એવી અને ટીઅરજર્કર (મહિલા દર્શકોને રડાવતી ) તરીકે ઓળખાતી સામાજિક કથા આ ફિલ્મમાં હતી. ઉષા (આશા પારેખ) અને અરુણ (મહેશ કુમાર) પરણવાનાં હોય છે. પરંતુ પંકજ નામનો એક ખલનાયક ઉષાના ચારિત્ર્ય વિશે અફવા ફેલાવે છે. પરિણામે લગ્નની પહેલી રાત્રે મધુરજની ઊજવવાને બદલે અરુણ ગૂમ થઇ જાય છે.
પછી કેટલીક નાટ્યાત્મક ઘટનાઓ બને છે. હિન્દી ફિલ્મોની જેમ આ ગુજરાતી ફિલ્મમાં એક સેક્સી વેમ્પ પણ હતી. બેફામ અને મનહર રસકપૂરે કલ્યાણજી આણંદજીને વિનંતી કરી કે આ ફિલ્મમાં તમે સંગીત આપો. મૈત્રીભાવે આ બંનેએ હા પાડી.
હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી-નૃત્યાંગના આશા પારેખ અને મહેશ કુમારે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અન્ય કલાકારોમાં ચંદ્રવદન ભટ્ટ, નિહારિકા ભટ્ટ, પ્રતાપ ઓઝા, લીલા જરીવાળા, હની છાયા, પદ્મારાણી, હિન્દી ફિલ્મોના કોમેડિયન આગા વગેરે હતાં. ગીતો બરકત વીરાણીએ લખ્યાં.
આમ તો આ ફિલ્મનાં બધાં ગીતો હિટ નીવડ્યાં હતાં. એમાંય કેટલાંક ગીતોએ તો રીતસર ધમાલ મચાવી હતી. એવું એક ગીત એટલે ટાઇટલ ગીત. સંગીતકાર નૌશાદ પ્રત્યેના પૂરા પૂરા માન આદર સહિત એક વાત નોંધવી છે. નૌશાદે મધર ઇન્ડિયામાં રચેલા લગ્નગીત ‘પી કે ઘર આજ પ્યારી દૂલ્હનિયાં ચલી...’ની બરાબરી કરી શકે એવું એક તાજગીસભર ગીત અહીં કલ્યાણજી આણંદજીએ આપ્યું.
એ જ ચૌદ માત્રાનો દીપચંદી તાલ અને એ જ ગુજરાતી લગ્નગીતની પારંપરિક ઢબે રચેલું એ ગીત એટલે લતા મંગેશકર અને કોરસે ગાયેલું ‘તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી, તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી....’
ફિલ્મ ફાયનાન્સ કોર્પેારેશનની સહાયથી બનેલી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ. આશા પારેખે કરેલી આ પહેલી ગુજરાતી ફિલ્મ. લતાજી અને કોરસે ગાયેલું ઔર એક યાદગાર ગીત એટલે ‘મારા તે ચિત્તનો ચોર રે ઓલ્યો સાંવરિયો, જેવો રાધાને નંદનો કિશોર એવો મારો સાંવરિયો...’
એક યાદગાર ગીત જૂની રંગભૂમિનું લેવામાં આવેલું. મન્ના ડે અને કમલ બારોટે એને જમાવ્યું હતું. ખૂબ લોકપ્રિય ગીત છે. ‘ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહીં ખોલું રે...’ આ ગીત આજે પણ સ્ટેજ પ્રોગ્રામમાં જબરી જમાવટ કરતું રહ્યું છે.
એક ગીત મૂકેશના ભાગે આવ્યું હતું. સ્પષ્ટ ગુજરાતી ઉચ્ચારો માટે મૂકેશે ખાસ્સી મહેનત કરી હતી. (બાય ધ વે, મૂકેશનાં પત્ની ગુજરાતી છે. એમણે પણ સહાય કરી હશે.) આજે પણ સુગમ સંગીતના કાર્યક્રમોમાં આ ગીતની ફર્માયેશ થતી રહી છે. એ ગીત એટલે ‘નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે...’
ઘણું કરીને આ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મે ઠેર ઠેર રજત જયંતી (પચીસ સપ્તાહ સુધી ચાલતી ફિલ્મ માટે થતી ઊજવણી) ઊજવી હતી. પોતાની પહેલીજ ગુજરાતી ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ હિટ સંગીત આપીને ચીલો ચાતર્યો હતો.
આ ફિલ્મનું સંગીત હિટ નીવડ્યું ત્યારપછી જાણીતા લોકકલાકાર મનુભાઇ ગઢવીએ બનાવેલી ફિલ્મ કસુંબીનો રંગમાં સંગીત પીરસવાની ઓફર કલ્યાણજી આણંદજીને મળેલી. એનું સંગીત પણ હિટ સાબિત થયું હતું. એની વાત હવે પછી તક મળતાં કરીશું.
Comments
Post a Comment